અમારી સેક્સ લાઇફ પહેલાં જેવી થાય એ માટે શું કરવું? પત્ની મેનોપૉઝલ છે

23 July, 2020 03:57 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

અમારી સેક્સ લાઇફ પહેલાં જેવી થાય એ માટે શું કરવું? પત્ની મેનોપૉઝલ છે

પ્રતીકાત્મક તસવીર

સવાલ-  મારી પત્નીની ઉંમર ૪૭ વર્ષ છે. બાળકો કૉલેજમાં ભણે છે અને તે પોતે વર્કિંગ છે. જોકે હમણાંથી તેને માસિક આઠ-દસ દિવસ સુધી ચાલે છે. લોહી ઘણું વહી જવાથી તે ફિક્કી પડી ગઈ છે અને હીમોગ્લોબિન પણ ઘટી ગયું છે. આ બધાને કારણે અમારી સેક્સલાઇફ પણ સાવ ઠંડી છે. તેનું કહેવું છે કે ગર્ભાશયની થેલી કઢાવી નાખવી છે. ગાયનેકોલૉજિસ્ટને બતાવ્યું તો તેઓ કહે છે કે મેનોપૉઝ નજીકમાં છે ત્યારે આવું થવું સ્વાભાવિક છે. જ્યારે માસિક ન ચાલુ હોય ત્યારે પણ તેનો સ્વભાવ ચીડિયો રહે છે અને અંગત ક્રીડામાં તેને રસ નથી પડતો. પહેલાં તે આવી નહોતી. તેની તકલીફ દૂર થાય અને અમારી લાઇફ પહેલાં જેવી થાય એ માટે શું કરવું?
જવાબ - જ્યારે માસિક ખૂબ લાંબો સમય અને વધુ માત્રામાં આવતું હોય ત્યારે એને સાવ હળવાશથી ન લેવું જોઈએ. જ્યાં સુધી પત્નીની આ સમસ્યાનો ઉકેલ નથી આવતો ત્યાં સુધી તમારે તેને જાતીય જીવન માટે કોઈ જ દબાણ ન કરવું જોઈએ. સંતોષ જોઈતો જ હોય તો હસ્તમૈથુન કરીને સંતુષ્ટિ મેળવી લેવી. બાકી ખૂબ લોહી વહી ગયા પછી આવેલી નબળાઈમાં તેની પાસેથી જાતીય જીવનમાં સહકારની અપેક્ષા રાખવી યોગ્ય નથી. સંભોગનો મતલબ છે બન્ને વ્યક્તિઓ દ્વારા સમ-ભોગ. જેનો આનંદ બન્નેને હોય એવી જ ક્રિયામાં રાચવું.
હવે વધુ મહત્ત્વની વાત. વધુપડતા માસિક સ્રાવને માત્ર મેનોપૉઝની શરૂઆત હોવાનું ધારીને બેસી ન રહેવાય. સૌથી પહેલાં બ્લીડિંગ કેમ વધુ થાય છે એનું કારણ સમજવું અને નિદાન કરવું મહત્ત્વનું છે. તમારી પત્નીની પેડુની સોનોગ્રાફી તેમ જ લોહીની તપાસ કરાવવી જરૂરી છે. એનાથી સમસ્યા કઈ દિશાની છે એ ખબર પડશે. જો તમે છેલ્લાં બે વર્ષમાં પૅપ સ્મીઅર ટેસ્ટ ન કરાવી હોય તો એ પણ કરાવવી જરૂરી છે. આ ટેસ્ટ સર્વાઇકલ કૅન્સરના સ્ક્રીનિંગ માટે આવશ્યક છે. ધારો કે આ બધી જ તપાસ નૉર્મલ આવે અને છતાં માસિક વધુ વહેતું હોય તો સારા ગાયનેકોલૉજિસ્ટને મળીને એક ખાસ પ્રકારની આંકડી આવે છે એ પહેરાવીને માસિકસ્રાવ ઘટાડવાની સારવાર કરવી જોઈએ.

sex and relationships dr ravi kothari columnists