કચ્છી ભાષાની અવિરત શબ્દયાત્રા!

17 December, 2019 02:17 PM IST  |  Mumbai Desk | Kishor Vyas

કચ્છી ભાષાની અવિરત શબ્દયાત્રા!

કચ્છી એ માત્ર બોલી છે કે ભાષા છે એ વિશે બહુ ચર્ચા અને મતમતાંતર પેદા કર્યા છે લોકોએ! હું તમને પૂછું કે તમે કોઈ ભાષામાં ત્રામ્ભિયો, ઢીંગલો, ઢબુ, પાયલો, આધિયો, દોકડો કે કોરી જેવા શબ્દો સાંભળ્યા કે વાંચ્યા છે? આ બધાં નામ કચ્છ રાજ્યમાં ચાલતાં ચલણી નાણાંનાં હતાં ! આમાંથી કોઈ પણ નામ ગુજરાતી, ફારસી, સિંધી કે અરબી ભાષાના શબ્દકોષમાં જોવા નહીં મળે! આના પરથી જ એ પુરવાર થાય છે કે કચ્છી એ કચ્છ રાજ્યની માત્ર બોલી નહીં પરંતુ એ રાજભાષા હતી અને છે.

આજના ગુજરાતમાં નવાનગર (જામનગર), ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, રાધનપુર, છોટા ઉદેપુર, લુણાવાડા, રામપુર, વડોદરા, ભરૂચ અને ખંભાતની રિયાસતોમાં તેમનાં પોતાનાં ચલણ હતાં, જેમાં કચ્છ પણ એક એવું રાજ્ય હતું. કચ્છના રાજવીઓએ ઈ.સ.૧૮૬૦થી ૧૯૪૮ સુધીમાં પોતાનાં રાજ્યનાં ચલણમાં નવાં નવાં પરિમાણો ઉમેરીને ત્રાંબા જેવી ધાતુથી શરૂ થયેલાં ચલણને ચાંદી અને સોનામાં ફરતું કર્યું હતું! અહીં ચલણ અંગેની વાત નથી કરવી પરંતુ એ સિક્કાઓ પર છપાતી કિંમત કચ્છી ભાષા હોવાનાં પરિબળોને સ્થાપિત કરે છે.
કચ્છી માત્ર બોલી જ નહીં પણ ભાષા હોવાનો દાવો પ્રખર ભાષાશાસ્ત્રીઓ પણ કરે છે. કચ્છી ભાષા માત્ર કચ્છ પૂરતી સીમિત નથી રહી. સૌરાષ્ટ્રમાં મેમણી, ખોજકી (ખોજાઓની), જાડેજી અને મહાજનની બોલચાલમાં પણ પ્રવેશેલી જોવા મળે છે. કચ્છના વિદ્વાનોએ કચ્છી ભાષાની મૂળભૂત લિપિ કેવી હતી તે અંગે સંશોધન લેખો લખ્યા છે. પ્રખર કચ્છીવિદ પ્રતાપરાય ત્રિવેદીએ તો કચ્છી ભાષાનો વ્યાકરણ ગ્રંથ પણ બહાર પાડ્યો છે. આ તો છેલ્લા થોડા દાયકાઓની ઘટના છે.
સંશોધક અને ભાષાશાસ્ત્રી કે. કા. શાસ્ત્રીએ એક સ્થળે એવું નિરીક્ષણ કર્યું છે કે પહેલેથી જ કચ્છી ભાષાની રચનાઓ જાડેજી કચ્છીમાં જ થતી આવી છે, પરંતુ જ્યારથી કવિ દલપતરામ કચ્છ રાજ્યમાં શિક્ષણ નિરીક્ષક તરીકે નિમાયા ત્યારથી કચ્છી ભાષા અને બોલચાલની કચ્છી પર ઝાલાવાડી ગુજરાતીની છાપ પડી હોવાનું જોવા મળે છે. તેમનું મહત્ત્વનું બીજું તારણ એ રહ્યું છે કે કવિ દલપતરામ કચ્છમાં રહ્યા તેની અસર ‘તેમની બોલી’ ગુજરાતી પર પણ થઈ હતી અને તેમના દ્વારા કચ્છી ભાષાએ ગુજરાતી પર પણ અતિક્રમણ કર્યું છે. તે અંગેની દલીલમાં તેઓ જણાવે છે કે દલપતરામ ગુજરાતીની પહેલવહેલી શરૂ થયેલી શૈક્ષણિક તાલીમ કૉલેજમાં જોડાયા ત્યારે ત્યાંના તાલીમ લેતા શિક્ષકો પર કચ્છીની છાંટવાળી ગુજરાતીની પણ અસર વરતાઈ હતી અને તેની અસર તે વખતના સાહિત્યસર્જન પર પણ થઈ હોવાનું પણ કે. કા. શાસ્ત્રી નોંધે છે.
એકંદરે કચ્છી ભાષા બોલવી સરળ છે, મીઠી પણ છે, પરંતુ લિપિના મતભેદો તેમ જ મૂળ લિપિ મુજબ લખાય તો તે વાંચવામાં કઠિન લાગે છે. તેથી જ જો તેને ભાષા તરીકે સરકાર માન્યતા આપે તો એવો મત પ્રવર્તે છે કે તેની લિપિનું સ્વરૂપ બદલીને દેવનાગરી બનાવી દેવી જોઈએ. ભાષા તરીકે માન્યતા મેળવવા માટે દાયકાઓથી પ્રયાસ થઈ રહ્યા છે, પણ જે સરકાર ‘કચ્છી સાહિત્ય એકાદમી’ મંજૂર કરે છે એ જ સરકાર ભાષા તરીકે માન્યતા આપવામાં ઠાગાઠૈયા કરે છે!
કચ્છી ભાષામાં એક અંદાજ મુજબ ચાર સૈકાઓથી ગદ્ય અને પદ્ય ક્ષેત્રે ખેડાણ થતું રહ્યું છે. એ બધી જ રચનાઓ પર જાડેજી કચ્છીનો પ્રભાવ જોવા મળે છે. છેક ૧૯૨૫ સુધી જેટલા કચ્છી કવિઓ થઈ ગયા તેમાં દાદા મેકણ કે કવિ રાઘવ, રતનબાઈ કે લખપતિ, પીર ધોસ્ત મહમ્મદ, લાલજી નાનજી જોશી હોય કે કવિવર દુલેરાય કારાણી, કવિ તેજ હોય કે કવિ અબ્દ, માધવ જોશી હોય કે કમર કચ્છી હોય, એ તમામની રચનાઓ જાડેજી કચ્છીના પ્રભાવ હેઠળ જ રચાઈ છે. ત્યાર પછીના નામાંકિત સર્જકોના પોતાના વિસ્તારોની કચ્છી બોલીનો પ્રભાવ બળૂકો બનેલો જોવા મળે છે. ઉદાહરણ તરીકે માતબર સર્જક અને સંશોધક ડૉ. વિસન નાગડાનાં સર્જનો પર જાડેજી કચ્છીના વ્યાપક પ્રભાવવાળા અબડાસા વિસ્તારની બોલીની ભારોભાર અસર વર્તાય છે. ડૉ. વિસન લખે છે ‘ઉન ખુલી હવા કે કેર ખણી વ્યો? ભુઠ જેતરો વાબારો ડઈ’ અહીં જે ‘ભુઠ’ અને ‘વાબારો’ શબ્દ છે એ સમાજના અત્યંત પાતળા સ્તરે બોલાતી કચ્છીનો પ્રમાણદર્શક શબ્દ છે જે હું માનું છું ત્યાં સુધી સમગ્ર કચ્છમાં અબડાસા સિવાયના વિસ્તારોમાં ક્યાંય સાંભળવા નહીં મળે!
કચ્છી ભાષાની લિપિ અંગે મૂંઝવણ એટલા માટે પ્રવર્તે છે કે ‘બાર ગાઉંએ બોલી બદલાય’ એ ઉક્તિ પ્રમાણે કચ્છના દરેક તાલુકામાં બોલાતી કચ્છીમાં ઘણો ફરક જોવા મળે છે. તેથી સદીઓથી સર્જકોના સર્જનો પર તેની અસર જોવા મળે છે. જોકે, મોટા ભાગે ‘જાડેજી કચ્છીનો’ પ્રભાવ વર્તાય છે. કચ્છના માંડવી અને મુન્દ્રા જેવા વિસ્તારોની જ વાત કરીએ તો, ઘણી જ્ઞાતિઓમાં ખાસ કરીને તૃતીય પુરુષ બહુવચનના ઉચ્ચારણોમાં તફાવત જોવા મળે છે. જેમકે સામાન્ય રીતે લોકો ‘આવે છે’ તેને ‘અચેંતા’ એમ બોલતા હોય છે ત્યારે ભાટિયા અને પુષ્કર્ણા બ્રાહ્મણો ‘અચનતા’ શબ્દનું ઉચ્ચારણ કરતા હોય છે.
અબડાસા અને નખત્રાણા જેવા વિસ્તારોમાં જે કચ્છી બોલાય છે તે પ્રમાણમાં શુદ્ધ કચ્છી ગણી શકાય, કારણકે ત્યાં બોલાતી કચ્છીમાં ગુજરાતી ભાષાની જરા પણ છાંટ જોવા નથી મળતી. આ બે વિસ્તારોમાં બોલાતી કચ્છી, ધીણોધર, લક્કી ડુંગર અને સુમરી રોહાના ડુંગરાઓના પાણા જેવી ધીંગી છે, અને એ ધીંગી ભાષા એટલે જાડેજી કચ્છી! કચ્છના રાજ દરબારોમાં રાણીઓ ભલે બહારના પ્રદેશની હોય પરંતુ ‘રાણી જાયા’ તો કચ્છી જ બોલે! અને તેથી જ કચ્છીને ‘બાબાણી બોલી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે બાપ જે બોલે છે એ બોલી!
કચ્છના લખપત અને બન્ની વિસ્તારોમાં બોલાતી કચ્છી એ જાડેજી કચ્છીથી થોડી અલગ પડી જાય તેવી હોય છે. ત્યાંની કચ્છીમાં સિંધી ભાષાની અસર વધારે જોવા મળે છે. એ જ રીતે વાગડ વિસ્તારમાં બોલાતી કચ્છી પર ગુજરાતી ભાષાનું પ્રભુત્વ જોવા મળે છે. એ નથી શુદ્ધ ગુજરાતીમાં બોલતા કે ન શુદ્ધ કચ્છીમાં બોલતા!
આમ તો છેક ૧૯૩૯થી કચ્છની કંઠ્ય પ્રણાલિકા અને લોકસાહિત્યના સંશોધન સંપાદન કરવાની પ્રવૃત્તિ શરૂ થઈ હોવાના પ્રમાણ મળે છે. જેના પરથી એ અવશ્ય પ્રતિપાદિત થાય છે કે કચ્છમાં કચ્છી ભાષાની લિપિ અને તે મુજબ ગદ્ય કે પદ્ય પ્રસિદ્ધ કરતાં અખબારો પણ હતાં જેનું એક જ ઉદાહરણ જોઈએ તો, કવિ અજરામર ગોર દ્વારા શરૂ કરવામાં આવેલું માસિક ‘સરસ્વતી શૃંગાર’ છે. જેમાં ભાટ, ચારણ, રાવળો વગેરે પાસેથી એકઠું કરેલું સાહિત્ય જીવરામ ગોર છાપતા.
૧૮૯૩માં અમદાવાદના આર્યોદય પ્રિન્ટિંગ પ્રેસમાં કચ્છી ભાષામાં ‘કાવ્ય કળાધર’ નામનું પુસ્તક જીવરામ ગોરે છપાવીને પ્રકાશિત કર્યું હતું. ત્યાર પછી તો કવિ નિરંજન, મેકણ દાદા, કવિ રાઘવ, સૂફી કવયિત્રી રતનબાઈ, મકબૂલ કચ્છી, શિવજી મઢડાવાલા અને કચ્છી સાહિત્ય ક્ષેત્રે વિશાળ વડલો ગણી શકાય તેવા કવિવર દુલેરાય કારાણીએ આજની અને આવતી સદીઓ સાથે કચ્છી ભાષાનાં ખેડાણનું લાજવાબ અનુસંધાન જોડી રાખવાનું કામ કર્યું છે.
કારાણીસાહેબે કચ્છી ભાષા જે પાછળથી બોલી બની તેને ફરી ભાષાનું સ્વરૂપ આપવા પ્રાણવાન કામ કરીને માર્ગ બનાવી દીધો છે. આદરણીય ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં કહીએ તો ‘કોઈને કાંકરા જેવી કઠોર, તો કોઈને જડસુ જણાતી, સાહિત્યમાંથી અવગણના પામેલી એક પ્રાણવાન કચ્છી બોલીને કારાણીએ જીવતી કરી છે, બનાવટી પ્રાણવાયુ ફૂંકીને નહીં પણ એના અસલ વતનપ્રેમની ચેતના સીંચીને!’

kutch columnists