DC vs SRH IPL 2020: આજે દિલ્હીના જોશીલા યુવાનો માટે પીઢ હૈદરાબાદની ટફ ચૅલેન્જ

Published: 8th November, 2020 13:07 IST | Sunil Vaidya | Mumbai

અનુભવી મહારથીઓની પ્લે-ઑફમાં બોલબાલા

હૈદરાબાદની ટીમ
હૈદરાબાદની ટીમ

અનુભવનો બીજો કોઈ પર્યાય નથી એની અનુભૂતિ યુએઈમાં આઇપીએલની ટીમને થઈ રહી છે. અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમની થાકેલી પિચ જ્યારે ધીમી થઈ ગઈ અને બૉલ ફરવા માંડ્યો ત્યારે અનુભવી ખેલાડીઓ જ ઝળક્યા.

એબી ડિવિલિયર્સે રૉયલ ચૅલેન્જર બૅન્ગલોરને ઉગારવાની કોશિશ કરી, પણ બીજા બે પીઢ સનરાઇઝર્સના ક્રિકેટરો કેન વિલિયમસન અને જેસન હોલ્ડરે સૂઝબૂઝથી રમીને હૈદરાબાદને વિજય અપાવ્યો હતો.

રૉયલ ચૅલેન્જર્સને હરાવવા સનરાઇઝર્સે નજીવો સ્કોર (૧૩૨ રન) કરવાનો હતો જેથી તેમનો આઇપીએલ ૨૦૨૦ના બીજા લેગમાં સતત ચાર મૅચથી ચાલતો વિજયનો દોર ચાલુ રહે, પણ એ વિજય હાંસલ કરવા ડેવિડ વૉર્નરની ટીમે એડીચોટીનું જોર લગાવી દેવું પડ્યું ત્યારે ૨૦મી ઓવરના ચોથા બૉલમાં જીત હાંસલ થઈ.

આજે હૈદરાબાદની વિજયકૂચ ચાલુ રહે છે કે નહીં એની ખબર પડશે, પણ બીજા એલિમિનેટરમાં દિલ્હી કૅપિટલ્સ માટે ચડાણ કપરાં થઈ શકે, કારણ કે તેમની પાસે જુવાનીનો જુસ્સો તો છે પણ પીઢ ખેલાડીઓની તંગી છે.

ગુરુવારે મૅચ પછી કપ્તાન વિરાટ કોહલીએ બરાબર કહ્યું કે ખરા વખતે બૅન્ગલોરની બૅટિંગ નબળી પડી, પણ તે કહેવાનું ચૂકી ગયો કે શરૂઆત તો પોતાનાથી જ થઈ હતી. કોહલી હૈદરાબાદ સામેની કરો યા મરોવાળી મૅચમાં ઓપનિંગમાં આવ્યો અને પિચની કડી કસોટીમાં ઊણો ઊતરતાં સૌથી પહેલાં આઉટ થયો. રૉયલ ચૅલેન્જરના ફક્ત ત્રણ બૅટ્સમેનો બે આંકડાનો સ્કોર કરી શક્યા અને એમાં એક ૧૧મો ખેલાડી મોહમ્મદ સિરાજ (૧૦ અણનમ રન) હતો.

ઍરોન ફિન્ચ અને ડિવિલિયર્સે કોશિશ કરી, પણ હૈદરાબાદના બોલરોએ તેમને હાવી થવા નહીં દીધા. લેગ સ્પિનર રાશિદ ખાનને વિકેટ નહોતી મળી, પણ તેણે ૧૧ ડૉટ બૉલ સાથે એકંદરે બૅન્ગલોરના બૅટ્સમેનને એવા બાંધી રાખ્યા હતા કે બીજા બોલરોને વિકેટ મળી ગઈ.

ડિવિલિયર્સની ૧૮મી ઓવરની વિકેટ બહુ મહત્ત્વની હતી, નહીંતર એ તડાફડી કરીને સ્કોર ૧૫૦ સુધી પહોંચાડી દેત. એ બાજી ફેરવી નાખનાર ટી. નટરાજન હતો. તેના ડેથ ઓવરના પર્ફેક્ટ યૉર્કરમાં ડિવિલિયર્સ આઉટ થયો અને બાજી ફેરવાઈ ગઈ.

સનરાઇઝર્સ હવે દિલ્હી સામે શેખ ઝાયેદ સ્ટેડિયમની બીજી પિચ પર મુંબઈ સામે ફાઇનલમાં સ્થાન મેળવવા આજે બાખડશે. વધુ પડતા વપરાશને કારણે થાકી ગયેલી આ વિકેટો પર ફરી એક વાર બૅટ્સમેનોએ જદ્દોજહદ કરવી પડશે અને અનુભવી ખેલાડીઓની ખંધાઈ કદાચ બાજી મારી જશે.

જોકે દિલ્હી યુવા શક્તિથી ભરપૂર છે, જ્યારે હૈદરાબાદ પાસે દરેક પાસાંનો ઘણો વધારે અનુભવ છે. શ્રેયસ ઐયરની ટીમ કારમી હારમાંથી ઊગરવા મથી રહી છે, જ્યારે ડેવિડ વૉર્નરના સૈનિકો સતત પાંચ વિજયના અશ્વ પર સવાર થઈ જીતનો હજી એક ઝંડો લહેરાવવા તત્પર હશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK