સરકારી કંપનીઓમાંથી હિસ્સાના વેચાણ માટે શરૂ કરાયેલી તૈયારી : કુલ ૩૪,૦૦૦ કરોડ રૂપિયા ઊભા થવાની શક્યતા

18 April, 2017 05:24 AM IST  | 

સરકારી કંપનીઓમાંથી હિસ્સાના વેચાણ માટે શરૂ કરાયેલી તૈયારી : કુલ ૩૪,૦૦૦ કરોડ રૂપિયા ઊભા થવાની શક્યતા



ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્વેસ્ટમેન્ટ ઍન્ડ પબ્લિક ઍસેટ મૅનેજમેન્ટ આ કંપનીઓના હિસ્સાના વેચાણ માટે મર્ચન્ટ બૅન્કર તથા લીગલ ઍડ્વાઇઝરની નિમણૂક માટેની તૈયારી કરી રહ્યું છે.

નૅશનલ હાઇડ્રો પાવર કૉર્પોરેશન (NHPC), પાવર ફાઇનૅન્સ કૉર્પોરેશન (PFC), રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કૉર્પોરેશન (REC), નૈવેલી લિગ્નાઇટ કૉર્પોરેશનમાંથી પણ હિસ્સાનું વેચાણ થવાનું છે.

આ ડિપાર્ટમેન્ટના સચિવ નીરજ ગુપ્તાએ કહ્યું છે કે ‘હજી ડિસઇન્વેસ્ટમેન્ટ માટે કોઈ સમયમર્યાદા બાંધવામાં નથી આવી. અત્યારની તૈયારી માત્ર મર્ચન્ટ બૅન્કરની નિમણૂક પૂરતી જ છે. આ પ્રક્રિયા નિયમિત થતી રહે છે જેથી ડિસઇન્વેસ્ટમેન્ટ માટેની તકનો અંદાજ મેળવી શકાય. આમાંની કોઈ કંપનીમાંથી તાબડતોબ કોઈ મોટું ડિસઇન્વેસ્ટમેન્ટ નથી થવાનું.’

સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આ પ્રકારના ડિસઇન્વેસ્ટમેન્ટને પૂર્ણ થતાં ઘણો સમય લાગશે. સરકારે ૧૨ કંપનીઓના ડિસઇન્વેસ્ટમેન્ટ માટે કૅબિનેટની મંજૂરી લઈ રાખી છે.

સરકાર IOCમાંથી ત્રણ ટકા અને સેઇલ, NTPC, NHPC અને PFCમાંથી ૧૦-૧૦ ટકા હિસ્સો વેચવાનું આયોજન કરી રહી છે. નૈવેલીનો ૧૫ ટકા અને ય્ચ્ઘ્નો પાંચ ટકા હિસ્સો વેચવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

અત્યારના માર્કેટભાવ પ્રમાણે NTPCમાંથી ૧૩,૦૦૦ કરોડ, IOCમાંથી ૬૦૦૦ કરોડ અને સેઇલમાંથી ૨૫૦૦ કરોડ મળીને કુલ આંકડો ૩૪,૦૦૦ કરોડ સુધી પહોંચી શકે છે. PFCનો હિસ્સો ૪૦૦૦ કરોડની કિંમતે પહોંચી શકે છે તો NHPC ૩૦૦૦ કરોડ, નૈવેલી લિગ્નાઇટ ૨૦૦૦ કરોડ અને REC ૧૦૦૦ કરોડ મેળવી આપી શકે છે.

સરકાર IOCમાં ૫૮.૨૮ ટકા, NTPCમાં ૬૯.૭૪ ટકા, સેઇલમાં ૭૫ ટકા અને NHPCમાં ૭૪.૫૦ ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે નૈવેલીમાં ૯૦ ટકા, PFCમાં ૬૭.૮૦ ટકા અને RECમાં ૬૦.૬૪ ટકા હિસ્સો સરકારનો છે.

૨૦૧૭-’૧૮ના બજેટમાં સરકારે આ પ્રકારના સ્ટેકના વેચાણ દ્વારા ૪૬,૫૦૦ કરોડ અને યોજનાબદ્ધ ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા ૧૫,૦૦૦ કરોડ રૂપિયાની આવક કરવાનું લક્ષ્ય રાખ્યું છે.