બીજાની સેક્સ લાઇફ સાથે પોતાની સેક્સ લાઇફની સરખામણી કેટલી યોગ્ય?

27 July, 2020 04:53 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

બીજાની સેક્સ લાઇફ સાથે પોતાની સેક્સ લાઇફની સરખામણી કેટલી યોગ્ય?

પ્રતીકાત્મક તસવીર

સવાલ- મારી ઉંમર ૩૬ વર્ષની છે. મારાં લગ્નને આઠ વર્ષ થયાં છે. હમઉમ્ર યુગલો કરતાં અમારી સેક્સલાઇફ એટલી હૅપનિંગ નથી. બીજા ફ્રેન્ડ્સની સરખામણીએ અમારી ફ્રીક્વન્સી પણ ઓછી છે અને હું રોજેરોજ સમાગમ માણી શકતો નથી. મારા કેટલાક ફ્રેન્ડ્સ તો એક રાતમાં બે વાર સમાગમ આ ઉંમરે પણ કરી શકે છે. બધા જ ફ્રેન્ડ્સનાં લગ્ન લગભગ એક જ ગાળામાં થયાં છે. અમારી વચ્ચે એટલું ટ્યુનિંગ છે કે અમે અંગત જીવનની વાતો પણ એકબીજા સાથે કરીએ છીએ. અમારામાંથી ત્રણ યુગલોની સેક્સલાઇફ ખૂબ જ ખરાબ છે એટલે તેમના અંગત જીવનમાં પણ તકલીફો છે. મારી પત્ની જરાય ડિમાન્ડિંગ નથી, પણ હું જેટલી વાર પહેલ કરું ત્યારે તે દિલથી સાથ આપે છે. તેની જરૂરિયાત સમજી શકાતી નથી. હું વીકમાં બે વાર સંબંધ કરું છું, પણ એથી વધુ નથી થઈ શકતું. શું આ યોગ્ય છે?
જવાબ- સૌથી પહેલી વાત તો એ સમજો કે તમારી સેક્સલાઇફને નૉર્મલ રાખવી હોય તો આ બાબતને અત્યંત અંગત રાખો. ક્યારેય તમારી સેક્સલાઇફની બીજા કોઈ સાથે સરખામણી ન કરો. ઘણીબધી સેક્સ-સમસ્યાઓનું મૂળ છે સરખામણી. બે યુગલોની કામેચ્છા, કામક્રીડાની ફ્રીક્વન્સી કે કામસંતોષનું કમ્પૅરિઝન થઈ જ ન શકે; કેમ કે દરેક યુગલની શારીરિક ક્ષમતા, પતિ-પત્ની વચ્ચેના અંગત સંબંધો, બન્નેના ગમા-અણગમા અને પરસ્પરના પ્રેમને માણવાની રીતો બધું જ અનોખું હોય છે. આ કમ્પૅરિઝનથી અંગત જીવનમાં તકલીફો વધે છે અને વર્તમાન જિંદગી પર વિપરીત અસર પેદા થાય છે.
જરા મને કહો જોઉં કે વ્યક્તિ સમાગમ શા માટે કરે છે? સંતોષ મેળવવા માટેને? તમારે એ સમજવાની જરૂર છે કે તમે સમાગમ કેટલી વખત કરો છો એ મહત્ત્વનું નથી, પરંતુ કઈ રીતે કરો છો અને એમાંથી બન્ને પાર્ટનર કેટલો સંતોષ મેળવો છે એ મહત્ત્વનું છે. સુખી સેક્સજીવન માટે તમે કેટલી વાર સંભોગ કરો છો એના કરતાં સમાગમ દરમ્યાન અને પછી કેટલો સંતોષ અનુભવો છો એ વધુ મહત્ત્વનું છે. પરાણે રોજ સમાગમ કરવાની આદત પાડી ન શકાય. એમ કરવાથી સ્ટ્રેસ પેદા થાય છે જેનાથી આનંદ રહેતો નથી.

sex and relationships dr ravi kothari columnists