Govardhan Pooja ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, વિધિ-મહત્વ અને કથા

25 October, 2022 12:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

24 ઑક્ટોબરે દિવાળી હતી, પણ ગોવર્ધન પૂજા 26 ઑક્ટોબરના રોજ કરવામાં આવશે. ગોવર્ધન પૂજાના દિવસે ભગવાન કૃષ્ણ, ગોવર્ધન પર્વત અને ગાયની પૂજા કરવામાં આવે છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

દીવાળી (Diwali)ના બીજા દિવસે ગોવર્ધન પૂજા (Govardhan Pooja) કરવામાં આવે છે. આને દેશના કેટલાક ભાગમાં અન્નકૂટના (Annakut) નામે પણ ઓળખવામાં આવે છે. પણ આ વર્ષે સૂર્યગ્રહણ (Solar Eclipse) હોવાને કારણે ગોવર્ધન પૂજા દીવાળીના બીજા દિવસે નહીં થાય. 24 ઑક્ટોબરે દિવાળી હતી, પણ ગોવર્ધન પૂજા 26 ઑક્ટોબરના રોજ કરવામાં આવશે. ગોવર્ધન પૂજાના દિવસે ભગવાન કૃષ્ણ, ગોવર્ધન પર્વત અને ગાયની પૂજા કરવામાં આવે છે. ગોવર્ધન પૂજાના દિવસે 56 કે 108 પ્રકારના પકવાનનો ભોગ ભગવાન શ્રી કૃષ્ણને ધરાવવો શુભ માનવામાં આવે છે. આ પકવાનને `અન્નકૂટ` પણ કહેવાય છે.

ગોવર્ધન પૂજા કે અન્નકૂટ ક્યારે ઉજવવામાં આવે છે?
ગોવર્ધન પૂજા કારતક માસના શુક્લ પક્ષની પ્રતિપદાના દિવસે કરવામાં આવે છે. અન્નકૂટને દિવાળીના બીજા દિવસે જ ઉજવવામાં આવે છે. પણ આ વર્ષે સૂર્યગ્રહણને કારણે ગોવર્ધન પૂજા  26 ઑક્ટોબરના રોજ કરવામાં આવશે. આ દિવસે ભાઈબીજનો તહેવાર પણ ઉજવવામાં આવશે.

ગોવર્ધન પૂજાનું શુભ મુહૂર્ત
ગોવર્ધન પૂજા પ્રાતઃકાળે મુહૂર્ત 6.29 થી 8.43 વાગ્યે
2 કલાક 14 મિનિટના સમયમાં આ પૂજા કરી શકાશે

પ્રતિપદા તિથિ આરંભ : ઑક્ટોબર 25, 2022ના રોજ સાંજે 4.18 વાગ્યે
પ્રતિપદા તિથિ સમાપ્ત : ઑક્ટોબર 26, 2022ના રોજ બપોરે 2.42 વાગ્યા સુધી.

ગોવર્ધન પૂજાની વિધિ
ગોવર્ધન પૂજા કરવા માટે સૌથી પહેલા ઘરના આંગણમાં છાણથી ગોવર્ધનનું ચિત્ર બનાવવું. ત્યાર બાદ ચોખા, ખીર, પતાશા, જળ, દૂધ, પાન, કેસર, ફૂલ અને દીવા પ્રગટાવીને ગોવર્ધન ભગવાનની પૂજા કરવી. કહેવામાં આવે છે કે આ દિવસે વિધિ વિધાન અને સાચ્ચા મનથી ગોવર્ધન ભગવાનની પૂજા કરવાથી આખું વર્ષ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા બને છે.

આ પણ વાંચો : Diwali 2022: તહેવારમાં રંગોળી અને દીવાનું મહત્વ, મા લક્ષ્મીને પ્રસન્ન કરવાની રીત

ગોવર્ધન પૂજા સાથે જોડાયેલી પૌરાણિક કથા
માન્યતા છે કે વ્રજવાસીઓના રક્ષણ માટે ભગવાન શ્રીકૃષ્ણે પોતાની દિવ્ય શક્તિથી વિશાળ ગોવર્ધન પર્વતને નાની આંગળી પર ઊઠાવી હજારો જીવ જંતુઓ અને મનુષ્યોમા જીવ ભગવાન ઇન્દ્રનો કોપથી બચાવ્યા હતા. શ્રી કૃષ્ણે ઇન્દ્રના ઘમંડને તોડીને ગોવર્ધન પર્વતની પૂજા કરી હતી. આ દિવસે લોકો પોતાના ઘરમાં ગાયના છાણથી ગોવર્ધન બનાવે છે. કેટલાક લોકો ગાયના છાણથી ગોવપ્ધન પર્વત બનાવીને તેને પૂજે છે તો કેટલાક ગાયના છાણથી ભગવાન પર દોરે છે.

astrology national news