World Cup 2019: ઑસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 41 રનથી હરાવીને મેળવી જીત

ટૉન્ટન | Jun 13, 2019, 10:54 IST

વૉર્નરે વગાડ્યું પાકિસ્તાનનું બેન્ડ, ઑસ્ટ્રેલિયા ૩૦૭ અને પાકિસ્તાન ૨૬૬ રને ઑલઆઉટ

World Cup 2019: ઑસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 41 રનથી હરાવીને મેળવી જીત
શાનદાર સેન્ચુરી : ૧૧૧ બૉલમાં ૧૦૭ રન બનાવનાર ડેવિડ વૉર્નર

પાકિસ્તાનના કૅપ્ટન સરફરાઝ એહમદ અને વહાબ રિયાઝની વળતી લડત છતાં ઑસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને ટૉન્ટનના ધ કૂપર અસોસિએટ્સ કાઉન્ટી ગ્રાઉન્ડમાં ૪૧ રનથી હરાવીને આ વર્લ્ડ કપમાં ત્રીજી જીત મેળવી હતી. ઑસ્ટ્રેલિયા ૪૯ ઓવરમાં ૩૦૭ રનમાં ઑલઆઉટ થયા પછી પાકિસ્તાનને ૪૫.૪ ઓવરમાં ૨૬૬ રને ઑલઆઉટ કર્યું હતું. આ ઑસ્ટ્રેલિયાની પાકિસ્તાન સામે વન-ડેમાં સતત નવમી જીત હતી. ૩૦૮ રનના ટાર્ગેટ સામે પાકિસ્તાનના બૅટ્સમેનો ઇમામ-ઉલ-હકે ૫૩, મોહમ્મદ હફીઝે ૪૬, વહાબ રિયાઝે ૪૫ અને સરફરાઝ એહમદે ૪૦ રન બનાવ્યા હતા. પૅટ કમિન્સે હાઇએસ્ટ ૩ વિકેટ લીધી હતી. ૧૧૧ બૉલમાં ૧૦૭ રન બનાવનાર વૉર્નરને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો.

ટૉસ જીતીને પાકિસ્તાનના કૅપ્ટન સરફરાઝ અહમદે પહેલા ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મોહમ્મદ આમિરે પોતાની પહેલી બે ઓવર નાખવા છતાં ઑસ્ટ્રેલિયન ઓપનરોએ ટીમને આક્રમક શરૂઆત આપી હતી. ડેવિડ વૉર્નર અને ઍરોન ફિન્ચે આમિર સિવાય બીજા પાંચેય બોલરોની  બોલિંગમાં હિટિંગ કરીને ઇકૉનૉમી-રેટ બગાડ્યો હતો. તેમણે ૨૨ ઓવરમાં ૧૪૬ રનની પાર્ટનરશિપ કરી હતી. આખરે આમિરે ફિન્ચને આઉટ કરીને ટીમને રાહત આપી હતી. કૅપ્ટન ફિન્ચે ૮૪ બૉલમાં ૬ ફોર અને ૪ સિક્સરની મદદથી ૮૨ રન બનાવ્યા હતા. ફિન્ચની વિદાય પછી વૉર્નરે ફટકાબાજી ચાલુ રાખીને સાડાછનો રન-રેટને જાળવી રાખ્યો હતો.

ગ્લેન મૅક્સવેલ ૨૨૩ અને વૉર્નર ૨૪૨ના ટીમ ટોટલે આઉટ થયા હતા. આઇપીએલમાં ૬૯૨ રન બનાવીને ઑરેન્જ કૅપ જીતનાર ડેવિડ વૉર્નરે ૧૧૧ બૉલમાં ૧૧ ફોર અને ૧ સિક્સરની મદદથી શાનદાર ૧૦૭ રન ફટકાર્યા હતા. અહીંથી કાંગારૂઓની વિકેટોનું પતન એવું શરૂ થયું કે સમગ્ર ટીમ ૪૯ ઓવરમાં ૩૦૭ રને ઑલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે બન્ને ઓપનરો ક્રીઝ પર હતા ત્યારે લાગતું હતું કે ૩૭૦-૩૮૦ રન બનશે. મોહમ્મદ આમિરે ૧૦ ઓવરમાં ૩૦ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. ૧૯ વર્ષના શાહીન આફ્રિદીએ ૧૦ ઓવરમાં ૭૦ અને મોહમ્મદ હફીઝે ૭ ઓવરમાં ૬૦ રન આપીને સૌથી ખર્ચાળ સાબિત થયા હતા.

પાકિસ્તાનની આગામી મૅચ રવિવારે ભારત સામે છે.

વર્લ્ડ કપમાં પાકિસ્તાન વતી પાંચ વિકેટ લેનારા બોલરો

શાહિદ આફ્રિદી - બે વખત વસિમ અકરમ, સકલેન મુશ્તાક, અબ્દુલ કાદિર, વહાબ રિયાઝ, સોહેલ ખાન અને મોહમ્મદ આમિર - એક વખત.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK