29 November, 2024 02:24 PM IST | Australia | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઑસ્ટ્રેલિયામાં સંસદના ઉપલા સદનમાં એટલે કે સેનેટમાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા બિલને મંજૂરી મળી ગઈ છે અને એથી બાળકો માટે આવું કડક બિલ મંજૂર કરનારો ઑસ્ટ્રેલિયા જગતનો પહેલો દેશ બની ગયો છે. બુધવારે આ બિલને નીચલા સદન એટલે કે હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં મંજૂરી મળી હતી. ગઈ કાલે સંસદમાં ભારે ડિબેટ બાદ ધ સોશ્યલ મીડિયા મિનિમમ એજ બિલ મંજૂર થયું હતું. આ બિલમાં જોગવાઈ છે કે જે સોશ્યલ મીડિયા કંપનીઓ એનો ભંગ કરશે એને ૪૯.૫ મિલ્યન ઑસ્ટ્રેલિયન ડૉલર (આશરે ૨૭૦ કરોડ રૂપિયા)નો દંડ ફટકારવામાં આવશે.
નવા કાયદા મુજબ ઑસ્ટ્રેલિયામાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચૅટ, ઍક્સ, રેડિટ કે ટિકટૉક પર પોતાનું અકાઉન્ટ નહીં બનાવી શકે. જે પ્લૅટફૉર્મ પર આવાં બાળકોનાં અકાઉન્ટ હશે તો એને પણ આવી કંપનીઓએ હટાવી દેવાં પડશે.
આ નવા કાયદાનું અમલીકરણ ૨૦૨૫ના અંતથી લાગુ થશે. બાળકોના અધિકારો માટે કામ કરતી સંસ્થાઓએ આ બિલનો વિરોધ કર્યો હતો, પણ વાલીઓનાં સંગઠનોએ એને ટેકો આપ્યો હતો. આ બિલ આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યું હતું.
ફ્રાન્સ અને અમેરિકાનાં કેટલાંક રાજ્યોમાં આવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે પણ જો માતા-પિતાની મંજૂરી હોય તો બાળકોને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મના ઍક્સેસની મંજૂરીની છટકબારી રાખવામાં આવી છે. ઑસ્ટ્રેલિયાએ માતા-પિતાની મંજૂરીથી પણ આવાં અકાઉન્ટ ખોલવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આમ આ કાયદો વિશ્વમાં આ પ્રકારનો પહેલો કાયદો બની રહેશે.