18 August, 2020 03:07 PM IST | Mumbai | Dr. Ravi Kothari
પ્રતીકાત્મક તસવીર
સવાલ: અમારો હાલમાં કોર્ટશિપ પિરિયડ ચાલી રહ્યો છે. લગ્ન ડિસેમ્બર મહિનામાં થવાના છે. જોકે અમારા ઘરો નજીકમાં જ હોવાથી આ સમય દરમ્યાન પણ અમે મળતા રહ્યા હતા. તેના ઘરમાં અમને એકાંત મળતાં અમે બે વાર મર્યાદા ઓળંગી પણ હતી. પહેલી વાર ઇન્ટિમસી અચાનક થઈ ગઈ હોવાથી પ્રોટેક્શન હાથવગું નહોતું એટલે મેં ઇજેક્યુલેશન બહાર કરેલું. જોકે આ જ ઘટનાક્રમ દસેક દિવસ પછી થયો ત્યારે અમે કૉન્ડોમ સાથે સંભોગ કરેલો. સમસ્યા એ છે કે ગર્લફ્રેન્ડની પિરિયડ સાઇકલ મુજબ આ ઘટના પછી આઇડિયલી પાંચ દિવસ પછી પિરિયડ શરૂ થવા જોઈતા હતા, પરંતુ એ વાતને દોઢ મહિનો થઈ ગયો હોવા છતાં માસિક નથી આવ્યું. કુલ અઢી મહિના ઉપર જતા રહ્યા છે. તેના કહેવા પ્રમાણે ક્યારેક બે મહિના લંબાયું હોય એવું બન્યું છે, પણ આટલું લાંબુ નથી થયું. છેલ્લા પંદર દિવસમાં અમે ત્રણ વાર પ્રેગ્નન્સી ટેસ્ટ કરી, પણ દરેક વખતે એ નેગેટિવ જ આવી છે. શું ટેસ્ટ નેગેટિવ હોવા છતાં પ્રેગ્નન્સી રહી ગઈ હોય એવું બની શકે? તેની મમ્મી ડૉક્ટર પાસે જવાની જીદ કરે છે, પણ કંઈક ગરબડ નીકળશે એવા ડરને કારણે ટાળીએ છીએ. તાત્કાલિક જવાબ આપશો.
જવાબ: જો તમે પ્રોટેક્શન વાપર્યું હોય અને જો એ ફાટ્યું કે સરક્યું ન હોય તો ગર્ભ રહેવાના ચાન્સિસ ખૂબ જ ઓછા છે. એ છતાં જો ગર્ભ રહ્યો હોય તો ગર્ભ રહ્યના વીસ-પચીસ દિવસમાં પણ યુરિન પ્રેગ્નન્સી કિટથી એની ખબર પડી જાય છે. તમે બે મહિના પછી ત્રણ-ત્રણ વાર ટેસ્ટ કરી છે અને છતાં ટેસ્ટ નેગેટિવ જ આવી હોય તો શક્યતા છે કે ખરેખર સમસ્યા બીજી કોઈ હોય. તમારા જ કહેવા મુજબ તમારી ફિયાન્સેની પિરિયડ સાઇકલ એકદમ રેગ્યુલર નહોતી. મતલબ કે તેમની સાઇકલમાં કંઈક તો ગરબડ છે જ.
પ્રેગ્નન્સી રહી ગઈ હશે તો ખરાબ લાગશે એ વિચારે ચેક-અપ કરાવવાનું ટાળવું ન જોઈએ. પિરિયડ્સમાં અનિયમિતતા પહેલેથી જ છે ત્યારે પ્રેગ્નન્સી નહીં પણ પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ હોવાની શક્યતાઓ વધારે છે. આ સમસ્યાને કારણે ઇન્ફર્ટિલિટીની શક્યતાઓ પણ રહે છે. તમે કરેલી ભૂલથી ડરીને ચેક-અપને ટાળવાને બદલે સારા ગાયનેકોલૉજિસ્ટ પાસે જઈને સોનોગ્રાફી અને અન્ય જરૂરી બ્લડ-ટેસ્ટ વગેરે કરાવી લો.