30 January, 2019 10:38 AM IST | | રમેશ ઓઝા
(ફાઈલ ફોટો)
કારણ તારણ
આજથી ૭૧ વરસ પહેલાં મહાત્મા ગાંધીનું ખૂન થયું હતું. તેમની હત્યા કરવામાં આવી હતી. જી હા, એ ખૂન હતું, મૃત્યુ નહોતું. મૃત્યુમાં અને ખૂનમાં ફરક છે. કોઈનું ખૂન થયું એવું સાંભળતાંની સાથે જ મનમાં સવાલ પેદા થાય છે કે શા માટે ખૂન કરવામાં આવ્યું હશે! કોઈને ગાંધીજીના ખૂન માટે વધ શબ્દ વાપરવો હોય તો પણ વાંધો નથી, પરંતુ મૃત્યુ શબ્દ વાપરવો યોગ્ય નથી. નિર્વાણ જેવો રૂપકડો શબ્દ પ્રયોજવામાં આવે છે, પરંતુ એ પણ ગાંધીજીની બાબતમાં યોગ્ય શબ્દ નથી. ગાંધીજીનું જીવન નિર્વાણમાં પરિણમે એવું હતું, પરંતુ એ છતાં ગાંધીજી માટે નિર્વાણ શબ્દ ન વાપરી શકાય. શહાદત પણ નહીં, કારણ કે એવો માણસ પોતાની ઇચ્છાથી શહીદ થાય છે. ખૂન. ખૂન અને ખૂન. ખૂન પૂછીને અને સંમતિ મેળવીને કરવામાં નથી આવતું, પરંતુ એવી વ્યક્તિને માર્ગમાંથી દૂર કરવા માટે કરવામાં આવે છે.
એટલે સૉક્રેટિસને ઝેર આપવામાં આવ્યું હતું એમ ઇતિહાસ કહે છે. સૉક્રેટિસનું મૃત્યુ થયું એમ કોઈ નથી કહેતું. ઈશુ ખ્રિસ્તને શૂળીએ ચડાવવામાં આવ્યા હતા એમ ઇતિહાસ કહે છે. તેમના માટે મૃત્યુ શબ્દ નથી વાપરવામાં આવતો. આવી જ રીતે ગાંધીજી માટે ખૂન શબ્દ જ વાપરવો જોઈએ. ‘ધ વાયર’ નામની ન્યુઝ વેબસાઇટ માટે દિલ્હી વિશ્વવિદ્યાલયમાં હિન્દી સાહિત્ય ભણાવતા અપૂર્વાનંદે વિખ્યાત ઇતિહાસકાર સુધીર ચંદ્રની મુલાકાત લીધી હતી. એ મુલાકાતમાં અપૂર્વાનંદે ગાંધીજી માટે મૃત્યુ શબ્દ વાપર્યો ત્યારે સુધીર ચંદ્રએ કહ્યું હતું કે નહીં, મૃત્યુ નહીં હત્યા. હત્યા કહને કી આદત ડાલો. પંદર વરસ પહેલાં અમે એક સભા રાખી હતી ત્યારે આધુનિક ભારતના બીજા એક જાણીતા ઇતિહાસકાર વાય. ડી. ફડકેએ સભામાં કહ્યું હતું કે ગાંધીજીના મૃત્યુ માટે ખૂન શબ્દ જ વાપરવો જોઈએ. એ શબ્દ આપણને ન ગમતો હોય કે પછી મનમાં ઊંડે-ઊંડે અપરાધભાવનો કે શરમનો અનુભવ થતો હોય તો પણ ખૂન જ શબ્દ વાપરવો જોઈએ.
હા, એક ફરક છે. ઈશુને શૂળીએ ચડાવવામાં આવ્યા હતા એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે એની પાછળનો ઉદ્દેશ કોઈકને શરમાવવાનો છે. શૂળીએ ચડતાં પહેલાં ઈશુએ કહ્યું હતું કે તેમને માફ કરવામાં આવે. તેઓ માર્ગ ભૂલેલા છે, તેમને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે. ગાંધીજીએ હત્યારાઓ માટે આવું કશું નહોતું કહ્યું. તેમના છેલ્લા શબ્દો હતા, હે રામ. ઈશુના છેલ્લા શબ્દોને ઈસાઈઓ કોઈકને શરમાવવા માટે વાપરે છે. માર્ગ ભૂલેલાઓને ઈશુના માર્ગે લાવવા માટે વાપરે છે. એટલે ઈશુને શૂળીએ ચડાવવામાં આવ્યા હતા એમ જ્યારે કોઈ કહે છે ત્યારે આંખ સામે કાં તો દુશ્મનનું ચિત્ર ઊપસે છે કાં કોઈનો હાથ પકડીને સાચે રસ્તે લઈ આવવો પડે એવા માર્ગ ભૂલેલાનું. ખ્રિસ્તી ધર્મ એક વિસ્તારવાદી સંગઠિત ધર્મ છે એટલે ખ્રિસ્તીઓ ઈશુની શૂળીનો પણ ખ્રિસ્તીઓની સંખ્યા વધારવા આ-લોકીય ધાર્મિક ઉપયોગ કરે છે.
સારું છે કે ગાંધીજીએ આવો કોઈ તિરસ્કાર કરવો પડે કે દયા ખાવી પડે એવા શબ્દો નહોતા કહ્યા. માત્ર હે રામ કહ્યું હતું. બાય ધ વે, ગાંધીજી મરતાં પહેલાં હે રામ શબ્દો નહોતા બોલ્યા એવું પણ કેટલાક લોકો કહે છે. અહીં ગાંધીજીએ ૧૯૨૪માં લખેલા સાઉથ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસમાં શું કહ્યું હતું એ જોઈએ. તેમના પર મીર આલમે કરેલા હુમલા વિશે ગાંધીજી લખે છે - મીર આલમે પૂછ્યું, કહાં જાતે હો? મેં જવાબ આપ્યો, મેં દસ અંગુલિયાં દે કર રજિસ્ટર નિકલવાના ચાહતા હૂં, અગર તુમ ભી ચલોગે તો તુમ્હારી અંગુલિયાં દેને કી ઝરૂરત નહીં હૈ. તુમ્હારા રજિસ્ટર પહલે નિકલવા કે મૈં અંગુલિયાં દે કર મેરા નિકલવાઉંગા. આટલું હું કહી રહ્યો ત્યાં તો મારી ખોપરી પર પછવાડેથી એક લાકડીનો ફટકો પડ્યો. હે રામ બોલતો હું તો બેભાન થઈને ઊંધો પડ્યો. (સાઉથ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, પૃષ્ઠ, ૧૭૨) આ પ્રસંગ ૧૯૦૮નો છે. ગાંધીજીના મુખમાંથી છેક ૧૯૦૮માં પણ તેમના પર થયેલા ખૂની હુમલા વખતે હે રામ શબ્દો નીકળ્યા હતા એમ તેમણે ૧૯૨૪માં નોંધ્યું છે. એ પછીના ચાર દાયકામાં તો ગાંધીજીનો ઘણો આત્મિક વિકાસ થયો હશે. આમ છતાં રામભક્ત હિન્દુત્વવાદીઓને ગાંધીજી હે રામ બોલ્યા એ વિશે વાંધો છે.
આ પણ વાંચો : ડોનલ્ડ ટ્રમ્પનાં ૮૫૫૮ જુઠ્ઠાણાં
તો ગાંધીજીનું ખૂન કરવામાં આવ્યું હતું અને ખૂનનો રાજકીય ઉદ્દેશ તમને પ્રારંભમાં જ કહ્યું એમ માર્ગમાંથી હટાવવાનો હતો. ગાંધીજીની હત્યા અંગત અદાવતથી કરવામાં નહોતી આવી. તેઓ ચોક્કસ માર્ગમાં આડે આવતા હતા માટે કરવામાં આવી હતી. આજે ગાંધીજીની પુણ્યસ્મૃતિના દિવસે જાનની આહુતિ આપી દેનાર મરનારના માર્ગમાં અને જાન લેનારના માર્ગમાં શું ફરક હતો એ વિશે ચિંતન કરવું જોઈએ. બીજું, જાન લેનાર ભલે એક હતો, પણ ચોક્કસ માર્ગમાં આડે આવનારા ગાંધીનો જાન લેવો જોઈએ એવું માનનારા અનેક હતા અને આજે પણ છે એ ન ભૂલવું જોઈએ. ત્રીજું, ભારતમાં ગાંધીજીનો જાન લેવાના પ્રયાસ છેક ૧૯૩૪થી કરવામાં આવતા હતા. એટલે ગાંધીજીની હત્યા ભારતના વિભાજનને કારણે થઈ છે એવું નથી. હત્યાનું કારણ ચોક્કસ માર્ગમાં વચ્ચે આવવાનું હતું. તો આજનો દિવસ માર્ગભેદ અને માર્ગવિવેક કરવાનો દિવસ છે!