ઇરફાન અને યુસુફ પઠાણે આપી અનોખી ગુરુદક્ષિણા

Published: 25th October, 2011 19:11 IST

ઇરફાન પઠાણ અને તેના મોટા ભાઈ યુસુફને નાનપણમાં ક્રિકેટનું જ્ઞાન આપવા ઉપરાંત તેમને ક્રિકેટમાં કરીઅર બનાવવા માટેનું માર્ગદર્શન આપનાર વડોદરાના ક્રિકેટ-કોચ મેહંદી શેખને ગઈ કાલે રૂબરૂ મળીને તેમને અને તેમના પત્નીને ગુરુદક્ષિણાના ભાગરૂપે હજયાત્રા માટેની બધી વ્યવસ્થા ધરાવતા દસ્તાવેજો આપ્યા હતા.રશ્મિન શાહ

રાજકોટ, તા. ૨૫

ઇરફાન કે યુસુફ આ ગુરુદક્ષિણા વિશે ગઈ કાલે ‘મિડ-ડે’ સાથેની વાતીચીતમાં કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. તેઓ પોતાના આ અનોખા કાર્યની પબ્લિસિટી નહોતા ઇચ્છતા. જોકે તેમના પિતા મેહબૂબખાન પઠાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા બન્ને પુત્રોની આ વખતની દિવાળીએ તેમના ગુરુ મેહંદીસાહેબને કોઈ સારી ભેટ આપવા માગતા હતા. મને વિચાર આવ્યો કે મેહંદીસાહેબ માટે હજની યાત્રાથી ઉત્તમ બીજી કોઈ સોગાદ ન કહેવાય એટલે મેં તેમને એનું સજેશન આપ્યું હતું જે બન્ને પુત્રો સહિત બધાને ખૂબ ગમી ગયું હતું.’

મેંહદી શેખની આર્થિક સ્થિતિ સામાન્ય છે. હજયાત્રા કરવાની તેમની ઘણા વખતથી ઇચ્છા હતી, પણ આર્થિક રીતે પૂરતી વ્યવસ્થા ન થતી હોવાને કારણે તેઓ હજ કરવા નહોતા જઈ શકતા. ગઈ કાલે જ્યારે ઇરફાન અને યુસુફે તેમને મળીને હજયાત્રાના પેપર્સ ગિફ્ટમાં આપ્યા ત્યારે મેહંદી શેખની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં હતાં. મેહંદી શેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પઠાણ ભાઈઓની આ ભેટથી તો હું બહુ ખુશ છું જ, પણ મારે ખાસ કહેવું છે કે આજની પેઢીના છોકરાઓને ગુરુ યાદ નથી રહેતા હોતા એ વાત અહીં ખોટી પુરવાર થઈ એનો પણ મને બેહદ આનંદ છે.’

ઇરફાન પઠાણ ત્રીજા ધોરણમાં ભણતો હતો ત્યારે મેહંદી શેખે એક વાર તેને ક્રિકેટ રમતો જોયો ત્યારે તેના પફોર્ર્મન્સથી પ્રભાવિત થયા હતા અને તેને પોતાના કૅમ્પમાં સમાવી લીધો હતો. એ સમયે ઇરફાનના કોચિંગ માટે તેના પિતા પાસે પૂરતા પૈસા નહોતા એટલે મેહંદી શેખે ઇરફાનને પોતાના ખર્ચે ક્રિકેટની કિટ લઈ આપી હતી.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK