26 December, 2025 10:59 AM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent
બંગલાદેશ નૅશનલિસ્ટ પાર્ટીના કાર્યકારી ચૅરમૅન તારિક રહમાનના સ્વાગત માટે ઢાકા ઍરપોર્ટની બહાર એક લાખથી વધુ લોકો એકત્ર થયા હતા, ગઈ કાલે ઢાકા પહોંચ્યા પછી તેમને આવકારવા ઍરપોર્ટ પર ભેગા થયેલા માનવમહેરામણનું અભિવાદન ઝીલતા તારિક રહમાન.
બંગલાદેશના ભૂતપૂર્વ વડાં પ્રધાન ખાલિદા ઝિયાનો દીકરો તારિક રહમાન ૧૭ વર્ષ પછી બંગલાદેશ પાછો ફર્યો છે. તારિક રહમાન ધરપકડથી બચવા માટે ૨૦૦૮માં લંડન ભાગી ગયા હતા. એ વખતે શેખ હસીનાની સરકારમાં તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારના અનેક કેસ ચાલી રહ્યા હતા. ગઈ કાલે તારિક રહમાનના સ્વાગતમાં તેમની બંગલાદેશ નૅશનલિસ્ટ પાર્ટી (BNP)ના એક લાખથી વધુ કાર્યકર્તાઓ જોડાયા હતા. તારિક રહમાનની સાથે તેમનાં પત્ની ઝુબૈદા રહમાન અને દીકરી ઝાયમા રહમાન પણ બંગલાદેશ પાછાં ફર્યાં છે. ઢાકા ઍરપોર્ટથી તેમણે ૧૩ કિલોમીટરનો રોડ-શો કર્યો હતો, જેમાં ૩ કલાક લાગ્યા હતા.
બંગલાદેશમાં આવતા વર્ષે ૧૨ ફેબ્રુઆરીએ ચૂંટણી છે અને હાલમાં દેશની ડામાડોળ રાજકીય પરિસ્થિતિમાં સ્થિરતા આપી શકે એવી આશા આ નેતા પાસેથી છે. તારિક રહમાને બંગલાદેશમાં પગ મૂકતાંની સાથે જ પહેલી વાર જનતાને સંબોધીને કહ્યું હતું કે ‘બંગલાદેશની પહેલી પ્રાથમિકતા શાંતિ સ્થાપિત કરવાની હોવી જોઈએ. આપણે બધા સાથે મળીને કામ કરીશું તો આપણા સપનાંનું બંગલાદેશનું નિર્માણ કરી શકીશું.’
ખાલિદા ઝિયા બીમાર છે અને તેમની હાલત ગંભીર છે ત્યારે તારિક રહમાન પાર્ટીના વડા પ્રધાન પદના ઉમેદવાર હોવાનું મનાઈ રહ્યું છે.
ડાર્ક પ્રિન્સ કેમ કહેવાય છે?
૬૦ વર્ષના તારિક રહમાન બંગલાદેશના ભૂતપૂર્વ વડાં પ્રધાન ખાલિદા ઝિયા અને દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જનરલ ઝિયા-ઉર-રહમાનના સૌથી મોટા દીકરા છે. જ્યારે ખાલિદા ઝિયા સત્તામાં હતાં એ દરમ્યાન તારિક રહમાન પર અનેક ગંભીર આરોપો લાગ્યા હતા. ૨૦૦૭માં ભ્રષ્ટાચારવિરોધી અભિયાન દરમ્યાન તેમની ધરપકડ થઈ હતી. તારિક રહમાન પર શેખ હસીનાની રૅલીમાં થયેલા ગ્રેનેડ-હુમલાના કેસમાં ઉંમરકેદની સજા પણ સંભળાવવામાં આવી હતી. આ હુમલામાં શેખ હસીના માંડ-માંડ બચ્યાં હતાં. તેમની પાસે ગેરકાનૂની રીતે કરોડો ડૉલરની સંપત્તિ હોવાનો પણ દાવો થઈ રહ્યો છે. આ બધું જ તેમણે ખાલિદા ઝિયા જ્યારે સત્તા પર હતાં ત્યારે હાંસલ કરેલું હોવાથી તેમને ડાર્ક પ્રિન્સનું બિરુદ મળ્યું છે.
બંગલાદેશમાં વધુ એક હિન્દુ યુવકની ઢોરમાર મારીને હત્યા- સાત દિવસમાં બીજી ઘટના, યુવક બળજબરીથી વસૂલી કરતો હોવાના આરોપમાં ટોળાએ જીવ લઈ લીધો
બંગલાદેશમાં એક વાર ફરી પાછી ટોળાએ હિન્દુ યુવકને માર મારીને હત્યા કરી હતી. આ ઘટના બુધવારે ૧૧ વાગ્યે રાજવાડી જિલ્લાના હોસેનડાંગા ગામમાં બની હતી. પોલીસે કહ્યું હતું કે મરનાર વ્યક્તિની ઓળખ ૨૯ વર્ષના અમૃત મંડલ ઉર્ફે સમ્રાટ તરીકે થઈ હતી. ૧૮ ડિસેમ્બરે ઢાકા પાસે હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની ટોળાએ હત્યા કરીને ઝાડ સાથે લટકાવીને સળગાવી દીધો હતો. અમૃત મંડલ પરાણે વસૂલી કરતો હોવાનો આરોપ મૂકીને ટોળાએ તેને માર માર્યો હતો. અમૃત સાથે મોહમ્મદ સલીમને આ મામલે પકડવામાં આવ્યો છે અને તેની પાસેથી બે હથિયાર જપ્ત કરવામાં આવ્યાં છે. અમૃત મંડલ ઉર્ફે સમ્રાટ લાંબા સમયથી લોકો પાસે બળજબરીથી વસૂલી કરવાની અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો દાવો થઈ રહ્યો છે. એક રાતે સમ્રાટ અને તેના સાથીઓ શાહિદુલ ઇસ્લામ નામના માણસના ઘરે વસૂલી કરવા ગયા હતા. જોકે તેના ઘરવાળાઓએ જોરજોરથી ચોર-ચોરની બૂમો પાડીને સ્થાનિક લોકોને જગાડી દીધા હતા. અમૃતના બીજા સાથીઓ ભાગવામાં સફળ રહ્યા હતા પણ અમૃતને ઢોરમાર માર્યો હતો જેમાં તેનું મૃત્યુ થયું હતું.