15 May, 2025 12:14 PM IST | Balochistan | Gujarati Mid-day Correspondent
અગ્રણી બલૂચ કાર્યકર અને લેખક મીર યાર બલૂચ
બલૂચિસ્તાનના રાષ્ટ્રવાદી નેતાઓએ પાકિસ્તાનથી સ્વતંત્રતાની પ્રતીકાત્મક ઘોષણા કરી છે, જેનાથી આ ક્ષેત્રમાં ફરી તનાવ શરૂ થયો છે. બલૂચ નેતાઓએ ભારત અને સંયુક્ત રાષ્ટ્રસંઘને તેમના દેશને માન્યતા માટે વિનંતી કરી છે. ક્ષેત્રની દૃષ્ટિએ પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત બલૂચિસ્તાન ૧૯૪૮માં પાકિસ્તાન દ્વારા કબજે કરવામાં આવ્યો એ પહેલાં એક સમયે એ કલાત રજવાડાનો ભાગ હતો.
અગ્રણી બલૂચ કાર્યકર અને લેખક મીર યાર બલૂચે ગયા અઠવાડિયે સોશ્યલ મીડિયા પર સંખ્યાબંધ નિવેદનો શૅર કર્યાં હતાં જેમાં બલૂચિસ્તાન પ્રજાસત્તાકની રચનાની ઘોષણા કરવામાં આવી હતી અને ભારત સરકારને નવી દિલ્હીમાં બલૂચ દૂતાવાસ સ્થાપિત કરવા હાકલ કરી હતી. તેમણે સંયુક્ત રાષ્ટ્રને પણ આ ઘોષણાને માન્યતા આપવા અને ચલણ અને પાસપોર્ટ જાહેર કરવા સહિતનાં મૂળભૂત રાજ્ય-કાર્યો માટે ભંડોળ પૂરું પાડવાની અપીલ કરી હતી. તેમની પોસ્ટમાં બલૂચ ધ્વજ અને સ્વતંત્ર બલૂચિસ્તાન દર્શાવતા નકશા મૂકવામાં આવ્યા હતા.