બાપરે! શિક્ષકે મોબાઈલ છીનવ્યો એમાં તો 14 વર્ષની છોકરીએ સળગાવી સ્કૂલ, જાણો વિગત

26 May, 2023 07:15 PM IST  |  Guinea | Gujarati Mid-day Online Correspondent

14 વર્ષની એક વિદ્યાર્થીની પર તેની શાળામાં આગ લગાવવાનો આરોપ છે. તેના કારણે 20 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવ્યું છે કે તે શિક્ષક દ્વારા ફોન જપ્ત કરવાથી ગુસ્સે હતી

પ્રતીકાત્મક તસવીર

14 વર્ષની એક વિદ્યાર્થીની પર તેની શાળામાં આગ લગાવવાનો આરોપ છે. તેના કારણે 20 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવ્યું છે કે તે શિક્ષક દ્વારા ફોન જપ્ત કરવાથી ગુસ્સે હતી. ઘટના પહેલા તેણે આગચંપી કરવાની પણ ધમકી આપી હતી. આ મામલો દક્ષિણ અમેરિકન (South America) દેશ ગુયાનાનો છે.

ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, મહદિયા માધ્યમિક શાળાની ગર્લ્સ હોસ્ટેલમાં સોમવારે રાત્રે આગ લાગી હતી. થોડી જ વારમાં, આગ શાળાના આખા પરિસરમાં પ્રસરી ગઈ હતી. ઘણી વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ તેમાં ફસાઈ ગયા હતા. તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી, પરંતુ આગ પર કાબુ મેળવી શકાયો નહીં અને ત્યાં સુધીમાં 20 લોકોનાં મોત નીપજ્યા હતા.

આ ઘટના રાજધાની જ્યોર્જટાઉનથી લગભગ 200 માઈલ દૂર સેન્ટ્રલ ગુયાના માઈનિંગ ટાઉનમાં બની હતી. હવે આ મામલામાં પોલીસે ખુલાસો કર્યો છે કે આગ લગાડનાર વ્યક્તિ બીજું કોઈ નહીં, પરંતુ સ્કૂલની એક વિદ્યાર્થીની હતી. વિદ્યાર્થીનો મોબાઈલ તેના શિક્ષકે જપ્ત કર્યો હતો. આ વાતથી તે નારાજ હતી. ગુસ્સામાં તેણે ભયજનક પગલું ભર્યું હતું. યુવતી પોતે પણ આગમાં દાઝી ગઈ હતી.

પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો

પોલીસનું કહેવું છે કે આરોપી વિદ્યાર્થીએ માત્ર એટલા માટે આગ લગાડી કારણ કે સ્કૂલ પ્રશાસને તેનો મોબાઈલ ફોન છીનવી અને જપ્ત કરી લીધો હતો. વાસ્તવમાં, શાળા પ્રશાસનને જાણ થઈ હતી કે વિદ્યાર્થીની એક વૃદ્ધ વ્યક્તિના સંપર્કમાં હતી. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગુયાનાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ગેરાલ્ડ ગોવિયાએ એક સમાચાર ચેનલને જણાવ્યું કે, “આરોપી યુવતીની ઉંમર લગભગ 14 વર્ષની છે. જ્યારે તેનો ફોન છીનવી લેવામાં આવ્યો ત્યારે તેણે ગર્લ્સ હોસ્ટેલને આગ લગાડી દેવાની ધમકી આપી હતી.”

જોકે, તે બાળકી પણ આગને કારણે ઘાયલ થઈ હતી. હાલમાં તે હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. હૉસ્પિટલમાંથી રજા આપ્યા બાદ તેને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવશે. તે જ સમયે, હૉસ્પિટલમાં દાખલ અન્ય 9 લોકોમાંથી ઘણાની હાલત નાજુક છે.

આ પણ વાંચો: વધુ બે ઑસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓએ ભારતીય સ્ટુડન્ટ્સ પર બૅન મૂક્યો

હાલમાં આ હૃદયદ્રાવક ઘટના અંગે અમેરિકા જેવા દેશોએ ગુયાનાને મદદની ઑફર કરી છે. આ દેશોએ ડીએનએ ઓળખવામાં મદદ માટે ફોરેન્સિક નિષ્ણાતો મોકલવાની વાત કરી છે. મૃતકોમાં મોટાભાગની 12થી 18 વર્ષની વયની છોકરીઓ હતી. શાળામાં કામ કરતી મહિલા કર્મચારીનો પાંચ વર્ષનો પુત્ર પણ આ અકસ્માતનો શિકાર બન્યો હતો. અગ્નિશમન દળના જવાનોએ દિવાલમાં કાણું પાડીને કેટલાક લોકોને બચાવવામાં સફળતા મેળવી હતી.

international news south america united states of america