ટીસીએસ રૂ.16,000 કરોડના શૅર્સ બાયબેક કરશે

07 October, 2020 09:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટીસીએસ રૂ.16,000 કરોડના શૅર્સ બાયબેક કરશે

ટીસીએસ

સપ્ટેમ્બર અંતના ત્રિમાસિક ગાળામાં તાતા કન્સલટન્સી સર્વિસીસ (ટીસીએસ)નો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે સાત ટકા ઘટીને રૂ.7,475 કરોડ થયો છે, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ.8,042 કરોડ હતો. ત્રિમાસિક ધોરણે કંપનીનો નફો 6.6 ટકા વધ્યો છે.

સૂચિત ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક વાર્ષિક ધોરણે 2.9 ટકા અને ત્રિમાસિક ધોરણે 4.7 ટકા વધીને રૂ.40,135 કરોડ થઈ છે.  કંપનીએ ઈક્વિટી શૅરદીઠ રૂ.3000ના ભાવે રૂ.16,000 કરોડના બાયબેકની જાહેરાત કરી છે. કંપનીના બોર્ડે 5,33,33,333 ઈક્વિટી શૅર્સની બાયબેકની મંજૂરી આપી છે, જે કુલ ઈક્વિટી શૅરમૂડીના 1.42 ટકા છે.

ઉપરાંત કંપનીએ રૂ.1ની મૂળ કિંમતના ઈક્વિટી શૅરદીઠ રૂ.12ના બીજા વચગાળાના ડિવિડંડની જાહેરાત પણ કરી છે. કંપનીનો નફાગાળો વાર્ષિક ધોરણે 2.2 ટકા વધીને 26.2 ટકા થયો છે, જ્યારે કુલ કોન્ટ્રેક્ટ મૂલ્ય 8.6 અબજ ડૉલર મૂલ્યનું છે.

નોર્થ અમેરિકામાં કંપનીની વૃદ્ધિ 3.6 ટકા, યુકેમાં 3.8 ટકા, યુરોપમાં 6.1 ટકા, ભારતમાં 20 ટકા, મિડલ ઈસ્ટ આફ્રિકામાં 8 ટકા, લેટિન અમેરિકામાં 5.5 ટકા અને એશિયા પેસિફિકમાં 2.9 ટકા થઈ છે.

tcs business news