અમે નૅનોનું સસ્તી કાર તરીકે બ્રૅન્ડિંગ કરવાની ભૂલ કરી : રતન તાતા

16 July, 2015 03:50 AM IST  | 

અમે નૅનોનું સસ્તી કાર તરીકે બ્રૅન્ડિંગ કરવાની ભૂલ કરી : રતન તાતા




ગ્રેટ લેક્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટના અગિયારમા દીક્ષાંત સમારંભ માટે ચેન્નઈ આવેલા તાતાએ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા.

નૅનો કારને લગતા એક સવાલનો જવાબ આપાતં તેમણે કહ્યું હતું કે આ કારને પરવડે એવી કાર કહેવાની જરૂર હતી. લોકોને સસ્તી કાર સાથે પોતાનું નામ લેવાય એ ગમ્યું નહીં.

રતન તાતાએ સ્નાતકોને કહ્યું હતું કે તેઓ લોકોના જીવનમાં પરિવર્તન આવે એવી વસ્તુઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરે અને હંમેશાં પોતાને પૂછતા રહે કે હું જે કરું છું એ સારું છે કે નહીં.

પછીથી તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ સામાન્ય વ્યક્તિને મદદરૂપ થાય એવી કંપનીઓમાં રોકાણ કરી રહ્યા છે.

તેમણે ઑન્ટ્રપ્રનર્સને અનુરોધ કરતાં કહ્યું હતું કે કમાણી કરીને ચાલતી પકડવાને બદલે સંસ્થાનું નિર્માણ કરવું જોઈએ.

તાતા અને બોઇંગ કંપનીનું મેક ઇન ઇન્ડિયા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા અભિયાનમાં હવે બોઇંગ અને તાતા ઍડ્વાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) પણ જોડાઈ ગઈ છે. આ બન્ને કંપનીઓએ ભારતમાં ઍરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્ર માટે ઉત્પાદન કરવાના કરાર પર બુધવારે હસ્તાક્ષર કર્યા હતા. તેઓ ડ્રોન જેવાં માનવરહિત હવાઈ વાહનો સહિતની વસ્તુઓનું ઉત્પાદન કરશે.

બોઇંગ મિલિટરી ઍરક્રાફ્ટના પ્રેસિડન્ટ શેલી લેવેન્ડર અને TASLના મૅનેજિંગ ડિરેક્ટર-ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સુકરણસિંહે કરાર પર સહી કરી હતી. આ બન્ને કંપનીઓ અગાઉ બોઇંગના CH-47 ચિનૂક અને AH-6I હેલિકૉપ્ટર માટેના ઍરોસ્ટ્રક્ચરનું ઉત્પાદન કરવાનો કૉન્ટ્રૅક્ટ કરી ચૂકી છે.

બોઇંગ ઇન્ડિયાના પ્રેસિડન્ટ પ્રત્યુશ કુમારે કહ્યું હતું કે ચિનૂક હેલિકૉપ્ટરના પ્રોક્યૉરમેન્ટ માટે ભારત સરકાર સાથે કરાર થાય એની પહેલાં જ TASL ભારતમાં આ હેલિકૉપ્ટરના છૂટક ભાગોનું ઉત્પાદન કરવા લાગશે.

નોંધનીય છે કે તાતા ગ્રુપની કંપનીઓ - તાતા ઍડ્વાન્સ્ડ મટીરિયલ્સ લિમિટેડ અને TAL મૅન્યુફૅક્ચરિંગ સોલ્યુશન્સ પણ બોઇંગને મહત્વપૂર્ણ છૂટક ભાગોની સપ્લાય કરે છે.