✕

એક મહિનામાં પડે એટલો વરસાદ એક દિવસમાં પડ્યા બાદ બૅન્ગકૉકના રસ્તાઓ બન્યા ઍક્વેરિયમ

30 September, 2026 11:56 AM IST  |  Thailand | Gujarati Mid-day Correspondent

થાઇલૅન્ડમાં માત્ર બે દિવસમાં એટલો ભારે વરસાદ પડ્યો કે પાટનગરને ‘આપત્તિગ્રસ્ત વિસ્તાર’ જાહેર કરવામાં આવ્યો

રસ્તા પર તરતી કૅટ‌ફિશ

થાઇલૅન્ડના પાટનગર બૅન્ગકૉકમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ પર જ્યાં પણ જુઓ ત્યાં માત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. નહેરો અને તળાવો ઓવરફ્લો થતાં રસ્તાઓ પણ નદી બની ગયા છે જેના કારણે મોટી સંખ્યામાં કૅટફિશ તરતી જોવા મળી હતી. ટ્રાફિક જૅમમાં ફસાયેલાં વાહનોની બાજુમાં માછલીઓ તરતી હોવાનાં દૃશ્યો જોઈને સ્થાનિક લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
પાટનગરમાં એક જ સપ્તાહમાં માત્ર બેથી ત્રણ દિવસમાં જ ૩૨૦ મિમી (૧૨.૬ ઇંચ) જેટલો વરસાદ ખાબકતાં મોટા ભાગના વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. આટલો વરસાદ સામાન્ય રીતે આખા સપ્ટેમ્બર મહિનામાં પડતો હોય છે. ભયજનક સ્થિતિને જોતાં સત્તાવાળાઓએ બૅન્ગકૉકને ‘આપત્તિગ્રસ્ત વિસ્તાર’ જાહેર કરાયો હતો. 
પૂરના કારણે હજારો રહેવાસીઓને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. સ્થાનિકો અને પ્રવાસીઓ દ્વારા સોશ્યલ મીડિયા પર શૅર કરાયેલા વિડિયોમાં લોકો કમર સુધીના પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા. ભારે વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે અને અનેક વિસ્તારોમાં પાણી ન આવતાં અને વીજળી ડૂલ થઈ જતાં લોકોની હાલાકીમાં વધારો થયો હતો. 

બૅન્ગકૉકના પૂરગ્રસ્ત રસ્તાઓ પર જેટ સ્કી ચલાવનાર યુવકની ધરપકડ
થાઇલૅન્ડના પાટનગર બૅન્ગકૉકમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આ આપત્તિ વચ્ચે એક યુવકનો વિડિયો વાઇરલ થયો હતો, જેમાં તે પાણી ભરાયેલા રસ્તાઓ પર પૂરપાટ ઝડપે જેટ સ્કી ચલાવતો જોવા મળ્યો હતો.
તેની આ હરકતને કારણે ઊછળેલાં પાણીનાં મોજાં રસ્તાની બાજુનાં મકાનો અને દુકાનોમાં ઘૂસી ગયાં હતાં. વિડિયો વાઇરલ થતાં જ પોલીસે કાર્યવાહી કરીને આ રાઇડરની ધરપકડ કરી છે અને જાહેર જનતાને પરેશાની પહોંચાડવા બદલ ગુનો નોંધ્યો છે. આ સ્ટન્ટનો વિડિયો ઉતારનાર વ્યક્તિ સામે પણ પગલાં લેવામાં આવ્યાં છે.

international news world news thailand bangkok