25 October, 2025 09:19 AM IST | Kabul | Gujarati Mid-day Correspondent
કુનાર નદી
ભારતના પગલે અફઘાનિસ્તાને પણ પાકિસ્તાનમાં વહીને પહોંચતા પાણીને અટકાવવા માટે ડૅમ બાંધવાની જાહેરાત કરી હતી. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના ઍક્ટિંગ વૉટર મિનિસ્ટરે ગઈ કાલે જાહેરાત કરી હતી કે ‘અફઘાનિસ્તાનમાં વહેતા પાણીનું મૅનેજમેન્ટ કરવાનો અધિકાર અફઘાનિસ્તાનનો પોતાનો છે. આ માટે કુનાર નદી પર અમે ડૅમનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટેનું બાંધકામ અહીંની સ્થાનિક કંપનીઓ કરશે, વિદેશની કંપનીઓ નહીં.’
પાછલા ઘણા સમયથી અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર અને પાકિસ્તાન વચ્ચે અનેક સ્તરે સંઘર્ષ ચાલે છે. આ દરમ્યાન અફઘાનિસ્તાનની આ જાહેરાત પાછળ ભારતની પ્લેબુક કામ કરતી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. ભારત સાથે સિંધુ નદીનું જળ વહેંચવા માટે પાકિસ્તાને કરાર કર્યા છે એવા કોઈ કરાર અફઘાનિસ્તાન સાથે ન હોવાથી પાકિસ્તાન માટે આ સમાચાર વધારે ચિંતાજનક હોવાનું કહેવાય છે.
કેમ મહત્ત્વની છે કુનાર નદી?
કુનાર નદી પાકિસ્તાનના ખૈબર પખ્તૂનના હિન્દુકુશ પર્વતોમાંથી નીકળીને અફઘાનિસ્તાનમાં પ્રવેશે છે અને કાબુલ નદીમાં ભળી જાય છે. ત્યાંથી પાછી પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પ્રવેશીને સિંધુ નદીમાં મળી જાય છે. પાકિસ્તાન માટે સિંધુ નદી પછી પાણીનો સૌથી મોટો આધાર આ કાબુલ નદી છે. જો એના પર અફઘાનિસ્તાન ડૅમ બાંધવા માંડશે તો પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં સિંચાઈ, વીજળી અને પીવાના પાણીની સમસ્યા સર્જાઈ શકે છે.