IPL 2020: શું આ વર્ષે આઇપીએલમાં હૈદરાબાદનો સન રાઇઝ થશે?

Updated: Sep 17, 2020, 11:02 IST | IANS | New Delhi

આ ટીમમાં અનુભવી અને યુવા પ્લેયર્સનો સારોએવો સમન્વય છે અને કૅપ્ટન વાૅર્નરની સાથે કેટલાક પ્લેયર્સ એકલાહાથે મૅચ જિતાડવાની ક્ષમતા ધરાવે છે

ડેવિડ વૉર્નર
ડેવિડ વૉર્નર

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધી કુલ ૬ ટીમ આઇપીએલનું ટાઇટલ જીતી ચૂકી છે જેમાંની એક સનરાઇઝર્સ હૈદરાબાદ પણ છે. ૨૦૧૬માં આ ટીમે આઇપીએલનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ૨૦૧૭માં તેઓ ચોથા સ્થાને અને ૨૦૧૮માં રનર-અપ રહી હતી. ૨૦૧૯માં ફરી તેઓ ચોથા ક્રમે આવતા હતા.
ઑસ્ટ્રેલિયાના ધુઆંધાર ઓપનર ડેવિડ વૉર્નરના નેતૃત્વમાં ટીમને ઘણા અનુભવી પ્લેયરનો સાથ મળી શકે છે. વૉર્નર અને બેરસ્ટોની જોડી આઇપીએલમાં એક સારો સ્કોર ઊભો કરવાની ક્ષમતા ધરાવે છે. વૉર્નરે અત્યાર સુધી ૧૨ આઇપીએલ મૅચમાં ૬૯૨ રન જ્યારે બેરસ્ટોએ ૧૦ આઇપીએલમાં ૪૪૫ રન બનાવ્યા છે. આ બન્ને પ્લેયરોએ સાથે મળીને સરેરાશ ૭૫ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી છે. જોવા જઈએ તો આ પ્લેયર આઉટ થયા બાદ ટીમને ન્યુ ઝીલૅન્ડના અનુભવી કેન વિલિયમસનનો સાથ મળી રહેશે. લોઅર ઑર્ડરમાં મોહમ્મદ નબી બોલિંગ ઉપરાંત બૅટિંગ દ્વારા ટીમના સ્કોરમાં ઉમેરો કરવાની ક્ષમતા ધરાવે છે. સનરાઇઝર્સ હૈદરાબાદમાં અન્ડર-૧૯ ઇન્ડિયન ક્રિકેટ ટીમનો કપ્તાન પ્રિયમ ગર્ગ પોતાની ટૅલન્ટ બતાવી શકે છે જ્યારે વૃદ્ધિમાન સહા પોતાના અનુભવનો ફાયદો ટીમને અપાવી શકે છે.
ચોથા નંબરે બૅટિંગ કરવા માટે મનીષ પાંડે સારો વિકલ્પ છે જ્યારે વિજય શંકર, ફેબિયન એલન, અબ્દુલ સમદ અને નબી ત્યાર બાદના ક્રમ માટે યોગ્ય રહી શકે છે.
ટીમના બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ભુવનેશ્વર કુમાર અને રાશિદ ખાન પર વધારે જવાબદારી રહી શકે છે. ઇન્જરીમાંથી આ પ્લેયર બેઠા થયા છે એટલે ફ્રેશ એનર્જી સાથે તેઓ રમી શકે છે. ભુવનેશ્વરે ૧૧૭ મૅચમાં ૧૩૩ વિકેટ પોતાના નામે કરી છે. એવામાં આ વર્ષે તેમનું પ્રદર્શન કયા પ્લેયર દ્વારા સોળે કળાએ ખીલી ઊઠે છે એ જોવા જેવું રહેશે.
પ્લસ પૉઇન્ટ
સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમમાં ઘણા એવા પ્લેયર છે જેઓ એકલા હાથે મૅચ જિતાડવાની ક્ષમતા રાખે છે. ડેવિડ વૉર્નર અને જૉની બેરસ્ટો વિરોધી ટીમના બોલરોને હેરાન કરવાની ક્ષમતા રાખે છે જ્યારે ભુવનેશ્વર કુમાર અને રાશિદ ખાન વિરોધી ટીમને મુશ્કેલીમાં મૂકી શકે છે. ટીમનો બોલિંગ ડિપાર્ટમેન્ટ ઘણો પ્રબળ છે જેમાં મોહમ્મદ નબી ઉપરાંત બિલી સ્ટેનલેક અને ખલીલ અહેમદ પોતાનું યોગદાન આપી શકે છે.
માઇનસ પૉઇન્ટ
સનરાઇઝર્સ હૈદરાબાદના ટૉપ ઑર્ડર બૅટ્સમૅન, ખાસ કરીને ચાર નંબર સુધી જો સારો પર્ફોર્મન્સ ન આપી શકે તો ડેથ ઓવરમાં તેમને માટે ટકી રહેવું અઘરું થઈ પડશે. અત્યાર સુધી ટીમની નંબર પાંચ અને છ પોઝિશન ઘણી નબળી સાબિત થઈ છે. જોકે જૉની બેરસ્ટો અથવા મોહમ્મદ નબીમાંથી ટીમ કોઈ એકને ડ્રૉપ કરીને આગળ વધી શકે છે. જો એવું ન થાય તો અબ્દુલ સમદ અને વિજય શંકરમાંથી કોઈ એકનો વિકલ્પ પસંદ કરવો પડી શકે છે. એવામાં ટીમ કયા પ્લેયર સાથે રમવા મેદાનમાં ઊતરે છે એ જોવા જેવું રહેશે.

સનરાઇઝર્સ હૈદરાબાદની સ્ક્વૉડ
ડેવિડ વૉર્નર (કૅપ્ટન), અભિષેક શર્મા, બેસિલ થમ્પી, ભુવનેશ્વર કુમાર, બિલી સ્ટેનલેક, કેન વિલિયમસન, મનીષ પાંડે, મોહમ્મદ નબી, રાશિદ ખાન, સંદીપ શર્મા, શાહબાઝ નદીમ, વૃદ્ધિમાન સહા (વિકેટકીપર), જૉની બેરસ્ટો (વિકેટકીપર), શ્રીવત્સ ગોસ્વામી (વિકેટકીપર), સિદ્ધાર્થ કૌલ, ખલીલ અહેમદ, ટી. નટરાજન, વિજય શંકર, અબ્દુલ સમદ, ફેબિયન એલન, મિશેલ માર્શ, પ્રિયમ ગર્ગ, સંદીપ બાવનકા, સંજય યાદવ, વિરાટ સિંહ.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK