૩૦ વર્ષમાં નેપાલમાં ૨૭ ભયાનક પ્લેન-ઍક્સિડન્ટ

16 January, 2023 10:54 AM IST  |  Kathmandu | Gujarati Mid-day Correspondent

૨૯ મે, ૨૦૨૨, ૨૨ જણનાં મૃત્યુ યેતી ઍરલાઇન્સની પેટાકંપની તારા ઍરનું એક પ્લેન મુસ્તાંગ જિલ્લામાં તૂટી પડતાં એમાં સવાર તમામ ૨૨ જણનાં મૃત્યુ થયાં હતાં,

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : મિડ-ડે ગુજરાતી)

કાઠમાંડુ : ભયાનક પ્લેન અકસ્માતનો નેપાલનો ઇતિહાસ રહ્યો છે. છેલ્લાં ૩૦ વર્ષમાં નેપાલમાં ૨૭ ભયાનક પ્લેન અકસ્માત થયા છે, જેમાંથી ૨૦થી વધુ દુર્ઘટના તો છેલ્લા એક દસકામાં જ થઈ છે. અહીં નેપાલના ઇતિહાસમાં સૌથી ભયાનક પ્લેન દુર્ઘટનાઓ પર એક નજર કરીએ... ૨૯ મે, ૨૦૨૨, ૨૨ જણનાં મૃત્યુ યેતી ઍરલાઇન્સની પેટાકંપની તારા ઍરનું એક પ્લેન મુસ્તાંગ જિલ્લામાં તૂટી પડતાં એમાં સવાર તમામ ૨૨ જણનાં મૃત્યુ થયાં હતાં, જેમાં ૧૬ પૅસેન્જર્સ નેપાલી હતા, ચાર ભારતીય અને બે જર્મન હતા. શરૂઆતની તપાસમાં બહાર આવ્યું હતું કે ખરાબ આબોહવાને કારણે આ પ્લેન તૂટી પડ્યું હતું. 

૧૨ માર્ચ, ૨૦૧૮, ૫૧ જણનાં મૃત્યુ એક અમેરિકન-બાંગલા ઍરલાઇનનું પ્લેન કાઠમાંડુ ઍરપોર્ટ પાસે તૂટી પડતાં એમાં સવાર ૭૧માંથી ૫૧ જણનાં મૃત્યુ થયાં હતાં. આ અકસ્માતની તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી, જેમાં બહાર આવ્યું હતું કે પાઇલટની ભૂલને કારણે આ પ્લેન તૂટી પડ્યું હતું. તે અપૂરતી ઊંઘને લીધે ખૂબ થાક અનુભવતો હોવાનું પણ જણાયું હતું.

આ પણ વાંચો : ઍડ્વેન્ચર કરતાં પહેલાં જ અકસ્માત

૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૬, ૨૩ જણનાં મૃત્યુ તારા ઍરના બીજા એક પ્લેનનો ફેબ્રુઆરી ૨૦૧૬માં અકસ્માત થયો હતો. આ પ્લેન પોખરાથી જોમસોમ જઈ રહ્યું હતું. ઉડાન પછીની માત્ર ૮ મિનિટમાં જ આ પ્લેન સાથેનો કૉન્ટૅક્ટ ગુમાવાયો હતો. કલાકો બાદ દાના ગામ પાસે એનો કાટમાળ મળ્યો હતો.

૨૭મી જુલાઈ, ૨૦૦૦, ૨૫ જણનાં મૃત્યુ દાદેલધુરા જિલ્લામાં એક પ્લેન વૃક્ષો પર તૂટી પડવાને કારણે પૅસેન્જર્સ અને ક્રૂ સહિત ૨૫ જણનાં મૃત્યુ થયાં હતાં.

૨૮ સપ્ટેમ્બર, ૧૯૯૨, ૧૬૭ જણનાં મૃત્યુનેપાલના ઇતિહાસમાં આ સૌથી ભીષણ અકસ્માત છે. કાઠમાંડુના ​ત્રિભુવન ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પાસે પાકિસ્તાન ઇન્ટરનૅશનલ ઍરલાઇન્સની ફ્લાઇટનો અકસ્માત થતાં એમાં સવાર તમામ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

શા માટે નેપાલમાં અવારનવાર ક્રૅશ થાય છે?

નેપાલમાં ખૂબ જ કુદરતી સૌંદર્ય છે, પરંતુ પર્વતીય વિસ્તારો અને વળી, પડકારજનક હવામાનના કારણે ઉડાન માટે આ દેશ એટલો મુશ્કેલ છે. ફ્લાઇટ ટ્રૅકિંગ વેબસાઇટ ફ્લાઇટરડાર24એ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે યેતી ઍરલાઇન્સનું આ પ્લેન ૧૫ વર્ષ જૂનું હતું. વળી રેડિયો સિગ્નલ મેળવવા માટેનું ડિવાઇસ ટ્રાન્સપોન્ડરર પણ ઘણું જૂનું હતું.

international news nepal kathmandu