ન્યુ યૉર્કમાં બીટકૉઇનના બદલામાં કૅશ કૌભાંડ, પાંચ ગુજરાતીઓ વિરુદ્ધ તપાસ

26 October, 2023 09:35 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

કરોડો રૂપિયાના ફ્રૉડમાં તમામ પ્રકારના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે

પ્રતીકાત્મક તસવીર

ન્યુ યૉર્કમાં ત્રણ કરોડ ડૉલર (૨૪૯.૫૫ કરોડ રૂપિયા)ની ગેરકાયદે ક્રિપ્ટો એક્સચેન્જ સ્કીમ બદલ મૂળ પાંચ ગુજરાતીઓ વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. ૪૦૪ મીડિયા ઍન્ડ કોર્ટ વૉચ દ્વારા તૈયાર કરવામાં આવેલા ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે આ કરોડો રૂપિયાના બીટકૉઇન-કૅશ ફ્રૉડમાં તમામ પ્રકારના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે.

વિસ્તારથી કરવામાં આવેલી તપાસમાં એક ક્રિમિનલ સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. કૉઇનબેઝ જેવા લીગલ ઑનલાઇન એક્સચેન્જ હોવા છતાં આ સિન્ડિકેટ બીટકૉઇન જેવી ડિજિટલ કરન્સીને કૅશમાં કન્વર્ટ કરતી હતી. મૂળ પાંચ ગુજરાતીઓ શૈલેષકુમાર ગોયાની, બ્રિજેશકુમાર પટેલ (ઉર્ફે સમીર), હિરેનકુમાર પટેલ, નૈનેશકુમાર પટેલ, નીલેશકુમાર પટેલ અને રાજુ પટેલ (ઉર્ફે જય) પર કાયદાકીય માળખામાંથી છટકીને આ ગેરકાયદે બીટકૉઇન એક્સચેન્જ ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

આ ઑપરેશન વિશે એપ્રિલ ૨૦૨૧માં ખ્યાલ આવ્યો હતો કે જ્યારે એફબીઆઇને ડાર્ક વેબ માર્કેટપ્લેસિસ પર એક વેન્ડર મળ્યો હતો. આ વેન્ડર બીટકૉઇનના બદલામાં અમેરિકન પોસ્ટલ સર્વિસનો ઉપયોગ કરીને કૅશની ઑફર કરતો હતો. આ મામલે તપાસ કરવામાં આવી અને આખરે ફેબ્રુઆરીમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. 

આ રીતે સ્કૅમ કરવામાં આવતું હતું

એક વ્યક્તિ એફબીઆઇ માટે સીક્રેટ બાતમીદાર બની ગયો હતો. આ વ્યક્તિએ આ સિન્ડિકેટના પ્લાન વિશે માહિતી પૂરી પાડી હતી. પહેલાંથી નક્કી કરવામાં આવેલા સ્પૉટ્સ પર કૅશ અને બીટકૉઇન્સનું એક્સચેન્જ થતું હતું. અઠવાડિયામાં અંદાજે ત્રણ વખત એક લાખ ડૉલર (૮૩.૧૮ લાખ રૂપિયા)થી ૩ લાખ ડૉલર (૨૪૯.૫૫ લાખ રૂપિયા)નું એક્સચેન્જ થતું હતું. એમાં સામેલ તમામ લોકોને ભરોસો રહે એના માટે પુરાવા તરીકે ચોક્કસ બૅન્કનોટ સિરિયલ નંબર્સનો ઉપયોગ થતો હતો.

crypto currency new york international news