World Cup 2019: મહારાષ્ટ્ર-ગુજરાતના ખેલાડીઓનું વર્લ્ડકપમાં મોટું યોગદાન છે

નરેન્દ્ર આઈ. પંચોલી - સ્ટ્રેટ ડ્રાઈવ | રાજકોટ | Jun 09, 2019, 13:09 IST

હાલમાં આંકડાઓ જોતા જાણી શકાય કે દેશમાં ક્રિકેટની ભૂમિ મનાતા મહારાષ્ટ્ર ખાસ કરીને મુંબઈ બાદ સૌથી મોટું યોગદાન ગુજરાતનું થવા જાય છે, ખાસ કરીને વર્લ્ડ કપની વાત કરીએ તો સ્પર્ધામાં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓમાંના 13 ટકા ખેલાડીઓ ગુજરાતના છે

World Cup 2019: મહારાષ્ટ્ર-ગુજરાતના ખેલાડીઓનું વર્લ્ડકપમાં મોટું યોગદાન છે

12મા વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને છ વિકેટ હરાવવા સાથે ધમાકેદાર શરૂઆત કરી છે. ટીમના વિજય પર નજર નાખીએ તો પ્લેઈંગ ઈલેવનમાં બે ગુજ્જુ હતા, એમાં પેસ બોલર જસપ્રિત બુમરાહે તો ટીમના આસાન વિજયનો માર્ગ કંડાર્યો જ્યારે હાર્દિકને ભલે આ મેચમાં ખાસ તક ન મળી પણ વર્લ્ડ કપ જેવી મોટી સ્પર્ધામાં તે પણ તેની શક્તિનો પરચો આપશે એવી આશા છે. રવીન્દ્ર જાડેજા ભલે પહેલી મેચમાં બેન્ચ પર બેઠો હોય પણ તેને પણ ગમે ત્યારે પ્લેઈંગ ઈલેવનમાં તક મળી શકે છે. એક સમયે દેશમાં ક્રિકેટનું નામ પડે એટલે ભારતીય ટીમમાં અડધા ખેલાડીઓ તો મુંબઈના હોય કાં તો એકાદ બે ખેલાડી મહારાષ્ટ્રના હોય. બાકી અડધામાં અન્ય રાજ્યના ખેલાડીઓને તક મળતી, એમાંય ગુજરાતનું પ્રતિનિધિત્વ તો એક સમયે સાવ શૂન્ય સમાન હતું. હા, એ વાત જુદી છે કે સૌરાષ્ટ્ર અને વડોદરાના ખેલાડીઓએ વખતો વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમની શક્તિનો પરચો આપ્યો છે. જોકે, ભારતીય ટીમમાં આ ખેલાડીઓનો પણ ગુજરાતના ખેલાડીઓ તરીકે જ ગણવામાં આવે છે. દેશમાં ક્રિકેટના પ્રસાર સાથે રાજ્યમાં પણ રમતનો જોરદાર વિકાસ થયો. સૌરાષ્ટ્ર તો તેના ક્લાસિક ક્રિકેટ માટે જાણીતું હતું અને વડોદરાએ પણ દેશને અનેક ઈન્ટરનેશનલ ખેલાડી આપ્યા હતા પણ ગુજરાતનો ફાળો તો હજુ પણ અત્યંત મર્યાદિત જ માની શકાય. પાર્થિવ પટેલ બાદ હવે પેસ બોલર જસપ્રિત બુમરાહ છેલ્લાં દાયકાઓમાં ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવી શક્યો છે. એમાંય જસપ્રિત તો હાલમાં આઈસીસી રેન્કિંગમાં પણ સન્માનનીય સ્થાન ધરાવે છે ત્યારે ગુજરાત માટે ગર્વની વાત કહી શકાય કે 2019ના વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી ભારતીય ટીમમાં ત્રણ ગુજ્જુ ખેલાડીઓ ઉપસ્થિત છે.

એમ તો ભારતીય ક્રિકેટમાં મહારાષ્ટ્રનો દબદબો હંમેશા રહ્યો છે. આ રાજ્યએ ગ્રેટ સુનિલ ગાવસ્કર અને સચિન તેંડૂલકર સહિતના અનેક સ્ટાર ખેલાડીઓ દેશને આપ્યા છે. એક સમેય તો ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રના છ ખેલાડીઓ રહેતા હતા. અત્યાર સુધી થયેલા વર્લ્ડ કપમાં સૌથી વધુ મહારાષ્ટ્રના (21.7 ટકા) જ્યારે સૌથી ઓછા આંધ્ર પ્રદેશના (4.17 ટકા) રહ્યા છે. આ ઉપરાંત છ મોટા રાજ્યોની વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી (13 ટકા), કર્ણાટક (10.9 ટકા), પંજાબ (10.9 ટકા), તામિલનાડુ (9.8 ટકા), ઉત્તર પ્રદેશ (8.7 ટકા) અને દિલ્હી (6.5 ટકા) જેટલા ક્રિકેટર્સ સામેલ રહ્યા છે. બાકી અન્ય રાજ્યોને લઈને જોવામાં આવે તો 14.1 ટકા ખેલાડી ટીમ ઈન્ડિયાનો હિસ્સો રહ્યા છે. આ આંકડો એમ તો 92 ખેલાડીઓનો 2019ના વર્લ્ડ કપ પહેલાં સુધીનો છે. એમાં રોબિન સિંહને સામેલ કરાયો નથી કેમકે તેનો જન્મ ટ્રિનિદાદ અને ટોબેગોમાં થયો હતો. આ 93 ખેલાડીમાંથી દર એક પંચમાંશ ક્રિકેટર મહારાષ્ટ્ર સાથે સબંધ રાખતો હતો કે જેઓએ 1975થી શરૂ થયેલા વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ છે. અત્યાર સુધી યોજાયેલા વર્લ્ડમાં દર વખત ટીમ ઈન્ડિયામાં મહારાષ્ટ્રના ખેલાડી રહ્યા છે. એક પણ એવો વર્લ્ડ કપ નથી થયો કે જેમાં મહારાષ્ટ્રના ખેલાડી ટીમમાં ન હોય. મહારાષ્ટ્ર બાદ ગુજરાત, કર્ણાટક અને પંજાબનો નંબર આવે છે. એમ તો એક સમયે મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ ખેલાડી કર્ણાટકના હતા. કર્ણાટકે ટીમ ઈન્ડિયાને અનેક દિગ્ગજ ખેલાડીઓ આપ્યા છે. એમાં મહાન બેટસમેન ગુંડપ્પા વિશ્વનાથ. અનિલ કુંબલે અને જવાગલ શ્રીનાથનો સમાવેશ થાય છે.

sunil gavskar sachin tendulkar

2003ના વર્લ્ડ કપ સુધી ભારતીય ટીમમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકનું વર્ચસ્વ હતું. એ પછી દિલ્હી, ગુજરાત અને યૂપીના ખેલાડી છવાઈ ગયા. ભારતે 1983 બાદ 2011માં બીજી વખત વર્લ્ડ કપ જીત્યો હતો. એમ.એસ ધોનીના નેતૃત્વ હેઠળની વર્લ્ડ કપ ટીમમાં 4 દિલ્હીના ખેલાડી હતી. એ પછી મહારાષ્ટ્ર, ગુજરાત, યૂપી અને પંજાબના બે-બે ખેલાડી હતા. 2019ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમે તેના મુકાબલા રમવાના શરૂ કરી દીધા છે ત્યારે આ 15 સભ્યોની ટીમમાં યૂપી અને ગુજરાતમાં જન્મેલા ખેલાડીઓનું વર્ચસ્વ છે. પેસ બોલર જસપ્રિત બુમરાહ ગુજરાત (અમદાવાદ)નો છે. એ ઉપરાંત ગુજરાતના બે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (વડોદરા) અને રવીન્દ્ર જાડેજા (સૌરાષ્ટ્ર)નો પણ સમાવેશ થાય છે. વર્તમાન વર્લ્ડ કપની ટીમમાં અન્ય બે પેસર ભૂવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને ચાઈનામેન કુલદીપ યાદવ યુપીના છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ત્રણ ક્રિકેટ એસોસિએશન છે પણ જ્યારે ટીમ ઈન્ડિયાની વાત આવે તો આ તમામનો ગુજરાતના ખેલાડી તરીકે જ ઉલ્લેખ કરાતો રહ્યો છે.

team india

ક્રિકેટનો ફિવર દેશભરમાં છવાયેલો છે ત્યારે વાચકોને તેમના રાજ્યનું પણ આ સ્પર્ધા થકી ગૌરવ વધે એવી અપેક્ષા હોય એ સ્વભાવિક છે. તાજેતરમાં ક્રિકેટ દેશમાં સૌથી લોકપ્રિય રમત છે. ક્રિકેટના ચાહકો અને તેને ફોલો કરનારાની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે એવામાં દેશના દરેક રાજ્યના ખેલાડીઓ રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવા જોર લગાવે એ સ્વભાવિક છે. એક સમયે તો આવી તક આસાનીથી મળી શકતી નહતી કેમકે મુંબઈ, દિલ્હી કે અન્ય મોટા શહેરો સિવાય કોઈ જગ્યાએ ક્રિકેટની આધુનિક માળખાકીય સુવિધા જ નહતી. હવે ક્રિકેટનો વિકાસ અત્યંત વ્યવસાયિક ઢભે થવાને લીધે તે દેશના ખૂણે ખૂણે તે પ્રસરી ગઈ છે. તેમ છતાં દેશના એવા અનેક ભાગો છે કે જેના ખેલાડીઓ હજુ પણ ટીમ ઈન્ડિયામાં પ્રવેશ માટે ઝઝૂમતા જોવા મળે છે. તેમના માટે તો વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરવું એક સ્વપ્ન સમાન છે. પણ આવા રાજ્યોએ ગુજરાત અને યુપી તરફ નજર નાખવી જોઈએ કે જ્યાંથી એક સમયે રાષ્ટ્રીય ટીમમાં પ્રતિનિધિત્વ સાવ નહિવત હતું પણ એ પછી જે-તે રાજ્યોમાં ક્રિકેટની સ્થિતિ ભલે ગમે એ હોય પણ ત્યાંના ખેલાડીઓએ તેમની વ્યક્તિગત ક્ષમતાના જોરે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવ્યું અને રાજ્યનું નામ રોશન કર્યું છે. અત્યાર સુધીનો આ 12મો વર્લ્ડ કપ છે જેમાં ટીમ ઈન્ડિયામાં સૌથી ઓછું પ્રતિનિધિત્વ ઓરિસ્સા, કેરળ અને પશ્ચિમ બંગાળનું રહ્યું છે. પશ્ચિમ બંગાળમાંથી એક માત્ર સૌરવ ગાંગુલી છે, જેણે 1999, 2003 અને 2007ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. આશા રાખવી રહી કે હાલમાં ભલે દેશના સાત રાજ્યોનો વર્લ્ડ કપ માટેની ટીમમાં દબદબો હોય પણ ધીરે ધીરે આ સ્થિતિ બદલાય અને દરેક રાજ્યના ખેલાડી ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરવા સક્ષમ બને એ સમયે ટીમ ઈન્ડિયામાં જે સ્પર્ધા થશે તેની કલ્પના થાય એમ નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK