23 September, 2025 10:17 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે H-1B વીઝાની ફી ૬ લાખમાંથી ૮૮ લાખ રૂપિયા કરી દેતાં ભારતને મોટો ઝટકો મળ્યો છે. જોકે એક તરફ અમેરિકા વિદેશી કર્મચારીઓ માટે પોતાના દરવાજા બંધ કરી રહ્યું છે ત્યાં ચીને ગ્લોબલ ટૅલન્ટ્સ માટે દરવાજા ખોલવાનો નિર્ણય લીધો છે.
ટ્રમ્પના H-1B વીઝાનો તોડ કાઢતાં ચીને પોતાની વીઝા-કૅટેગરીમાં K વીઝા સામેલ કરવાનો નિર્ણય લીધો છે. રવિવારે બહાર પાડેલા સત્તાવાર સ્ટેટમેન્ટમાં ચીને દુનિયાભરમાંથી ખાસ કરીને સાયન્સ, ટેક્નૉલૉજી, એન્જિનિયરિંગ અને મૅથમૅટિક્સ (STEM)ના ક્ષેત્રમાં યુવા અને પ્રતિભાશાળી પ્રોફેશનલ્સને આકર્ષવા માટેના ઇરાદાથી નવી K વીઝાની કૅટેગરી શરૂ કરવાનું જાહેર કર્યું હતું.
ચીનની એજન્સી સિન્હુઆના કહેવા અનુસાર K વીઝા સાથે જોડાયેલા નવા નિયમો પહેલી ઑક્ટોબર સુધીમાં લાગુ થશે. ચીનમાં પહેલેથી જ ૧૨ પ્રકારના વીઝા મળે છે જેમાં હવે આ નવો ઉમેરો થશે.
હાલમાં મોજૂદ ૧૨ વીઝા-કૅટેગરી કરતાં K વીઝા બિલકુલ અલગ હશે. આ વીઝાથી ચીનમાં એન્ટ્રી લેનારા લોકો શિક્ષા, સંસ્કૃતિ, વિજ્ઞાન અને ટેક્નિક ઉપરાંત બિઝનેસ ક્ષેત્રોમાં ભાગ લઈ શકશે. આ વીઝા માટે યંગ અને પ્રતિભાશાળી લોકો જેમણે માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટી કે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાંથી ભણવાનું પૂરું કર્યું હોય તેમને પ્રાથમિકતા અપાશે.