વર્લ્ડ કપ કોઈ પણ લઈ જાય, સ્પર્ધા અત્યંત રોમાંચક બનશે

નરેન્દ્ર આઈ. પંચોલી - સ્ટ્રેટ ડ્રાઈવ | રાજકોટ | Jun 02, 2019, 12:36 IST

ક્રિકેટ પ્રેમીઓ સ્પર્ધા શરૂ થતાં પહેલાંથી જ યજમાન ઈંગ્લેન્ડ અને ભારતને ટાઈટલ માટે ફેવરિટ માની રહ્યા છે, નિષ્ણાતોના મતે ઓસ્ટ્રેલિયા-વિન્ડીઝની ટીમો વર્લ્ડકપની વધુ રોમાંચક બનાવશે

વર્લ્ડ કપ કોઈ પણ લઈ જાય, સ્પર્ધા અત્યંત રોમાંચક બનશે

વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે. ઉદ્ગાટન મેચમાં યજમાન ઈંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને અને વેસ્ટઈન્ડિઝે પાકિસ્તાનને આસાનીથી પરાજય આપતા સ્પર્ધાની અપેક્ષિત પરિણામ સાથે શરૂઆત થઈ ચૂકી છે. એ પહેલાં પ્રેક્ટિસ મેચો પણ યોજાઈ. ન્યૂઝીલેન્ડ સામે શરણાગતિ સ્વિકારનારી ભારતીય ટીમે બાંગ્લાદેશ સામેની મેચમાં શાનદાર દેખાવ કર્યો અને સ્પર્ધામાં ભાગ લેનારી ટીમોને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ટીમ ઈન્ડિયા વિશ્વની કોઈ પણ ટીમને ભારે પડી શકે એમ છે. તે પ્રવર્તમાન સ્પર્ધામાં ટાઈટલ માટેની પ્રબળ દાવેદાર છે. છેલ્લા કેટલાક દિવસોથી ક્રિકેટ પંડિતો અને ચાહકોમાં વર્લ્ડ કપનું ટાઈટલ કોણ મેળવશે એને લઈને ભારે ચર્ચાઓ ચાલી રહી છે. મોટા ભાગના તો ભારત અને યજમાન ઈંગ્લેન્ડને ટાઈટલના પ્રબળ દાવેદાર માની રહ્યા છે પણ કેટલાક ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને વેસ્ટઈન્ડિઝ પણ કપ પર કબજો જમાવવા સક્ષમ હોવાનું અનુમાન કરી રહ્યા છે. દરેક વિવેચકો પોત પોતાની રીતે ટીમોનું આકલન કરીને ટાઈટલના દાવેદારો અંગેની વાત કરી રહ્યા છે.

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં યોજાઈ રહેલા આઈસીસી વર્લ્ડ કપ અંગે દરેક મહાનુભવો પોત પોતાની રીતે ટાઈટલ માટેની ફેવરિટ ટીમોના નામ વહેતાં મૂકી રહ્યા છે એમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ફાયનલની ગણતરી અનેક પંડિતો માંડી રહ્યા છે. ભારતને 2011માં વિશ્વ કપ અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવનારા સિક્સર કિંગ યુવરાજ સિંહે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું કે ભારત અને ઈંગ્લેન્ડ સ્પર્ધાની ફાયનલમાં પહોંચી શકે છે. તેણે કહ્યું કે મને લાગે છે કે ભારત અને ઈંગ્લેન્ડ પાસે ફાયનલમાં સ્થાન મેળવવાની ખૂબ સારી તક છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાને પણ સારી તક છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં ડેવિડ વોર્નર અને સ્ટિવ સ્મિથ પાછા ફર્યા ત્યારથી તેમની તકો ખૂબજ વધી ગઈ હોવાનું યુવરાજનું માનવું છે. આ ઉપરાંત તેમનો બોલિંગ એટેક પણ મજબૂત છે. આ ટીમો પાસે અંતિમ ચારમાં પહોંચવાની સારી તક છે. ભારતની તક અંગે યુવરાજે કહ્યું કે હવે આ અલગ ગેમ હશે. હવે પાંચ ફિલ્ડર સર્કલમાં રહેશે, પહેલાં ચાર ફિલ્ડર સર્કલમાં રહેતા હતા. અગાઉ 260, 270,280 રનને ફાઈટિંગ સ્કોર માનવામાં આવતો હતો. હવે મેચ જીતવા માટે ટીમને 300થી વધુ રનની જરૂર પડશે. માત્ર એક ફિલ્ડરને લીધે રમતમાં આટલો ફેર પડી શકે છે. યુવરાજે કહ્યું કે મારૂં માનવું છે કે આપણી પાસે હજુ પણ એ યૂનિટ છે જે કોઈ પણ પડકારનો પીછો કરી શકે છે.

england cricket team

છેલ્લાં બે-ત્રણ વર્ષોથી ભારત ખરેખર સારી રમત બતાવી રહ્યું છે. તેના અભિપ્રાયે હાર્દિક પંડ્યા વર્લ્ડ કપમાં એક્સ ફેક્ટર પૂરવાર થઈ શકે છે. તે સારા ફોર્મમાં છે અને સારી બેટિંગ કરી રહ્યો છે વળી તે બોલિંગમાં પણ ખૂબજ ઉપયોગી સાબિત થઈ શકે છે. એ સ્થિતિમાં ભારત બે પેસ બોલર અને બે સ્પિનર સાથે રમે તો તેની પાસે ત્રીજા સીમર તરીકે હાર્દિક ઉપલબ્ધ હશે. આના લીધે ટીમ સમતોલ બને છે.

hardik pandya

ઓસ્ટ્રેલિયાને 1987માં વર્લ્ડ ચેમ્પિયન બનાવનારા પૂર્વ સુકાની એલેન બોર્ડરને વેસ્ટ ઈન્ડિઝની ટીમ ખતરનાક લાગે છે. તેનું કહેવું છે કે હું વેસ્ટઈન્ડિઝની ટીમને જોઉં છું તો મને તે ખબૂજ ખતરનાક લાગે છે. જો તેમની ટીમે લય હાંસલ કરી લીધી તો તે ખતરનાક બની જશે. હું જાણું છું કે મેચ જેટલી નાની હોય છે તેઓ ખતરનાક બનતા જાય છે પરંતુ મને લાગે છે કે ઈંગ્લેન્ડમાં પરિસ્થિતિ તેમને અનુકૂળ રહેશે. પૂર્વ પેસ બોલર બ્રેટ લીએ તો બ્લેક કેપ્સ (ન્યૂઝીલેન્ડ)ની ટીમને ટાઈટલની દાવેદાર ગણાવી છે. તેણે તો એમ પણ કહ્યું કે પોતાનો બીજો વર્લ્ડ કપ રમી રહેલી અફઘાનિસ્તાનની ટીમ પણ સ્પર્ધામાં શાનદાર ક્રિકેટ રમી શકે છે. લીએ કહ્યું ન્યૂઝીલેન્ડ છૂપી રુસ્તમ ટીમ બની રહેશે. અફઘાનિસ્તાનની બેટિંગ ભલે થોડી નબળી છે પણ તેની બોલિંગ જોરદાર છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ સાયમન્ડ્સના અભિપ્રાયે કેરેબિયન ટીમ ટાઈટલની પ્રબળ દાવેદાર છે. તેનું કહેવું છે કે ઈંગ્લેન્ડના મેદાન યૂનિવર્સલ બોસ ક્રિસ ગેઈલ જેવા મોટા શોટ રમનારા બેટસમેન્સ માટે અનુકૂળ છે. તાજેતરમાં વેસ્ટઈન્ડિઝની ટીમના આત્મવિશ્વાસમાં ઘણો વધારો થયો છે. ટીમે હાલના દિવસોમાં શાનદાર દેખાવ કર્યો છે. વળી ક્રિસ ગેઈલ પણ વિજય સાથે તેની કારકિર્દી પૂરી કરવા ઈચ્છશે. તેની બેટિંગ આ મેદાનો માટે અનુકૂળ છે તે છૂપો રુસ્તમ સાબિત થશે.

આ પણ વાંચોઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમે એ રેકોર્ડ બનાવ્યો જે કોઇપણ ટીમ તોડવા નહીં ઇચ્છે

ઓસ્ટ્રેલિયાના પૂર્વ પેસ બોલર ગ્લેન મેકગ્રાએ યજમાન ટીમ ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ જીતવા માટે ફેવરિટ ટીમ ગણાવી છે. તેનું કહેવું છે કે, વર્લ્ડ કપ જેવી મોટી ઈવેન્ટમાં તમે હંમેશા પ્રવર્તમાન ફોર્મને પર જ જોર આપી શકો. એ જોતા એવું કહી શકાય કે ઈંગ્લેન્ડે તેના ઓલ રાઉન્ડ દેખાવથી બધાને પ્રભાવિત કર્યા છે. તાજેતરમાં તેઓએ અનેક વખત મોટા સ્કોર કર્યા છે. તમામ ટીમો આજકાલ પહેલી 15 અને અંતિમ 15 ઓવરમાં વધુને વધુ રન બનાવવા ઈચ્છે છે અને વચ્ચેની ઓવરોમાં પોતાની ઈનિંગ્સને મજબૂતી આપવાનો પ્રયાસ કરે છે. તેણે કહ્યું કે, ઈંગ્લેન્ડ અને ભારત એવી ટીમો છે જે સમગ્ર 50 ઓવર હાર્ડ હિટિંગમાં વિશ્વાસ ધરાવે છે. જોકે, આ ટી20 ક્રિકેટની ઈમ્પેક્ટ છે. તેના મતે ઈંગ્લેન્ડને તેની ભૂમિ પર હાર આપવી કોઈ પણ ટીમ માટે આસાન નહિ હોય. તેણે ભારત અને ઈંગ્લેન્ડને વર્લ્ડ કપના પાસ્ટ પરફોર્મન્સના આધારે પ્રબળ દાવેદાર ગણાવ્યા છે. તે કહે છે કે, ભારત અને ઈંગ્લેન્ડ હંમેશા મારા માટે બેસ્ટ કંટેન્ડર રહ્યા છે, ઓસ્ટ્રેલિયા સારૂં કરી શકે છે, દક્ષિણ આફ્રિકા સારી ટીમ છે. વેસ્ટઈન્ડિઝ આ ટૂર્નામેન્ટમાં ડાર્ક હોર્સ સાબિત થઈ શકે છે. સમગ્રતઃ આ મહાનુભવોના અભિપ્રાય જોતા એવું તો કહી શકાય કે ભારતીય ટીમ સ્પર્ધામાં દરેક પ્રતિસ્પર્ધી ટીમ માટે પડકારરૂપ બની રહેશે. ખેર, સ્પર્ધાની શરૂઆત ભલે નિરસ થઈ હોય પણ આગામી દિવસોમાં તે ખૂબજ રોમાંચક બનશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK