26 February, 2026 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા
આજે રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનાં ઉદયપુરમાં યોજાઈ રહેલાં લગ્નમાં હાજરી આપવા માટે નજીકના મિત્રો અને પરિવારજનો ઉદયપુર પહોંચી ગયા છે. આ લગ્નમાં હાજર રહેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ પાઠવાયું હતું, પરંતુ તેઓ સમારંભમાં હાજર રહી શકશે નહીં. તેમણે દંપતીને શુભકામનાઓ પાઠવી છે.
નરેન્દ્ર મોદીએ વિજય દેવરકોંડાનાં માતા-પિતાને પત્ર લખીને પુત્રના લગ્નપ્રસંગે અભિનંદન પાઠવ્યાં છે. પોતાના પત્રમાં તેમણે લખ્યું કે ૨૬ ફેબ્રુઆરીએ યોજાનારાં વિજય અને રશ્મિકા મંદાનાનાં લગ્નનું આમંત્રણ મળતાં તેમને ખૂબ આનંદ થયો. વડા પ્રધાને આ શુભ અને આનંદમય અવસર પર દેવરકોંડા અને મંદાનાના પરિવારોને દિલથી અભિનંદન પાઠવ્યાં. તેમણે લખ્યું કે ‘આ લગ્ન વિજય અને રશ્મિકાના જીવનની નવી અને સુંદર શરૂઆત છે. ૭ ફેરા લેવાનો અર્થ જીવનભર માટે મિત્ર બનવું છે. વિજય અને રશ્મિકા બન્ને ફિલ્મોની સ્ક્રિપ્ટ અને વાર્તાથી પરિચિત છે. તેઓ પડદા પર જાદુ સર્જવાની કળા જાણે છે, પરંતુ તેમની વાસ્તવિક જિંદગીનો પ્રેમ અને વિશ્વાસથી ભરેલો આ નવો અધ્યાય સિલ્વર સ્ક્રીન પર સર્જાયેલા જાદુ કરતાં પણ વધુ ઝગમગાટ લાવશે.’
વડા પ્રધાને શુભેચ્છા પાઠવતાં ઉમેર્યું હતું કે ‘આવનારા દિવસો, મહિના અને વર્ષો તેમનાં સંયુક્ત સપનાંઓ અને તેમની પૂર્ણતાથી ભરેલાં રહે. બન્ને એકબીજાની જવાબદારીઓ સમજે, કમીઓને સ્વીકારી, ગુણોથી શીખે અને જીવનયાત્રા સાચા સહયોગી તરીકે પૂર્ણ કરે.’
આજે રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનાં લગ્ન ઉદયપુરમાં આવેલી ITC મેમેન્ટોસ હોટેલમાં થવાનાં છે. લગ્નમાં બન્ને પરિવારના સભ્યો અને કેટલાક ખાસ મહેમાનો જ હાજર રહેશે. લગ્ન કરાવવા માટે દક્ષિણ ભારતથી ખાસ બોલાવવામાં આવેલા પંડિતો પણ ઉદયપુર પહોંચી ગયા છે. લગ્ન પહેલાં હલ્દી, મેંદી અને સંગીતના પ્રીવેડિંગ ફંક્શન થયાં હતાં જેની તસવીરો સ્ટાર કપલે પોતાના સોશ્યલ મીડિયામાં શૅર કરી છે. આ ખાસ પ્રસંગે હોટેલને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવી છે.
રશ્મિકા અને વિજયની પ્રીવેડિંગ પાર્ટી દરમ્યાન વિજય અને રશ્મિકાના પરિવારજનો વચ્ચે ક્રિકેટ-મૅચ યોજાઈ હતી જેની તસવીરો તેમણે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી છે. લગ્ન પહેલાં વિજયની માતાએ ભાવિ પુત્રવધૂ રશ્મિકાને ફૅમિલીના વારસા સમાન સોનાની બંગડીઓ ગિફ્ટ કરી છે અને રશ્મિકા તેની સાસુ તરફથી મળેલી ભેટથી ખૂબ જ ખુશ થઈ ગઈ હતી.
મળતી માહિતી પ્રમાણે વિજય અને રશ્મિકા આજે બે વિધિથી લગ્ન કરશે. એક લગ્ન વિજયના પરિવારના નિયમો અનુસાર સવારે તેલુગુ પરંપરાઓથી કરવામાં આવશે અને સાંજે રશ્મિકાના પરિવારના રિવાજ અનુસાર કોડવા પરંપરાઓથી થશે.