24 August, 2021 01:24 PM IST | Mumbai | Karan Negandhi
કવિ નર્મદ
સહુ ચલો જીવતા જંગ, બ્યૂગલો વાગે; યા હોમ કરીને પડો ફતેહ છે આગે. જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પરભાત, જેવા લોકપ્રિય કાવ્ય ગુજરાતી ભાષાને આપનાર અર્વાચીન ગુજરાતી કવિતાના આદ્ય કવિ એવા નર્મદાશંકર લાલશંકર દવેની આજે ૧૮૮મી જન્મજયંતી છે. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી છેલ્લા એક દાયકાથી કવિ નર્મદનો જન્મદિવસ, ૨૪ ઓગસ્ટ ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ તરીકે ઊજવે છે.
સુરતમાં જન્મેલા કવિ નર્મદનું આયુષ્ય ભલે માત્ર ૫૩ વર્ષનું રહ્યું, પરંતુ તેમણે ગુજરાતી ભાષાના સાહિત્યને નવી દિશા આપી હતી. ૨૪ ઓગસ્ટ ૧૮૩૩માં જન્મેલા આ કવિએ ગુજરાતી ભાષાના લેખનનો પાયો નાખ્યો છે. નર્મદે લખેલી આત્મકથા `મારી હકીકત` એ ગુજરાતી સાહિત્યની પહેલી આત્મકથા માનવામાં આવે છે. ગુજરાતી સાહિત્યના નિર્ભીક અને સ્પષ્ટ વ્યક્ત વીર નર્મદ પોતાની આત્મકથામાં લખે છે કે “આ હકીકતમાં જે લખવાનું ઘટતું નહીં જ વિચારું તે તો હું નહીં જ લખું, પણ જે જે લખીશ તે તો... મારી જાણ પરમાણે સાચેસાચું જ લખીશ, પછી તે મારું સારું સારું હો કે નરસું હો, લોકને પસંદ પડો કે ન પડો...”
આ રીતે થઈ ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ની શરૂઆત
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ ૨૦૧૦થી કવિ નર્મદની જન્મજયંતી ગુજરાતી ભાષાના દિવસ તરીકે ઊજવવાની શરૂઆત કરી હતી. આ સંદર્ભે વાતચીત કરતા મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી તત્કાલીન પ્રમુખ હેમરાજ શાહે ગુજરાતી મિડ-ડે ડોટ કોમને જણાવ્યું કે “સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN) દર વર્ષે ૨૧ ફેબ્રુઆરીના દિવસે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ તરીકે ઊજવે છે. તો મહારાષ્ટ્રમાં કવિ કુસુમાગ્રજના જન્મદિવસ નિમિત્તે ૨૭ ફેબ્રુઆરીએ ‘વિશ્વ મરાઠી દિવસ’ ઉજવાય છે, તેથી અમે કવિ નર્મદની જન્મજયંતી નિમિત્તે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ઊજવવાની શરૂઆત કરી હતી.” ઉપરાંત તે સમયે કવિ નર્મદ પારિતોષિક આપવાની પણ શરૂઆત કરી હતી. જોકે, ગુજરાતમાં કવિ નર્મદની જન્મજયંતીને ‘નર્મદ દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે.
વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કેમ કવિ નર્મદની જન્મજયંતી નિમિત્તે ઉજવાય છે?
એકંદરે એવો સવાલ લોકોના મનમાં હોય છે કે કવિ નર્મદના જન્મદિવસના દિવસે જ કેમ ગુજરાતી દિસવની ઉજવણી કરવામાં આવે છે? ગુજરાતી મિડ-ડે ડોટ કોમે આ સવાલ કર્યો સુરતના જાણીતા લેખક અને પત્રકાર બકુલ ટેલરને, તેમણે જણાવ્યું કે “કવિ નર્મદે ગુજરાતી ભાષા ઉપર ખૂબ જ વ્યાપક કામ કર્યું છે. નર્મદ માત્ર કવિ ન હતા, તે નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, સંપાદક અને સંશોધક પણ હતા. ઉપરાંત તે જે શહેરમાં રહ્યા તે શહેરને તેમણે જે રીતે જાણી અને કાવ્ય લખ્યું ‘આ તે શા તુજ હાલ, સુરત સોનાની મૂરત’ તેવો કવિ પણ ન મળે.”
બકુલ ટેલરે ઉમેર્યું કે “ડાંડિયામાં તેમણે તે સમયે શેરબજારમ લખો-કરોડો રૂપિયા ગુમાવતાં લોકો વિશે ખૂબ જ આકરી ભાષામાં લખ્યું છે. શેઠિયાઓના કુકર્મો વિશે પણ તેમણે લખ્યું હતું. આ ઉપરાંત તેમણે નર્મકોશ નામથી શબ્દ કોષ પણ લખ્યો છે. નર્મદે ગુજરાતી ભાષાના દરેક પહેલું વિચાર્યા છે અને ગુજરાતી સાહિત્યમાં ગદ્યનો પાયો નાખ્યો છે, માટે તેમઉ સામર્થ્ય અનેક રીતે છે અને તેમણે કરેલું કામ અતુલનીય છે.”
નર્મદના સર્જન વિશે વાત કરીએ તો તેમણે ગદ્યલખાણોમાંના નિબંધોમાં ‘રસપ્રવેશ’ (૧૮૫૮), ‘પિંગળપ્રવેશ’ (૧૮૫૭), ‘અલંકારપ્રવેશ’ (૧૮૫૮), ‘નર્મવ્યાકરણ’ ભા.૧-૨ (૧૮૬૫), ‘વર્ણવિચાર’ (૧૮૬૫), ‘નાયિકા વિષયપ્રવેશ’ (૧૮૬૬) જેવા કાવ્યશાસ્ત્રીય સિદ્ધાંતલક્ષી નિબંધગ્રંથો લખ્યા છે. તો નર્મકવિતના આઠ ભાગ લખ્યા છે અને પોતાની આત્મકથા ‘મારી હકીકત’ પણ લખી છે.
અહી ઉલ્લેખનીય છે કે નર્મદે સુરત અને મુંબઈ એમ બંને જગ્યાએ અભ્યાસ કર્યો હતો, પરંતુ મન ન માનતા અભ્યાસ અધૂરો મૂકી દીધો હતો.