પ્રિય પપ્પા - શાહબુદ્દીન રાઠોડ

16 June, 2019 12:09 PM IST  | 

પ્રિય પપ્પા - શાહબુદ્દીન રાઠોડ

શાહબુદ્દીન રાઠોડ અને તેમના પપ્પા સિદ્દીકભાઈ.

શાહબુદ્દીન રાઠોડ

કેમ છો?

આમ તો જોઈએ તો આ સવાલ તમને પૂછવાનો કોઈ અર્થ નથી, કારણ કે તમે મજામાં હશો એની ખાતરી છે અને એના કરતાં પણ મોટી ખાતરી એ વાતની છે કે તમારી આજુબાજુવાળાઓ બહુ મજામાં હશે અને એના માટેનું કારણ તમે હશો એ વાતનો પણ ગળા સુધી વિશ્વાસ છે. સિદ્દીકભાઈ અબ્બાસભાઈ રાઠોડની આ તો ખાસિયત રહી છે. પોતે સુખી હોય કે દુ:ખી, પોતે હસતા હોય કે પછી આંખોમાં આંસુ હોય એ બીજાને ખુશ રાખવાનું કામ સુખરૂપ રીતે પાર પાડે.

ઘણું બધું સાથે રહ્યા અને પેટભરીને સાથે રહ્યા, પણ એ પછી પણ વાતનો અફસોસ આજે પણ અકબંધ છે કે તમને જે કહેવું હતું એ હું ક્યારેય કહી ન શક્યો. શું કામ અને એવા તે કેવા સંજોગો હતા કે હું તમને ન કહી શક્યો, પણ એ સચ્ચાઈ છે કે મારે તમને એ સમયે ઘણું બધું કહેવું હતું, પણ એ બધું વણકહ્યું રહી ગયું. મારે તમને કહેવું હતું કે આટલો બધો માણસ જાત પર ભરોસો ન કરો, નહીં કરો, આ સ્તર પર વિશ્વાસ કે જેમાં તમારે અને માત્ર તમારે એકને જ દુ:ખી થવાનો વારો આવે. એ વારો આવ્યો પણ ખરો અને એ પછી પણ તમે માનવતાનો સાથ ક્યારેય છોડ્યો નહીં. પપ્પા, માફ કરજો, મને પણ આજે પૂરા હકથી કહેવું છે કે તમારા જેવી વ્યક્તિ ન તો મને ક્યારેય મળી કે ન તો કોઈનામાં મેં તમારી આછી સરખી છાંટ પણ જોઈ.

કચ્છના અબડાસા તાલુકાથી લઈને મુંબઈની જે. જે. સ્કૂલ ઑફ ફાઇન આર્ટ્સમાં સિરામિક્સનો કોર્સ કરીને સોહરાબ જવાહરજીના કહેવાથી થાનગઢની પહેલી સિરામિક ફૅક્ટરીમાં જોડાવા માટે થાનગઢ આવવું અને પછી થાનગઢમાં જ કાયમ માટે ઘર કરી લેવું. આ થાનગઢમાં આજે મને ઓળખનારાઓ જેટલા છે એના કરતાં તમને યાદ કરનારાઓની સંખ્યા મોટી છે. તમે તો કાયદેસર ભણ્યા અને આગળ આવ્યા, પણ અડધા થાનગઢના લોકોને તમે જે શીખ્યા એ બધું શીખવાડીને ગયા. અનેક વખત એવું પણ બન્યું કે તમારી જ પાસેથી શીખીને તૈયાર થનારો તમારો હરીફ બનીને તમારી સામે ઊભો રહ્યો અને તમે તેને પણ હસતા મોઢે આવકાર્યો. ભલાઈ હોવી અને માત્ર ભલાઈનું વ્યક્તિત્વ હોવું એ બન્ને જુદી વાત છે તમે આ બીજી કૅટેગરીમાં આવો છો. મને યાદ છે એ દિવસ જ્યારે તમે કહ્યું હતું, ‘બેટા, મોનોપૉલી ક્યારેય રાખવી નહીં. કારણ કે એ ક્યારેય કોઈના ઘરમાં કાયમ રહેતી નથી.’

તમારી ભલમનસાઈના અનેક કિસ્સાઓ સાંભળ્યા છે. મળ્યા હોઈએ ત્યારે કે પછી ઉચિત સમયે તમને એ વાત કરી જ છે. તમને પણ ખબર જ છે કે માત્ર તમારા કારણે જ મને થાનગઢની સ્કૂલમાં શિક્ષક તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. થાનગઢ નગરપાલિકાના પ્રમુખ ભગવતસિંહ રાણાને હું જ્યારે મળ્યો ત્યારે તેમણે મારું નામ પહેલાં લેવાને બદલે તમારા નામનો ઉલ્લેખ પહેલાં કર્યો અને મને કહ્યું હતું કે સિદ્દીકભાઈનું મારા પર બહુ મોટું ઋણ છે ભાઈ, આજે તને શિક્ષકની નોકરી આપીને હું એ ઋણમાંથી મુક્ત થઈશ.

ભગવતસિંહ રાણા, જેને જિંદગીની પહેલી નોકરી તમે તમારી ફૅક્ટરીના ભઠ્ઠીખાતામાં આપી હતી. એવા સમયે જે સમયે આવડત અને કુનેહ પહેલાં જોવામાં આવતી, પણ તમે એ જોવાને બદલે વ્યક્તિની કામ કરવાની ધગશ અને તેની જરૂરિયાતને પહેલાં જોતા. માત્ર ભગવતસિંહને જ નહીં, તમે થાનગઢના અઢળક લોકોમાં આ જ ગુણવત્તા જોઈને તેમને નોકરીએ રાખ્યા અને તેમનું ઘડતર કર્યું. મેં મારા શિક્ષણ ક્ષેત્રની કારકિર્દી દરમ્યાન વિદ્યાર્થીઓ ઘડીને મારી ફરજ નિભાવી, પણ તમે તો એ કામ માનવીય જવાબદારી ગણીને નિભાવ્યું અને પ્રેમપૂર્વક કયુર્ં પણ ખરું.

પત્ર લખીએ અને આ રીતે વાત કરીએ એવું તો કલ્પ્યુ પણ નહોતું, પણ હવે આજે એ પ્રકારે જોડાયા છીએ તો એકસાથે અનેક કિસ્સાઓ યાદ આવે છે. તમને એક કિસ્સો કહેવાનો બાકી છે, એ પણ આજે કહી દઉં. સોહરાબ જવાહરજીની ફૅક્ટરી વેચાઈ ગઈ અને એનું મૅનેજમેન્ટ બદલાઈ ગયું એ પછી તમે શેઠ પ્રત્યેની તમારી વફાદારી દર્શાવવા માટે નોકરી મૂકી દીધી અને એ પછી ગુજરાતમાં અનેક જગ્યાએ ફરતા રહ્યા અને કામ કરતા રહ્યા. ચોરવાડ પણ તમે ગયા હતા. હું પ્રિન્સિપાલ બની ગયા પછીની વાત છે. એ સમયે ઍડમિશનની મારામારી ચાલે. એક વ્યક્તિ મોટી ઓળખાણ લઈને આવી. કોઈ હિસાબે ઍડમિશન થાય એવી શક્યતા નહોતી. મોટા માણસની ઓળખાણથી પણ કંઈ વળવાનું નહોતું એ મને ખબર હતી, પણ મોટા માણસનું નામ એટલે મળી લેવાનું નક્કી કરી મેં એ ભાઈને મળવા માટે અંદર બોલાવ્યા. થોડી વાર બેઠા, થોડી વાતો થઈ અને પછી મેં તેમને કહી દીધું કે આ વખતે બીજે ક્યાંક ઍડમિશન લઈ લો, આવતાં વર્ષે વિચારીશું.

શું જવાબ દે એ મને?

હા પાડી દીધી, પણ એ પછી અચાનક જ તેમની સાથે ચોરવાડની વાતો શરૂ થઈ ગઈ એટલે બેસી રહ્યા. માણસ માછીમારી કરતો હતો. વાતવાતમાં મને કહે કે અમારા ગામમાં એક ભાઈ આવ્યા છે. સિદ્દીકભાઈ. બહુ ભલા માણસ. રાત પડ્યે બધાને ભેગા કરે અને દારૂ છોડાવવાની સલાહ આપે. બધાનાં વ્યસન છોડાવે. સાહેબ, એ માણસના કારણે મેં અઢાર વર્ષની મારી દારૂની લત છોડી દીધી. બહુ ભલા માણસ છે... ઈશ્વર તેને મારું આયુષ્ય આપે.

સામાન્ય રીતે દીકરાની આવી વાતો સાંભળીને બાપની છાતી ગજગજ ફૂલે, પણ એ દિવસે અવળું થયું હતું. તમારી આવી વાતો સાંભળીને મારી છાતી ગજગજ ફૂલી ગઈ હતી. મેં પેલાને કમિટમેન્ટ કરી દીધું કે ગમે એ થાય, પણ તમારો દીકરો આ જ સ્કૂલમાં ભણશે, ઍડમિશન ગમે એમ કરી આપીશ.

લગભગ ત્રણ વર્ષ પછી તેને ખબર પડી હતી કે સિદ્દીકભાઈ નામનો એ ઓલિયો માણસ બીજું કોઈ નહીં, પણ મારા પપ્પા છે. આ તમારી ભલમનસાઈ હતી અને આવી જ ભલમનસાઈ તમે જે કોઈ તમને મળ્યું એના માટે ખુલ્લી રાખી હતી. વિનાસંકોચે, વળતરમાં કેવું વર્તન આવશે એનો વિચાર સુધ્ધાં કર્યા વિના અને એ જ કારણે તમને અનેક વખત પીઠ પાછળ ઘા પડ્યાનો અનુભવ પણ થયો. તમારા એ અનુભવો જોઈને જ આજે એવી વસમી પરિસ્થિતિ છે કે મારે તમારી સૌથી સારી વાતમાં તમારો સ્વભાવ ગણાવવો છે અને એ જ વાતને સૌથી ખરાબ વાતમાં પણ ગણાવવી પડે એમ છે. તમે હિસાબમાં બહુ કાચા રહ્યા. આંકડાની સામે તમે હંમેશાં માણસને મહત્વ આપ્યું અને એ મહત્વતા વચ્ચે જ તમે કોઈ જાતનો સ્વાર્થ પણ ક્યારેય મનમાં આવવા ન દીધો. તમને હેરાન થતાં જોઈને બહુ દુ:ખ થતું અને એ દુ:ખ પણ તમારી સામે વ્યક્ત કરી શકાતું નહોતું. એ જ કારણે આજે કહેવાનું મન થાય છે કે પછી સ્વીકારવાનું મન થાય છે કે હું તમારા જેવો નથી થયો. હું હિસાબમાં પણ કાચો નથી અને માણસમાં કોનો વિશ્વાસ કરવો અને કોનો ન કરવો એ પણ અનુભવના આધારે જ નક્કી કરું છું. ખબર છે કે તમે હોત તો આજે આવું નહીં કરવા માટે મને સમજાવ્યો હોત, પણ એ પછી પણ હું કહીશ કે, સારું થયું કે હું તમારા જેવો નથી થયો, કારણ કે મારામાં તમારા જેવો ઉદાત્ત ભાવ રાખવાની ક્ષમતા નથી.

તમારી સાથે વિતાવેલો સમય યાદ કરું તો જો કોઈ એક ઘટના સૌથી વધારે યાદ આવે તો એ આપણી અમદાવાદની મુલાકાત છે. તમે એ સમયે અમદાવાદમાં હતા અને એ દિવસોમાં તમને કૅન્સર ડિટેક્ટ થયું હતું. થાનગઢમાં મને ખબર પડી અને હું પાંચમી મિનિટે અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયો. એ સમયે અમદાવાદમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં. કરફ્યુ લાદી દેવામાં આવ્યો હતો. ચારેબાજુએ તોફાનો અને આગજનીની ઘટનાઓ. બસમાં અમદાવાદ સુધી તો પહોંચ્યા, પણ અમને બધાને પાલડી ઉતારી દીધા. અડધે સુધી રિક્ષા અને એ પછી લાંબો સમય સુધી પગપાળા ચાલીને તમારી પાસે નરોડા પહોંચ્યો. તમે ધાર્યું નહોતું કે આવા વાતાવરણમાં હું અમદાવાદ આવીશ. મને જોઈને તમારી આંખમાં આંસુ આવી ગયાં અને આપણે બેઉ ભેટીને ભરપેટ રડ્યા. રડતાં-રડતાં તમે કહ્યું હતું, ‘ગાંડા, આ રીતે તે કંઈ અવાતું હશે...’

‘મને અછબડા નીકળ્યા ત્યારે તમે નોકરી મૂકીને આવ્યા હતાને...’

આ પણ વાંચો : Father's Day: પિતા-પુત્રના સંબંધોને સમર્પિત છે આજનું ગૂગલ ડૂડલ

મારે તમને કહેવું હતું, પણ ગળે અટવાયેલા ડૂમા વચ્ચે હું બોલી નહોતો શક્યો. આજે એ જ શબ્દો કહું છું તમને, સાંભળી લેજો.

‘મને અછબડા નીકળ્યા ત્યારે તમે નોકરી મૂકીને આવી ગયા હતાને...’

આપનો શાહબુદ્દીન

પપ્પા વિશે થોડું :

જાણીતા હાસ્યકલાકાર અને તત્વચિંતક શાહબુદ્દીન રાઠોડના પિતાજી સિદ્દીકભાઈ રાઠોડનો જન્મ કચ્છના અબડાસા તાલુકાના એક ગામડામાં થયો, પણ તેમનો ઉછેર મુંબઈમાં થયો. જે. જે. સ્કૂલ ઑફ ફાઇન આર્ટ્સમાં સિરામિકમાં માસ્ટરી મેળવનારા સિદ્દીકભાઈ થાનગઢમાં શરૂ થનારી એક સિરામિક ફૅક્ટરીમાં જોડાયા અને એ પછી કાયમ માટે રહેવા ગુજરાતમાં આવી ગયા. કૅન્સરના કારણે તેમનું અવસાન થયું.

fathers day columnists weekend guide