ટ્રિનિદાદને અઢી કરોડ રૂપિયા મળશે, પણ એને ત્રણ મોટા પ્લેયરોની ખોટ ઘણી વર્તાશે

Published: 15th September, 2012 10:08 IST

ચૅમ્પિયન્સ લીગ માટે વિદેશી પ્લેયરોએ હોમ ટીમને બદલે આઇપીએલની ટીમ પસંદ કરી
બ્રાવોએ ચેન્નઈ, પોલાર્ડે મુંબઈ અને નારાયણે કલકત્તાની ટીમ વતી રમવાનું નક્કી કર્યું એટલે આ ત્રણ ફ્રૅન્ચાઇઝીઓ કૅરિબિયન ટીમને ૮૫-૮૫ લાખ રૂપિયા ચૂકવશે.

આવતા મહિને સાઉથ આફ્રિકામાં યોજાનારી ચૅમ્પિયન્સ લીગ T20 ટુર્નામેન્ટમાં રમનારા તમામ નવ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ પોતાના દેશની ટીમને બદલે આઇપીએલની ટીમ વતી રમવાનું પસંદ કર્યું છે અને એમાં સૌથી મોટો ફટકો વેસ્ટ ઇન્ડીઝની ટોચની T20 ટીમ ટ્રિનિદાદ ઍન્ડ ટોબેગોને પડ્યો છે. આ ટીમના ઑલરાઉન્ડર ડ્વેઇન બ્રાવોએ ચેન્નઈ સુપર કિંગ્સ વતી, બીજા ઑલરાઉન્ડર કીરૉન પોલાર્ડે મુંબઈ ઇન્ડિયન્સ વતી અને સ્પિનર સુનીલ નારાયણે કલકત્તા નાઇટ રાઇડર્સ વતી રમવાનું નક્કી કર્યું છે.

ટુર્નામેન્ટના નિયમ મુજબ જો કોઈ પ્લેયર હોમ ટીમને બદલે આઇપીએલની ટીમ વતી રમવાનું પસંદ કરે તો વળતર તરીકે આઇપીએલની ટીમે આ હોમ ટીમને ૧,૫૦,૦૦૦ ડૉલર (અંદાજે ૮૫ લાખ રૂપિયા) ચૂકવવા પડે. એ રીતે ટ્રિનિદાદ ઍન્ડ ટોબેગોને કુલ અઢી કરોડ રૂપિયા મળશે, પરંતુ એને ચૅમ્પિયન્સ લીગમાં બ્રાવો, પોલાર્ડ અને નારાયણની ખૂબ ખોટ વર્તાશે.

બીજા જે છ પ્લેયરોએ આઇપીએલની ટીમ પસંદ કરી છે એમાં ફૅફ ડુ પ્લેસી, ઍલ્બી મૉર્કલ અને માઇક હસી (ત્રણેય ચેન્નઈ સુપર કિંગ્સ), મિચલ જૉન્સન (મુંબઈ ઇન્ડિયન્સ), બ્રેટ લી (કલકત્તા નાઇટ રાઇડર્સ) અને મૉર્ની મૉર્કલ (દિલ્હી ડેરડેવિલ્સ)નો સમાવેશ છે.


સેહવાગે દિલ્હી ડેરડેવિલ્સની કૅપ્ટન્સી છોડી : જયવર્દને સુકાની

વીરેન્દર સેહવાગે દિલ્હી ડેરડેવિલ્સની કૅપ્ટન્સી છોડી દીધી છે અને ટીમના મૅનેજમેન્ટે આવતા મહિને સાઉથ આફ્રિકામાં રમાનારી ચૅમ્પિયન્સ લીગ માટે તેની જગ્યાએ માહેલા જયવર્દનેને સુકાન સોંપ્યું છે. સેહવાગે ૨૦૦૮માં આઇપીએલની શરૂઆતથી દિલ્હી ડેરડેવિલ્સનું સુકાન સંભાળ્યું હતું. એકમાત્ર ૨૦૧૦ના વર્ષની આઇપીએલમાં ગૌતમ ગંભીરને નેતૃત્વ સોંપવામાં આવ્યું હતું.

દિલ્હી ડેરડેવિલ્સના માલિકોને સેહવાગે જ થોડા મહિના પહેલાં કહ્યું હતું કે હું કોઈ પણ જવાબદારી વગર મુક્તપણે બૅટિંગ કરવા માગું છું એટલે તમે માહેલા જયવર્દનેને કૅપ્ટન બનાવી દો.

ચૅમ્પિયન્સ લીગ માટેની દિલ્હી ડેરડેવિલ્સની ટીમના બીજા પ્લેયરોમાં વરુણ ઍરોન, અજિત આગરકર, ઉન્મુક્ત ચંદ, મૉર્ની મૉર્કલ, નમન ઓઝા, ઇરફાન પઠાણ, કેવિન પીટરસન, આન્દ્રે રસેલ, વેણુપોગાલ રાવ, પવન નેગી, રૉસ ટેલર, ડેવિડ વૉર્નર અને ઉમેશ યાદવ છે.


આઇપીએલ = ઇન્ડિયન પ્રીમિયર લીગ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK