27 April, 2025 03:13 PM IST | Iran | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઈરાનના બંદર અબ્બાસ શહેરના રઝઈ બંદર પર શનિવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ ભીષણ વિસ્ફોટ થયા બાદ આગ લાગી હતી. આ વિસ્ફોટમાં ૪ લોકોનાં મોત થયાં છે અને ૫૦૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ તમામ ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. વિસ્ફોટનું કોઈ નક્કર કારણ હજી સુધી સામે નથી આવ્યું. આ મામલે ઈરાનની કસ્ટમ્સ ઑથોરિટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે શનિવારનો વિસ્ફોટ સિના કન્ટેનર યાર્ડમાં થયો હતો, એ બંદર અને સમુદ્રી સંગઠન સાથે જોડાયેલો છે.
ઘટનાસ્થળે જ્વલનશીલ પદાર્થોના સંગ્રહમાં બેદરકારી થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રઝઈ બંદર પર થયેલા આ ભીષણ ધડાકાને કારણે અનેક કિલોમીટર દૂર ઘરોની બારીઓના કાચ તૂટી ગયા હતા અને અનેક ઘરો-ઑફિસોને નુકસાન થયું હતું.