આજથી શરૂ થાય છે ચૈત્રી નવરાત્રી, જાણો 9 દેવીના વિશેષ રૂપ અને મંત્ર

06 April, 2019 08:33 AM IST  | 

આજથી શરૂ થાય છે ચૈત્રી નવરાત્રી, જાણો 9 દેવીના વિશેષ રૂપ અને મંત્ર

આજથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત

આજથી ચૈત્ર મહિનાની નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. જાણો આ અવસર પર ઘટ સ્થાપનાનું મુહૂર્ત, વ્રત પૂજાની વિધિ અને માતા દુર્ગાના નવ રૂપ વિશે જાણીશુ. 6 એપ્રિલ શનિવારથી શરૂ થનારા ચૈત્ર નવરાત્રીનો તહેવાર આ સમયે અત્યંત ફળદાયક છે. 14 એપ્રિલે રામ નવમી પર પુષ્ય નક્ષત્ર યોગનો સંયોગ બની રહ્યો છે.

હિન્દુ ધર્મમાં આસો નવરાત્રીની જેમ ચૈત્રી નવરાત્રીનું પણ અનેરૂ મહત્વ છે. આદ્ય શક્તિ મહાશક્તિની આરાધના માટે ચૈત્રી નવરાત્રી ખાસ મનાય છે. ચૈત્ર નવરાત્ર દરમિયાન સાધકો અનુષ્ઠાનની સાથોસાથ પૂજા આરાધના કરે છે અને મા શક્તિની ઉપાસના કરે છે. મહાશક્તિની આરાધનના આ મહાપર્વનું ઘણું મહત્વ છે.

ચૈત્ર નવરાત્રી વર્ષમાં આવનાર સૌથી પહેલી નવરાત્રી છે. આ નવરાત્રીથી જ હિન્દુ નવા વર્ષની શરૂઆત માનવામાં આવે છે. આની સાથે રામાયણ અનુસાર માનવામાં આવે છે કે ભગવાન રામે ચૈત્ર મહિનામાં દેવી દુર્ગાની પૂજા કરી હતી અને રાવણનો વધ કરીને વિજય મેળવ્યો હતો. ચૈત્ર નવરાત્રી હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ખૂબ જ લોકપ્રિય છે. મહારાષ્ટ્ર રાજ્યમાં, 'ગુડી પાડવો' આ દિવસથી શરૂ થાય છે. ઘટ સ્થાપનાનું મુહૂર્ત સવારે 11 વાગીને 44 મિનિટથી લઈને 12 વાગીને 34 મિનિટની વચ્ચે ઘટની સ્થાપના કરવી શુભ રહેશે.

નવરાત્રી 9 દિવસ માતાજીના જુદા-જુદા રૂપના પૂજનનો વિશેષ મહિમા

- પ્રથમ દિવસે શૈલપુત્રી માતાનુ પુજન અર્ચન "ઓમ શૈલપુત્રી અંબીકાયૈ નમઃ" આ મંત્ર બોલી પૂજા કરવી.

- બીજા દિવસે બ્રહ્મચારીણિ માતાનું પુજન "ઓમ બ્રહ્મચારીણ્યૈ નમઃ" આ મંત્રનો જાપ કરવો.

- ત્રીજા દિવસે "માં ચંદ્રઘંટા" માતાજીનુ પુજન " ઓમ ચંદ્રઘંટાયૈ નમઃ" આ મંત્ર બોલી પુજન કરવું.

- ચોથા દિવસે "માં કુષ્માંડા" માતાજીની ભક્તિ કરી "ઓમ કુષ્માંડાયૈ નમઃ" આ મંત્ર બોલવુ.

- પાંચમાં દિવસે સ્કંધમાતાનું પુજન "ઓમ સ્કંધાંબીકાયૈ નમઃ" આ મંત્ર માતાની પૂજા કરવી.

- છઠ્ઠા દિવસે કાત્યાયની માતાજીનુ પુજન "ઓમ કાત્યાયની અંબીકાયૈ નમઃ" આ મંત્રનો જાપ કરવો.

- સાતમાં દિવસે કાલરાત્રી માતાજીની ભક્તિ "ઓમ કાલરાત્ર્યૈ નમઃ" આ મંત્ર બોલી માતાનું ધ્યાન ધરવુ.

- આઠમા દિવસે મહાગૌરી માતાજીની ભક્તિ "ઓમ મહાગોરયૈ નમઃ" આ મંત્ર બોલી પુજન કરવું.

- નવમા દિવસે સિધ્ધીદાત્રી માતાજીની ભક્તિ "ઓમ સિધ્ધિદાત્ર્યૈ નમઃ" આ મંત્રનો જાપ કરવો.

astrology life and style