બાપ તો છે ઈન્ડિયા જ: વર્લ્ડ કપ 2019માં ભારતે પાકિસ્તાનને 89 રનથી હરાવ્યુ

Published: Jun 17, 2019, 07:18 IST | મૅન્ચેસ્ટર

હાઈ-વૉલ્ટેજ મૅચમાં રોહિત શર્માના શાનદાર ૧૪૦ રન પછી કુલદીપ-હાર્દિકે ખરા સમયે ૧૨ રનના અંતરમાં ૪ વિકેટ લઈને પાકિસ્તાનને બૅકફુટ પર લાવી દીધું, વરસાદે રંગમાં ભંગમાં પાડતાં ભારતને ડકવર્થ-લુઈસ-સ્ટર્ન મૅથડ પ્રમાણે ૮૯ રનથી મળી જીત

રો-હિત શો : ૧૧૩ બૉલમાં ૧૪ ફોર અને ૩ સિક્સરની મદદથી ૧૪૦ રન બનાવનાર રોહિત શર્માને શાબાશી આપતો ભારતીય કૅપ્ટન વિરાટ કોહલી.
રો-હિત શો : ૧૧૩ બૉલમાં ૧૪ ફોર અને ૩ સિક્સરની મદદથી ૧૪૦ રન બનાવનાર રોહિત શર્માને શાબાશી આપતો ભારતીય કૅપ્ટન વિરાટ કોહલી.

વર્લ્ડ કપમાં ગઈ કાલે ફાધર્સ ડેના દિવસે રમાયેલી ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈ-વૉલ્ટેજ કહેવાતી મૅચમાં અંતે હાઈ-વૉલ્ટેજ જેવું તો કાંઈ રહ્યું નહોતું, કારણ કે ટીમ ઇન્ડિયા સામે પાકિસ્તાન બધા જ ડિપાર્ટમેન્ટમાં વામણું પુરવાર થયું હતું.

વિશ્વ કપમાં જીતનો મોકો તો પાકિસ્તાને ખોયો જ હતો, પરંતુ ખરેખર ક્રિકેટમાં બાપ કોણ છે એ પણ જગત સામે પુરવાર થઈ ગયું. મૅન્ચેસ્ટરમાં રમાયેલી મૅચમાં પાકિસ્તાનની બૅટિંગ વખતે ૩૫મી ઓવર પૂરી થઈ ત્યારે વરસાદ આવ્યો હતો અને મૅચ અટકાવવી પડી હતી, જે ફરીથી શરૂ થઈ ત્યારે પાકિસ્તાનને ડકવર્થ-લુઇસ મેથડ પ્રમાણે પાંચ ઓવરમાં ૧૩૬ રનનો અશક્ય ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.

kuldeep

અંતે વરસાદ પછીની પાંચ ઓવરની ઔપચારિકતા પૂરી થઈ ત્યારે પાકિસ્તાન ૬ વિકેટે ૨૧૨ બનાવી શક્યું હતું અને ટીમ ઇન્ડિયાનો ૮૯ રને વિજય થયો હતો. અગાઉ ટૉસ જીતીને ભારતે પાંચ વિકેટે ૩૩૬ રન બનાવ્યા હતા. ભારતના જીતના ચાર હીરો હતા અને એમાં સૌથી મોટું યોગદાન ૧૧૩ બૉલમાં ૧૪૦ રન બનાવનાર રોહિત શર્માનું રહ્યું હતું. બોલિંગમાં વિજય શંકર, કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાએ કમાલ કરી હતી અને દરેકે બબ્બે વિકેટ લઈને પાકિસ્તાનને ઘૂંટણિયે પાડ્યું હતું.

hardik-virat

રોહિત શર્માના ૧૧૩ બૉલમાં ૧૪૦ રન પછી વિજય શંકર, કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાની બે-બે વિકેટની મદદથી ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને ડકવર્થ-લુઇસ-સ્ટર્ન મૅથડ પ્રમાણે ૮૯ રનથી પછાડીને વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે સતત સાતમી જીત મેળવી છે. ફખર ઝમાને હાઇએસ્ટ ૬૨ રન બનાવ્યા હતા. ભારતના ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૩૩૬ રન સામે પાકિસ્તાન ૪૦ ઓવરમાં ૬ વિકેટે ફક્ત ૨૧૨ રન બનાવી શક્યું હતું.

સ્ટ્રૉન્ગ સ્ટાર્ટ - ટૉસ જીતીને પાકિસ્તાનના કૅપ્ટન સરફરાઝ એહમદે પહેલા ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ક્યારેય ન હારેલા ભારતના ઓપનરોએ ધીમી પણ મક્કમ શરૂઆત કરી હતી. ઓપનરોનો પ્લાન ઇન-ફૉર્મ મોહમ્મદ આમિર સામે વિકેટ ન ગુમાવવાનો હતો એથી આમિરને ૪ ઓવરમાં એક મેઇડન સાથે ૮ રન આપીને એકેય વિકેટ ન મળી હતી. રોહિત શર્માએ હિટિંગ કરવાની શરૂઆત કરી હતી. તેણે ફિફ્ટી ફક્ત ૩૪ બૉલમાં પૂરી કરી લીધી હતી. શિખર ધવનના સ્થાને ઓપનિંગ કરવા આવેલા લોકેશ રાહુલે ધીમી શરૂઆત કરી હતી. બન્ને ઓપનરોએ ૨૩.૫ ઓવરમાં ૧૩૬ રનની શાનદાર પાર્ટનરશિપ કરી હતી. રોહિતે ૧૧૩ બૉલમાં ૧૩ ફોર અને ૩ સિક્સરની મદદથી ૧૪૦ અને રાહુલે ૭૮ બૉલમાં ૫૭ રન બનાવ્યા હતા.

ત્યાર બાદ વિરાટ કોહલીએ ૬૫ બૉલમાં ૭૭, હાર્દિક પંડ્યાએ ૧૯ બૉલમાં ૨૬, મહેન્દ્ર સિંહ ધોની એક રન બનાવીને આઉટ થયા હતા. ૪૬.૫ ઓવર વખતે વરસાદ આવતાં રમત થોડી મિનિટો માટે રોકવી પડી હતી. વિજય શંકર ૧૫ અને કેદાર જાધવ ૯ રન બનાવીને નૉટઆઉટ રહ્યા હતા. ભારતે ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૩૩૬ રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : Ind VS Pak: ઘોડા પર બેસીને મેચ જોવા પહોંચ્યો પાક.નો ફૅન

પાકિસ્તાનના સ્ટ્રાઇક બોલર મોહમ્મદ આમિરે પહેલી ૪ ઓવરમાં ૮ રન આપ્યા પછી બાકીની ૬ ઓવરમાં ૩૮ રન આપી દીધા હતા. આમ કુલ તેણે ૪૬ રન આપ્યા હતા. તેણે વિરાટ, હાર્દિક અને ધોનીની પ્રાઇઝ વિકેટો લીધી હતી. હસન અલીએ ૯ ઓવરમાં ૮૪ રન લૂંટાવ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK