World Cup 2019: આજે ડિફેન્ડિંગ ચૅમ્પિયન સામે વિરાટસેનાની કસોટી

Published: Jun 09, 2019, 11:28 IST | કેનિંગ્ટન ઓવલ

ઓવલની બાઉન્સી પિચ અને હવામાનને ધ્યાનમાં રાખીને મોહમ્મદ શમીને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળે એવી પાકી સંભાવના, કોહલી ઍન્ડ કંપનીએ કાંગારૂઓને કાબૂમાં રાખવા તેમના ટૉપ-ઑર્ડરને વહેલો આઉટ કરવો પડશે

ઈન્ડિયા-ઑસ્ટ્રેલિયા
ઈન્ડિયા-ઑસ્ટ્રેલિયા

વર્લ્ડ કપ ટાઇટલની ભૂખ સંતોષવા માટે ભારતીય ક્રિકેટ ટીમની ઐતિહાસિક કેનિંગ્ટન ઓવલ ગ્રાઉન્ડમાં સશક્ત ઑસ્ટ્રેલિયા સામે આજે ખરી કસોટી થશે. ભારતના કૅપ્ટન વિરાટ કોહલી અને હેડ કોચ રવિ શાસ્ત્રીએ વર્લ્ડ કપની સૌથી સફળ ટીમને હરાવવા માટે કડક રણનીતિ બનાવવી પડશે. ભારતે હતાશ સાઉથ આફ્રિકાને ૬ વિકેટથી હરાવ્યું હતું, જ્યારે ઑસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને ૭ વિકેટથી અને વેસ્ટ ઇન્ડીઝને ૧૫ રનથી હરાવ્યું હતું. ગયા વર્ષે માર્ચમાં

બૉલ-ટેમ્પરિંગ સ્કેમને કારણે સ્ટીવન સ્મિથ અને ડેવિડ વૉર્નરને એક વર્ષ માટે સસ્પેન્ડ કરાતાં કાંગારૂ ક્રિકેટ ભયંકર સંકટમાં મુકાયું હતું છતાં છેલ્લા ૩ મહિનાથી સુધારો આવતાં તેમના દરેક ખેલાડી ફૉર્મમાં પાછા ફર્યા છે અને તેઓ પોતાની પ્રતિષ્ઠાને છાજે એમ પાંચ વખતના વર્લ્ડ ચૅમ્પિયનની જેમ પર્ફોર્મ કરી રહ્યા છે.

બન્ને ટીમ વચ્ચે માર્ચમાં રમાયેલી વન-ડે સિરીઝમાં ઑસ્ટ્રેલિયન બૅટ્સમેનોએ ભારતની સ્પિન જોડી કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ સામે ફ્લૅટ પિચો પર ભરપૂર રન બનાવ્યા હતા. ઍરોન ફિન્ચ અને ઉસ્માન ખ્વાજાએ કેદાર જાધવની સાઇડ-આર્મ ઑફ-સ્પિન સમજી ચૂક્યા છે એથી કૅપ્ટન અને કોચ બીજા વિકલ્પો પર વિચાર કરશે. ઓવલની બાઉન્સી પિચ અને ઓવરકાસ્ટ પરિસ્થિતિનો લાભ ઉઠાવવા મોહમ્મદ શમીને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવી શકે. શમીને ટીમમાં લેવા માટે કુલદીપ અથવા ચહલે બહાર બેસવું પડશે. દ્વિપક્ષીય સિરીઝમાં ચહલે કાંગારૂઓ સામે ફક્ત એક મૅચ રમી હતી જેમાં તેણે વિકેટ લીધા વિના ૮૦ રન લૂંટાવ્યા હતા.

આઇસીસી ટુર્નામેન્ટના નિયમિત સ્ટાર શિખર ધવનનું બૅટ અત્યારસુધી ખામોશ રહ્યું છે. બે વાર્મ-અપ મૅચ અને પહેલી મૅચમાં શિખરને લેન્ગ્થ બૉલ સામે સમસ્યા થઈ રહી છે. ભારતની ઓપનિંગ જોડીએ સારી શરૂઆત આપી તો પછીના બૅટ્સમેનો માટે રન બનાવવા આસાન રહેશે.

ભારતની સંભવિત ઇલેવન : રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કૅપ્ટન), લોકેશ રાહુલ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી.

આ પણ વાંચો : World Cup 2019: ઇંગ્લૅન્ડની 106 રનથી જીત, બાંગ્લાદેશ 280 રને ઑલઆઉટ

ઑસ્ટ્રેલિયાની સંભવિત ઇલેવન : ડેવિડ વૉર્નર, ઍરોન ફિન્ચ (કૅપ્ટન), ઉસ્માન ખ્વાજા, સ્ટીવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, ઍલેક્સ કૅરી (વિકેટકીપર), નૅથન કોલ્ટર-નાઇલ, પૅટ કમિન્સ, મિચલ સ્ટાર્ક અને ઍડમ ઝેમ્પા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK