25 September, 2025 09:06 AM IST | Bangkok | Gujarati Mid-day Correspondent
બૅન્ગકૉકમાં વજીરા હૉસ્પિટલ પાસે ધસી પડેલી જમીન, જેમાં એક કાર જરાક માટે ગરકાવ થતાં અટકી પડી હતી.
બુધવારે સવારે થાઇલૅન્ડની રાજધાની બૅન્ગકૉકમાં અચાનક જ જાણે પાતાળલોકનું નિર્માણ થયું હોય એમ રોડ ધસીને અન્ડર-કન્સ્ટ્રક્શન સબવે સ્ટેશનમાં ધ્વસ્ત થઈ ગયો હતો. હૉસ્પિટલની પાસેનો રોડનો ૩૦ મીટર પહોળો ભાગ ૨૦ મીટર ઊંડા ખાડામાં પડ્યો હતો. એમાં ત્રણ કાર અને અનેક વીજળીના તાર તૂટી પડ્યા હતા. અચાનક જ થયેલા આ અકસ્માતને કારણે અફરાતફરી મચી ગઈ હતી. રોડ પરની માટી અચાનક જ ખસી ગઈ હતી અને રોડ આખો તૂટી પડ્યો હતો. પાણીની તૂટેલી પાઇપોને કારણે મોટી માત્રામાં પાણીના ફુવારા ઊડવાથી હાલત વધુ ખરાબ થઈ હતી. ચાર લેનનો આખો રસ્તો તૂટીને ભૂગર્ભમાં સમાઈ ગયો હતો.
પોલીસ-સ્ટેશનની સામે જ બનેલા આ સિન્કહોલને કારણે વજીરા હૉસ્પિટલના બિલ્ડિંગનો પાયો પણ જોખમમાં આવી ગયો હતો. એને કારણે હૉસ્પિટલમાંથી આઉટ પેશન્ટ સર્વિસ બે દિવસ માટે બંધ કરવામાં આવી છે. પોલીસ-સ્ટેશન પણ ખતરાના ઝોનમાં છે.
શહેરના અધિકારીઓનું કહેવું છે કે ‘રસ્તાની નીચે સુરંગનું કામ ચાલતું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. એમાં સતત વરસાદ અને પાણીની પાઇપના લીકેજને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી.’