અક્ષયતૃતીયામાં સોનાની ખરીદી સાવધાનીપૂર્વક કરશો

06 May, 2019 11:29 AM IST  |  મુંબઈ | રોહિત પરીખ

અક્ષયતૃતીયામાં સોનાની ખરીદી સાવધાનીપૂર્વક કરશો

ગોલ્ડ જ્વેલરી

અક્ષયતૃતીયાના દિવસને સોના-ચાંદીની ખરીદી માટે શુકનવંતો દિવસ માનવામાં આવે છે એથી આવતી કાલે અક્ષયતૃતીયાના દિવસે દેશભરમાં લોકો સોનાની સૌથી વધુ ખરીદી કરતા હોય છે. આ દિવસ નજીક આવતાં જ સોનાની ખરીદી પર જ્વેલરો લોભામણી ઑફર જાહેર કરે છે. આ ઑફરમાં ઘરાકોએ સોનાની ગુણવત્તામાં છેતરાઈ ન જાય એ માટે ખરીદી વખતે સાવધાની રાખવી જરૂરી છે. આ સલાહ બીજું કોઈ નહીં પણ જ્વેલરો જ આપી રહ્યા છે.

વિશેષજ્ઞો કહે છે, ‘જોકે આ લોભામણી ઑફર સાથે સોનાની ગુણવત્તામાં ઘરાકો છેતરાઈ પણ જાય છે જેનો ખ્યાલ તેમને વષોર્ પછી આવે છે. જ્વેલરો ઘરેણાં પર મજૂરીમાં ડિસ્કાઉન્ટ આપી શકે છે, પણ સોનાની માર્કેટના ભાવમાં ડિસ્કાઉન્ટ આપવું ગુણવત્તામાં ફેરફાર કર્યા સિવાય શક્ય નથી.’

આ સંદર્ભે માહિતી આપતાં ધ બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન, દિલ્હીના અધ્યક્ષ યોગેશ સિંઘલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દિવાળી, ધનતેરસ, ગૂઢીપડવા અને અક્ષયતૃતીયા જેવા દિવસોમાં ઈ-કૉમર્સની અનેક સાઇટ્સ પર લોભામણી અને લલચામણી ઑફર જાહેર કરવામાં આવે છે. લોકો આ લોભામણી ઑફરથી આકર્ષાઈને ઑનલાઇન ખરીદી કરીને પછીથી પસ્તાય છે. હંમેશાં ઘરાકોએ એક વાત પર ધ્યાન આપવું જોઈએ કે સોનાની કિંમત અને મૅકિંગ-ચાર્જ સાથે ઘરાકોએ સોનું કેટલા કૅરેટનું છે એની પણ જાણકારી મેળવી લેવી જોઈએ. માર્કેટના ભાવ કરતાં ઑફરના ભાવમાં વધુ અંતર હોય તો ઘરાકે સમજી જવું જોઈએ કે આમાં ચોક્કસ કંઈક ગરબડ છે. સોનાના ભાવમાં ૨૦થી ૪૦ ટકાની છૂટ કોઈ પણ સંજોગોમાં શક્ય નથી. આ ભાવ સોનાની શુદ્ધતા સામે શંકા દર્શાવે છે. આટલો મોટો ભાવફરક છેતરપિંડી તરફ ઇશારો કરે છે. આટલી મોટી છૂટ સોનાની શુદ્ધતા પર શંકાની સોય તાકે છે.’

હૉલમાર્કિંગ સામે ફરિયાદ

હૉલમાર્ક એટલે શુદ્ધ સોનાની ખાતરી-ગૅરન્ટી, પરંતુ છેલ્લાં થોડાં વષોર્માં હૉલમાર્ક સામે ફરિયાદ વધી રહી છે એમ જણાવતાં મુંબઈના જ્વેલરોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમુક જ્વેલરો હૉલમાર્ક સાથે પણ રમત રમી રહ્યા છે જેને પરિણામે માર્કેટમાં અન્ય જ્વેલરો પર ઘરાકો અવિશ્વાસ કરવા માંડ્યા છે. હૉલમાર્ક જ્વેલરી સાથે ઘરાકોએ હૉલમાર્કનું સર્ટિફિકેટ ડિમાન્ડ કરવું જોઈએ. જરૂર પડે તો ઘરાકોએ થોડો ખર્ચ કરીને પણ બ્યુરો ઑફ સ્ટેન્ડર્ડની લૅબમાં સોનાની શુદ્ધતાની ચકાસણી કરાવી લેવી જોઈએ. આ ચકાસણીનો ખર્ચ મામૂલી છે, પણ એ ખર્ચ કરવાથી સોનાની ખરીદી પછી ભવિષ્યની ચિંતા રહેતી નથી.’

ઘરેણાં પર કૅરેટના અંક

ઘરેણાં પર હૉલમાર્કિંગનાં પાંચ ચિહ્નોમાં એક કૅરેટનું પણ ચિહ્ન હોય છે. આ બાબતની જાણકારી આપતાં જ્વેલરોએ કહ્યું હતું કે ‘૨૩ કૅરેટ સોના માટે ૯૫૮, ૨૨ કૅરેટ માટે ૯૧૬, ૨૧ કૅરેટ માટે ૮૭૫, ૧૮ કૅરેટ માટે ૭૫૦, ૧૭ કૅરેટ માટે ૭૦૮, ૧૪ કૅરેટ માટે ૫૮૫, ૯ કૅરેટ માટે ૩૭૫ અને ૮ કૅરેટ માટે ૩૩૩ અંક છે.

હૉલમાર્કનાં પાંચ ચિહ્નો

બ્યુરો ઑફ સ્ટેન્ડર્ડની લૅબમાંથી લાગેલા હૉલમાર્કિંગ પ્રમાણે ઘરેણાં પર પાંચ ચિહ્નો હોય છે. પહેલો બ્યુરો ઑફ સ્ટેન્ડર્ડનો લોગો, બીજો ફિટનેસ નંબર એટલે કે કૅરેટનો સંકેત, ત્રીજો માર્કિંગ સેન્ટરનો લોગો (જે લૅબમાં ટેસ્ટ થયો હોય એનો), ચોથો વર્ષનો કોડ અને પાંચમો જ્વેલરનો લોગો અથવા તો જ્વેલરનો ટ્રેડમાર્ક. હૉલમાર્કિંગમાં દરેક કૅરેટ માટે અલગ-અલગ ફિટનેસ-નંબર હોય છે.

આ પણ વાંચો : ભારી ઘટાડા સાથે થઈ શૅર બજારની શરૂઆત, સેન્સેક્સ 400 અંક તૂટ્યું

લોભામણી ઑફરનું કારણ

શ્રી મુંબઈ જ્વેલર્સ અસોસિએશનના વાઇસ-પ્રેસિડન્ટ કુમાર જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોનાની ખરીદી માટે લોભામણી ઑફર પાછળનું કારણ ફક્ત સોનાની શુદ્ધતામાં છેતરપિંડી છે એ વાતમાં તથ્ય જરૂર છે, પણ અત્યારે તો અનેક જ્વેલરોએ અક્ષયતૃતીયા નિમિત્તે જાહેર કરેલી ડિસ્કાઉન્ટ-ઑફરો પાછળ નજીકના ભવિષ્યમાં આવી રહેલી મંદી પણ કારણભૂત છે. અક્ષયતૃતીયા અને લગ્નની સીઝન પછી સોનાના ભાવ ઘટવાના માર્કેટમાંથી સંકેત મળી રહ્યા છે. અત્યારે ઇન્ટરનૅશનલ માર્કેટમાં પણ તેજી ચાલી રહી છે જે થોડા સમયમાં તૂટશે. લોકસભાની ચૂંટણીનાં પરિણામો પછી પણ સોનાના ભાવમાં ઘટાડો થશે. જેમ-જેમ પરિણામો જાહેર થશે એમ ભાવ ઘટતા જશે. આ સંજોગોમાં જ્વેલરો મોંઘા ભાવના સોનાનાં ઘરેણાંનો સ્ટૉક ખાલી થઈ જાય એમ ઇચ્છે છે જેથી મંદીમાં તેઓ નવી ખરીદી સાથે નવો સ્ટૉક જમા કરી શકે. આ કારણથી તેઓ અત્યારે અક્ષયતૃતીયા નિમિત્તે મોટી ઑફર જાહેર કરે છે.’

news