મૉલદીવ્ઝની આગમાં ૮ ભારતીયોએ જીવ ગુમાવ્યા

11 November, 2022 09:15 AM IST  |  Maldives | Gujarati Mid-day Correspondent

મૉલદીવ્ઝની રાજધાની માલેમાં બુધવારે મોડી રાત્રે ભીડભાડવાળા વિસ્તારમાં આવેલા એક બિલ્ડિંગમાં આગ લાગતાં ઓછામાં ઓછા ૧૦ જણનાં મોત થયાં હતાં.

મૉલદીવ્ઝની રાજધાની માલેમાં ગઈ કાલે એક ભીડભાડવાળા વિસ્તારમાં આવેલા એક બિલ્ડિંગમાં આગ લાગ્યા બાદ બચાવ-કામગીરી કરી રહેલા ફાયર બ્રિગેડના અધિકારીઓ.

માલેઃ મૉલદીવ્ઝની રાજધાની માલેમાં બુધવારે મોડી રાત્રે ભીડભાડવાળા વિસ્તારમાં આવેલા એક બિલ્ડિંગમાં આગ લાગતાં ઓછામાં ઓછા ૧૦ જણનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય અનેક લોકો દાઝી ગયા હતા. મરનારાઓમાં આઠ ભારતીયોનો સમાવેશ છે. આગને કારણે નુકસાનગ્રસ્ત બિલ્ડિંગના ઉપરના માળમાંથી ૧૦ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. 
ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલા વેહિકલ રિપેર-ગૅરેજમાંથી આ આગ લાગી હોવાનું જણાય છે. એક ફાયર સર્વિસ અધિકારીએ જણાવ્યું હતું કે અમને ૧૦ મૃતદેહ મળ્યા છે. આગને બુઝાવતાં અમને લગભગ ચાર કલાક લાગ્યા હતા. આ આગમાં બંગલાદેશના એક નાગરિકનું મૃત્યુ થયું હતું. મૉલદીવ્ઝના પ્રેસિડન્ટ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘માલેમાં ભયાનક આગની દુર્ઘટના ખૂબ દુખદ છે. અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને મોટી સંખ્યામાં લોકોને ઈજા થઈ છે. આ ઘટનાની અત્યારે તપાસ થઈ રહી છે. મરનારાઓના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ.’
મૉલદીવ્ઝમાં ભારતીય હાઈ કમિશને એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘માલેમાં આગની દુખદ ઘટનાથી અમે ખૂબ જ વ્યથિત છીએ, જેમાં ભારતીય નાગરિકો સહિત કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે. અમે મૉલદીવ્ઝની ઑથોરિટીઝના સંપર્કમાં છીએ.’ માલેની અઢી લાખની વસ્તીમાં લગભગ અડધાઅડધ વિદેશી કામદારોનો સમાવેશ થાય છે. મોટા ભાગના વિદેશી કામદારો મૂળ બંગલાદેશ, ભારત, નેપાલ, પાકિસ્તાન અને શ્રીલંકાના છે.  

world news maldives