સચિનની ૧૦૦મી ઐતિહાસિક સેન્ચુરી અમારી સામે તો નહીં જ : સામી

Published: 10th November, 2011 20:11 IST

નવી દિલ્હી: ગઈ કાલે પૂરી થયેલી પ્રથમ ટેસ્ટમાં પોતાની ટીમ માટે જીતની જાગેલી આશા ફળીભૂત ન થઈ અને ભારત સિરીઝમાં ૧-૦થી આગળ થઈ ગયા બાદ વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન ડૅરેન સૅમીએ પત્રકારોને જણાવ્યું હતું કે ‘સચિન તેની ઐતિહાસિક ૧૦૦મી સદી પૂરી કરશે એનો મને અનેરો આનંદ થશે, પણ એ સેન્ચુરી અમારી ટીમ સામે ન થવી જોઈએ.

 

સચિન એક મહાન ખેલાડી છે અને હું આશા રાખું છું કે તે તેની ઐતિહાસિક સિદ્ધિ ઑસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે પૂરી કરે.’

સૅમીએ વધુમાં કહ્યું હતું કે ‘અમારી ટીમે જો જીતવું હશે તો સ્પિનરો સામે કેવી રીતે રમવું એ શીખવું પડશે. અમે ઘણાખરા એલબીડબ્લ્યુ થયા હતા કેમ કે અમે બૅટને બદલે પૅડનો ઉપયોગ વધુ કરતા હતા. અમે મૅચમાં જીત માટે તકો ઊભી કરી હતી પણ એનો ફાયદો ન ઉઠાવી શક્યા. વિશ્વાસ છે કે અમે અહીં પણ જીતી શકીએ એમ છીએ.’

ટીમની જીત, પણ સચિનપ્રેમીઓ નિરાશ

ગઈ કાલે ચોથા દિવસે ટીમ ઇન્ડિયાએ ૨૭૬ રનનો ટાર્ગેટ મેળવીને મહેમાન વેસ્ટ ઇન્ડીઝને પાંચ વિકેટે આસાનીથી હરાવીને મેળવી લીધો હતો, પણ સચિન તેના ટાર્ગેટ ૧૦૦મી સેન્ચુરીથી વંચિત રહી જતાં ક્રિકેટપ્રેમીઓમાં ખુશી અને નિરાશાની મિશ્ર લાગણી જોવા મળી હતી. આમ ટીમે ચોથા દિવસે જીત માટે જરૂરી ૧૨૪ રન બનાવી લીધા હતા પણ સચિન તેની મહાસદીથી ૨૪ રન દૂર રહી ગયો હતો.

ગઈ કાલે શરૂઆતમાં જ ડિપેન્ડેબલ રાહુલ દ્રવિડની વિકેટ ગુમાવી દેતાં ટીમ ઇન્ડિયાને જોરદાર ફટકો પડ્યો હતો, પણ ત્યાર બાદ સંકટમોચન વીવીએસ લક્ષ્મણ અને સચિને બાજી સંભાળી લીધી હતી. સચિને એક છેડેથી તેના લાક્ષણિક અંદાજમાં રમીને કરોડો ચાહકોમાં ૧૦૦મી સેન્ચુરીની આશા બંધાવી દીધી હતી. લક્ષ્મણ પણ તેને વધુ ને વધુ સ્ટ્રાઇક આપીને યોગ્ય સાથ આપી રહ્યો હતો, પણ અંગત ૭૬ના સ્કોર પર સ્પિનર દેવેન્દ્ર બિશુના એક બૉલમાં પુલ શૉટ મારવા જતાં મિસ થઈ ગયો હતો અને એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. સચિન આઉટ થતાં સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો હતો. ટીમ જીતથી હજી ૪૩ રન દૂર હતી. યુવરાજ જીત માટે એક રનની જરૂર હતી ત્યારે ૧૮ રન બનાવીને કૅપ્ટન ડૅરેન સૅમીના બૉલમાં બોલ્ડ થઈ ગયો હતો, પણ લક્ષ્મણે વિનિંગ રન ફટકારીને કોટલામાં વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ જીત અપાવીને સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી આપી હતી.

પહેલી ટેસ્ટ રમી રહેલા રવિચન્દ્રન અશ્વિનને પહેલી ઇનિંગ્સમાં ૮૧ રનમાં ત્રણ અને બીજી ઇનિંગ્સમાં ૪૭ રનમાં ૬ વિકેટ સાથે કુલ ૧૨૮ રન આપીને ૯ વિકેટના સુપરપફોર્ર્મન્સ બદલ મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.

સચિન સતત ત્રીજી વાર એલબીડબ્લ્યુ

ગઈ કાલે ઑસ્ટ્રેલિયાના અમ્પાયર રૉડ ટકરે બિશુના બૉલમાં સચિનને એલબીડબ્લ્યુ આઉટ આપતાં ક્રિકેટપ્રેમીઓને નિરાશા સાંપડી હતી. જોકે નવાઈની વાત એ છે કે સચિન સતત ત્રીજી વાર એલબીડબ્લ્યુ આઉટ થયો છે. ઑગસ્ટમાં ઇંગ્લૅન્ડમાં રમાયેલી ઓવલ ટેસ્ટમાં ટિમ બ્રેસ્નનના બૉલમાં, ત્યાર બાદ ગઈ કાલે પૂરી થયેલી દિલ્હી ટેસ્ટના પહેલા દાવમાં ફિડેલ એડવડ્ર્સના બૉલમાં અને કાલે બિશુના બૉલમાં. આમ સતત ત્રીજી વાર સચિન એલબીડબ્લ્યુનો ભોગ બન્યો હતો. સચિને માર્ચમાં નાગપુરમાં સાઉથ આફ્રિકા સામે ૪૮મી વન-ડે સેન્ચુરી ફટકારીને ઇન્ટરનૅશનલ સેન્ચુરીને ૯૯ના આંકડે લઈ ગયા બાદ ૧૦૦મી સદી માટે રાહ લંબાઈ રહી છે. આ દરમ્યાન સચિન ચાર વન-ડે અને પાંચ ટેસ્ટની ૧૦ ઇનિંગ્સ રમ્યો છે, પણ ઐતિહાસિક સિદ્ધિ હજી મેળવી નથી શક્યો.

૧૯૮૭ની હારનો બદલો લઈ લીધો

૨૫ નવેમ્બર ૧૯૮૭માં આ જ મેદાન પર ભારતે દિલીપ વેન્ગસરકરની કૅપ્ટનસીમાં વેસ્ટ ઇન્ડીઝને જીત માટે ૨૭૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો અને વેસ્ટ ઇન્ડીઝે એ પાંચ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. ગઈ કાલે પણ ભારતે એ જ ૨૭૬ના ટાર્ગેટને પાંચ વિકેટ ગુમાવીને મેળવીને હારનો બદલો લઈ લીધો હતો.

લીડ પછી પણ ૧૮મી જીત

પહેલી ઇનિંગ્સમાં હરીફ ટીમે લીડ લીધી હોય છતાં ભારતનો વિજય થયો હોય એવો આ ૧૮મો બનાવ હતો, જેમાં ઘરઆંગણે આ ૧૩મો અવસર હતો. છેલ્લે ૨૦૧૦માં મોહાલીમાં ઑસ્ટ્રેલિયા સામે આવું પરાક્રમ કર્યું હતું, જ્યારે ટીમ ઇન્ડિયાએ એક રોમાંચક મૅચમાં એક વિકેટ બાકી રાખીને ૨૧૬ રન ચેઝ કરીને જીત મેળવી હતી. ઉલ્લેખનીય છે કે એ સમયે પણ લક્ષ્મણ ગઈ કાલની જેમ અણનમ રહ્યો હતો.

થર્ડ બેસ્ટ ચેઝ

ટીમ ઇન્ડિયાએ ગઈ કાલે ટાર્ગેટ ચેઝ કરીને મેળવેલી જીત ત્રીજા નંબરની બેસ્ટ હતી. પહેલા નંબરે આવે છે ૧૯૭૬માં વેસ્ટ ઇન્ડીઝ સામે પોર્ટ ઑફ સ્પેનમાં ૪ વિકેટે ૪૦૬ બનાવીને મેળવેલી અને બીજા નંબરે ડિસેમ્બર ૨૦૦૮માં ચેન્નઈમાં ઇંગ્લૅન્ડ સામે ૪ વિકેટે ૩૮૭ રન બનાવીને મેળવેલી જીત છે.

સચિન ૧૦૦મી સેન્ચુરી ચૂકી ગયો, પણ આ સિદ્ધિ તો મેળવી લીધી

ચોથી ઇનિંગ્સમાં સૌથી વધુ રન સચિને ૧૨૧ ઇનિંગ્સમાં ૪૫ની ઍવરેજ સાથે ૧૩ સેન્ચુરી અને ૨૧ હાફ સેન્ચુરી સાથે  ૪૪૧૦ ફટકારીને ઑસ્ટ્રેલિયાના ઍલન બૉર્ડરનો ૪૩૭૧ રનનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો.

જીતમાં ચોથી ઇનિંગ્સમાં સૌથી વધુ રન

ગઈ કાલે ટીમે જીત દરમ્યાન ચોથી ઇનિંગ્સમાં સૌથી વધુ રન કરવાનો રેકૉર્ડ પણ પોતાના નામે કરી લીધો હતો. સચિને ૫૩ ઇનિંગ્સમાં ૩૯.૬૬ રનની ઍવરેજ અને ૩ સેન્ચુરી તથા ૭ હાફ સેન્ચુરી સાથે ૧૫૧૫ રન ફટકારીને રાહુલ દ્રવિડના (૫૪ ઇનિંગ્સમાં ૪૧.૮૬ રનની ઍવરેજ અને ૧ સેન્ચુરી તથા ૯ હાફ સેન્ચુરી સાથે ૧૫૦૭) રેકૉર્ડને પાછળ રાખી દીધો હતો.

સૌથી વધુ હાફ સેન્ચુરીનો ભારતીય રેકૉર્ડ

ગઈ કાલે (૧૪૮ બૉલમાં ૭૬) તેની ટેસ્ટ-કરીઅરની ૬૨મી હાફ સેન્ચુરી ફટકારીને સૌથી વધુ હાફ સેન્ચુરીનો ભારતીય રેકૉર્ડ તેના નામે કરી લીધો હતો. આ પહેલાં ૬૧ હાફ સેન્ચુરી સાથે સચિન અને દ્રવિડ સંયુક્ત રેકૉર્ડ ધરાવતા હતા. જોકે ઑસ્ટ્રેલિયાનો ઍલન બૉર્ડર ૬૩ હાફ સેન્ચુરી સાથે વર્લ્ડ રેકૉર્ડ ધરાવે છે.

કોટલામાં સૌથી વધુ રન

સચિને ફિરોજશા કોટલામાં ૯ ટેસ્ટમાં ૪૫.૩૭ની ઍવરેજ સાથે ૭૨૬ રન ફટકારીને દિલીપ વેન્ગસરકરના ૮ ટેસ્ટમાં ૬૭.૧૦ની ઍવરેજ સાથેના ૬૭૧ રનના રેકૉર્ડને પાછળ રાખી દીધો હતો.

કોટલાનો હીરો અશ્વિન રવિવારે ઘોડે ચડશે

પહેલી જ ટેસ્ટમાં જોરદાર પર્ફોર્મ કરીને મૅન ઑફ ધ મૅચ બનનાર રવિચન્દ્રન અશ્વિન હવે કલકત્તામાં રમાનારી બીજી ટેસ્ટના એક દિવસ પહેલાં એટલે કે રવિવારે તેની બાળપણની ફ્રેન્ડ પ્રીતિ નારાયણ સાથે લગ્નગ્રંથિથી જોડાશે. ખૂબ જ અંગત રીતે યોજાનાર આ પ્રસંગમાં બન્ને પક્ષોના પરિવારજનો તથા અંગત મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. થોડા સમય પહેલાં આઇપીએલ દરમ્યાન અશ્વિન અને પ્રીતિ વચ્ચે સગાઈ થઈ હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK