નાની-મોટી ઉંમરના ચાહકોએ તેમની ટીમના ખેલાડીઓનો ઉત્સાહ વધારવામાં કોઈ જ કસર બાકી નહોતી રાખી. કચ્છી કડવા પાટીદારો તો ફાઇનલ માટે સ્પેશ્યલ બનાવેલા ટી-શર્ટ પહેરીને આવ્યા હતા
મંગળવારે કાંદિવલી-વેસ્ટમાં આવેલા પોઇસર જિમખાનામાં રમાયેલી મિડ-ડે કપ ૨૦૨૦ની ફાઇનલ અપેક્ષા કરતાં વન-સાઇડેડ રહી હતી. પહેલી ઇનિંગ્સની નિષ્ફળતા ચરોતર રૂખીને બરાબરની નડી હતી. પ્રથમ ઇનિંગ્સમાં કચ્છી કડવા પાટીદારના ૧૫૮ રનના જવાબમાં ચરોતર રૂખી માત્ર ૮૩ રન જ બનાવી શકી હતી. ૭૬ રનનો ફરક રૂખીને બીજી ઇનિંગ્સમાં જોર બતાવવા છતાં બરાબરનો નડ્યો હતો અને આખરે ૮૭ રનથી હાર જોવી પડી હતી.
સતત ચોથા વર્ષે ચૅમ્પિયન બનીને કચ્છી કડવા પાટીદારે એક રેકૉર્ડની બરોબરી કરી લીધી હતી અને એક નવો રેકૉર્ડ સર્જી દીધો હતો.
મિડ-ડે કપમાં અત્યાર સુધી ચાર વાર (૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૩ અને ૨૦૧૫) ચૅમ્પિયન બનવાનો રેકૉર્ડ ચરોતર રૂખીના નામે હતો. મંગળવારે કચ્છી કડવા પાટીદારે ચોથી વાર ફાઇનલમાં જીત મેળવીને એની બરોબરી કરી લીધી હતી. જોકે કચ્છી કડવા પાટીદારે ૨૦૧૭, ૨૦૧૮, ૨૦૧૯ બાદ ગઈ કાલે ૨૦૨૦ની સીઝન જીતીને સતત ચાર સીઝનમાં વિજેતા બનવાનો એક અનોખો રેકૉર્ડ રચી દીધો હતો. બીજું, છેલ્લે ૨૦૧૫માં ચૅમ્પિયન બન્યા બાદ ચરોતર રૂખીએ પાંચ વર્ષ બાદ આ પહેલી વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, પણ હાર જોવી પડી હતી. આ પાંચમી ફાઇનલમાં તેમનો આ પહેલો પરાજય હતો.
ચરોતર રૂખીના કૅપ્ટન હર્ષદ રાજપૂતે ટૉસ જીતીને કચ્છી કડવા પાટીદારની ટીમને પ્રથમ બૅટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું.
બે ઓવરમાં ૨૦ રન સાથે પ્રમાણમાં શાંત શરૂઆત બાદ ત્રીજી ઓવરમાં કચ્છી કડવા પાટીદારને ભાવિક ભગતના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો હતો. ભાવિક ભગતે તેની સ્ટાઇલમાં ૧૦ બૉલમાં બે સિક્સર સાથે ૧૭ રન બનાવ્યા હતા. ભાવિકની વિદાય બાદ મેદાનમાં આવેલા ઑલરાઉન્ડર દિનેશ નાકરાણીએ પહેલાં બે બૉલ ડોટ રમ્યા બાદ પાંચ સિક્સર અને સાત ફોરની રમઝટ સાથે ૨૭ બૉલમાં અણનમ ૬૭ રનની મૅચ વિનિંગ ઇનિંગ્સ રમીને છવાઈ ગયો હતો. સામે છેડે ઓપનર વેદાંશ ધોળુનો પણ તેને યોગ્ય સાથ મળ્યો હતો. વેદાંશે શરૂઆતમાં ૧૧ બૉલમાં માત્ર ૬ રન બનાવ્યા હતા, પણ દિનેશ નાકરાણીની ફટકાબાજીથી પ્રેરાઈને આખરે ૨૪ બૉલમાં ચાર સિક્સર અને ચાર ફોર સાથે અણનમ ૪૯ રન ઝૂડી કાઢ્યા હતા. આ બન્નેની બીજી વિકેટ માટેની ૧૩૮ રનની પાર્ટનરશિપને લીધે પાટીદાર ૧૦ ઓવરમાં એક વિકેટે ૧૫૮ રન સુધી પહોંચી શક્યું હતું. ચરોતરના સચિન સોલંકી અને નીતિન પરમાર સિવાય કોઈ બોલર સફળ નહોતો થઈ શક્યો. સેમી ફાઇનલમાં બે ઓવરમાં પાંચ રનમાં હૅટ-ટ્રિક સહિત ૬ વિકેટનો તરખાટ મચાવનાર ધીરજ સોલંકી મોંઘો સાબિત થયો હતો અને તેણે બે ઓવરમાં વિના વિકેટે ૩૫ રન આપ્યા હતા.
જવાબમાં ચરોતર રૂખીનો કોઈ બૅટ્સમેન લાંબું ટકી નહોતો શક્યો અને ૧૦ ઓવરમાં ૭ વિકેટે ૮૩ રન જ બનાવી શક્યા હતા. ફક્ત બે જ બૅટ્સમેનો સચિન સોલંકી (૧૨) અને મનીષ સોલંકી (૧૪) ડબલ ડિજિટનો સ્કોર બનાવી શક્યા હતા. આ સાથે કચ્છી કડવા પાટીદારને ૭૬ રનની મહત્ત્વપૂર્ણ લીડ મળી હતી.
કચ્છી કડવા પાટીદારના દિનેશ નાકરાણીને સૅફ્ટી પાર્ટનર ચંદ્રિકા બૅગ હાઉસના જયંતીભાઈ વેલજી ગડાના હસ્તે ટ્રોફી અને રિફ્રેશમેન્ટ પાર્ટનર ચંદન માઉથફ્રેશનર તરફથી ગિફ્ટ હૅમ્પર આપવામાં આવ્યાં હતાં. દિનેશ નાકરાણીએ પહેલી ઇનિંગ્સમાં અણનમ ૬૭ રન ઉપરાંત બન્ને ઇનિંગ્સ મળીને ચાર ઓવરમાં માત્ર ૧૭ રન અને એક વિકેટ લીધી હતી.
બીજી ઇનિંગ્સમાં કચ્છી કડવા પાટીદારના ફાઇનલના કૅપ્ટન જિજ્ઞેશ નાકરાણીએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બીજી ઇનિંગ્સમાં કચ્છી કડવા પાટીદારે પ્લેઇંગ ઇલેવનમાં કોઈ બદલાવ નહોતો કર્યો, પણ ચરોતર રૂખીએ બે બદલાવ કરતાં રાજ વાઘેલાને બદલે દીપક વાઘેલા અને ધીર સોલંકીને બદલે રોહિત સોલંકીને મોકો આપ્યો હતો. પહેલી વાર અસલી ટચમાં રમતા ભાવિક ભગતે ૨૪ બૉલમાં સાત સિક્સર અને પાંચ ફોર સાથે ૬૬ રનની આક્રમક ઇનિંગ્સ રમીને ચરોતર રૂખીના કમબૅક કરવાના દરવાજા બંધ કરી દીધા હતા. જોકે ભાવિક સાથે અને દિનેશ નાકરાણી (૦) પાવર ઓવરમાં સતત બે બૉલમાં આઉટ થતાં ચરોતર રૂખી કૅમ્પ જોશમાં આવી ગયો હતો. પાવર ઓવરના ૨૦ રનના ઝટકા છતાં કચ્છી કડવા પાટીદાર વેદાંશ ધોળુના ૧૪ અને અલ્પેશ રામજિયાણીના અણનમ ૨૪ રનની મદદથી ૧૦ ઓવરમાં ૩ વિકેટે ૧૦૮ રન બનાવીને ચરોતર રૂખીને ૧૮૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. કચ્છી કડવા પાટીદારની સચોટ બોલિંગ અને ફીલ્ડિંગ સામે બીજી ઇનિંગ્સમાં પણ ચરોતર રૂખી કંઈ કમાલ નહોતી કરી શકી અને ૧૦ ઓવરમાં ૩ વિકેટે ૯૭ રન જ બનાવી શકી હતી અને ૮૭ રનથી હાર સ્વીકારી લીધી હતી. આ સાથે પાંચમી ફાઇનલ રમી રહેલી ચરોતર રૂખી ટીમને પહેલી વાર ફાઇનલમાં હાર જોવી પડી હતી.
ચૅમ્પિયન- કચ્છી કડવા પાટીદારને મુંબઈ નૉર્થના સંસદસભ્ય ગોપાલ શેટ્ટી, ઍક્ટર વિશાલ જેઠવા, અનમોલ અને અપૂર્વ જ્યોતિરના હસ્તે ટ્રોફી અને ૧,૧૧,૧૧૧ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો.
રનર-અપ- ચરોતર રૂખીને સંસદસભ્ય ગોપાલ શેટ્ટી, ઍક્ટર વિશાલ જેઠવા, અનમોલ અને અપૂર્વ જ્યોતિર તથા અસોસિએટ સ્પૉન્સર માય રેરાના પ્રતિનિધિ નિખિલ શાહના હસ્તે ટ્રોફી અને ૫૫,૫૫૫ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો.
કચ્છી કડવા પાટીદારના વેદાંશ ધોળુને સંસદસભ્ય ગોપાલ શેટ્ટી અને અસોસિએટ સ્પૉન્સર કામધેનુ ડિપાર્ટમેન્ટલ સ્ટોરના રણછોડભાઈ પટેલના હસ્તે ટ્રોફી અને ટાઇમ પાર્ટનર એસ્કોર્ટ અને રિફ્રેશમેન્ટ પાર્ટનર ચંદન માઉથફ્રેશનર તરફથી ગિફ્ટ હૅમ્પર આપવામાં આવ્યાં હતાં. વેદાંશ ધોળુએ ટુર્નામેન્ટમાં ૯ સિક્સર અને ૨૪ ફોર સાથે ૨૧૪ રન, ત્રણ વિકેટ અને બે કૅચ સાથે શાનદાર ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ કર્યો હતો.
સૌરાષ્ટ્ર લેઉવા પટેલના શૈલેષ માણિયાને સંસદસભ્ય ગોપાલ શેટ્ટી તથા ફૂડ પાર્ટનર ઈસ્ટ એશિયાનાં વૈશાલી મિસ્ત્રીના હસ્તે ટ્રોફી અને ટાઇમ પાર્ટનર એસ્કોર્ટ અને રિફ્રેશમેન્ટ પાર્ટનર ચંદન માઉથફ્રેશનર તરફથી ગિફ્ટ હૅમ્પર આપવામાં આવ્યાં હતાં. શૈલેશ માણિયાએ આ સીઝનમાં ૬ ઇનિંગ્સમાં બે વાર નૉટઆઉટ, ૨૧ સિક્સર, ૧૭ ફોર અને ૩ હાફ-સેન્ચુરી સાથે હાઇએસ્ટ ૨૨૦ રન બનાવ્યા હતા. તેનો હાઇએસ્ટ સ્કોર ૯૧ રનનો હતો.
ચરોતર રૂખીના સચિન સોલંકીને સંસદસભ્ય ગોપાલ શેટ્ટી, ઍક્ટર વિશાલ જેઠવા, અનમોલ તથા અપૂર્વ જ્યોતિરના હસ્તે ટ્રોફી અને ટાઇમ પાર્ટનર એસ્કોર્ટ અને રિફ્રેશમેન્ટ પાર્ટનર ચંદન માઉથફ્રેશનર તરફથી ગિફ્ટ હૅમ્પર આપવામાં આવ્યાં હતાં. સચિન સોલંકીએ આ સીઝનમાં ૧૪ ઓવરમાં ૮૮ રન આપીને કુલ ૯ વિકેટ લીધી હતી.
કચ્છી કડવા પાટીદારના અવિ નાકરાણીને સંસદસભ્ય ગોપાલ શેટ્ટી તથા ડિજિટલ પાર્ટનર જિનલ સ્ટુડિયોના વિનોદ (બન્ટી) શાહના હસ્તે ટ્રોફી અને ટાઇમ પાટર્નર એસ્કોર્ટ અને રિફ્રેશમેન્ટ પાર્ટનર ચંદન માઉથફ્રેશનર તરફથી ગિફ્ટ હૅમ્પર આપવામાં આવ્યાં હતાં. અવિ નાકરાણીએ અફલાતૂન ગ્રાઉન્ડ ફીલ્ડિંગ ઉપરાંત સૌથી વધુ પાંચ કૅચ પકડ્યા હતા.
આ આખી સીઝનનું સરસ સંચાલન કરવા બદલ ‘મિડ-ડે’ના ચીફ ઇવેન્ટ મૅનેજર દિનેશ સાવલિયાને સંસદસભ્ય ગોપાલ શેટ્ટીના હસ્તે ટ્રોફી અને ટાઇમ પાર્ટનર એસ્કોર્ટ અને રિફ્રેશમેન્ટ પાર્ટનર ચંદન માઉથફ્રેશનર તરફથી ગિફ્ટ હૅમ્પર આપવામાં આવ્યાં હતાં.
મુંબઈ નૉર્થના સંસદસભ્ય ગોપાલ શેટ્ટીનું ‘મિડ-ડે’ના તંત્રી બાદલ પંડ્યા દ્વારા મિનિએચર બૅટ અને રિફ્રેશમેન્ટ પાર્ટનર ચંદન માઉથફ્રેશનર તરફથી ગિફ્ટ હૅમ્પર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ સીઝનની સફળતાના સહયોગીઓ અમ્પાયર્સ હિતેન્દ્ર જાદવ, અમેય નાઈક, સ્કોરર કુશલ ગાવડે તથા કૉમેન્ટેટર કીર્તિ વાઘેલા અને વિપુલ દોશીને મિનિએચર બૅટ અને રિફ્રેશમેન્ટ પાર્ટનર ચંદન માઉથફ્રેશનર તરફથી ગિફ્ટ હૅમ્પર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
જાણીતા સ્ટેજ જૉકી મનીષ શાહે પ્રાઇઝ સેરેમનીનું તેમની અનોખી સ્ટાઇલમાં ઍન્કરિંગ કરીને દરેક માટે યાદગાર બનાવી દીધી હતી.
ફાઇનલની શરૂઆત પહેલાં બન્ને ફાઇનલિસ્ટ ટીમ કચ્છી કડવા પાટીદાર અને ચરોતર રૂખીએ હારબંધ ઊભા રહીને બન્ને અમ્પાયરોને સન્માન આપ્યું હતું, જ્યારે પ્રાઇઝ સેરેમની વખતે ચૅમ્પિયન કચ્છી કડવા પાટીદાર અને રનર-અપ ચરોતર રૂખીએ પણ સ્પોર્ટ્સમેન સ્પિરિટનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રસ્તુત કરતાં ટ્રોફી અને મેડલ લેવા આવી ત્યારે એકબીજાએ હારબંધ ઊભા રહીને સન્માન આપીને બધાનાં દિલ જીતી લીધાં હતાં.
ફાઇનલ દરમ્યાન હાજર મિડ-ડે ટીમના સભ્યો.
કચ્છી કડવા પાટીદારે સૌથી વધારે ચાર વાર ચૅમ્પિયન બનવાના ચરોતર રૂખીના રેકૉર્ડની બરોબરી કરી તથા સતત ચોથી સીઝનમાં ચૅમ્પિયન બનવાનો અનોખો રેકૉર્ડ રચ્યો : પહેલી ઇનિંગ્સની નિષ્ફળતાને લીધે ચરોતર રૂખીને પહેલી વાર ફાઇનલમાં હાર જોવી પડી : કચ્છથી રમવા આવતા કચ્છી કડવા પાટીદારનો અનુભવી ઑલરાઉન્ડર દિનેશ નાકરાણી બન્યો ફાઇનલનો સ્ટાર તો યંગસ્ટર વેદાંશ ધોળુ સીઝનનો સુપરસ્ટાર. - દિનેશ સાવલિયા