ભોજન વગર ચાલી શકે, પરંતુ ક્રિકેટ વગર નહીં : ચારુલતા પટેલ

Updated: Jul 04, 2019, 12:03 IST | હરિત એન. જોષી

૮૭ વર્ષની આ મહિલાના ઉત્સાહને જોઈને વિરાટ કોહલી તેમને સેમી ફાઇનલ્સ અને ફાઇનલની ટિકિટ ગિફ્ટ કરશે

ચારુલતા પટેલ
ચારુલતા પટેલ

 સોશ્યલ મીડિયાને કારણે આજે રાતોરાત લોકો સ્ટાર બની જાય છે અને એવા જ એક સ્ટાર બની ગયાં છે ૮૭ વર્ષનાં ચારુલતા પટેલ. સોશ્યલ મીડિયા પર ઘણાં મિમ ચાલી રહ્યાં છે જેમાં ફૅન ઑફ ધ મૅચ તરીકે તેમને સંબોધવામાં આવી રહ્યાં છે. ચારુલતા પટેલ લંડનનાં છે અને તેમનો જન્મ તાનઝેનિયામાં થયો હતો. મંગળવારે બંગલા દેશ સામેની મૅચમાં ચારુલતા પટેલ તિરંગા સાથે જોવા મળ્યાં હતાં. જોકે આ પહેલી મૅચ નથી જે જોવા માટે ચારુલતા પટેલ ગયાં હોય. ઇંગ્લૅન્ડમાં ગયા વર્ષે રમાયેલી ત્રણ મૅચ વન-ડે સિરીઝમાં પણ તેઓ ત્યાં ગયાં હતાં. ૧૯૮૩ના વર્લ્ડ કપમાં પણ તેઓ કપિલ દેવની મૅચ જોવા માટે સ્ટેડિયમમાં હાજર હતાં. આ વિશે ‘મિડ-ડે’ને જણાવતાં ચારુલતા પટેલે કહ્યું હતું કે ‘મેં ૧૯૮૩ના વર્લ્ડ કપમાં કપિલ દેવને રમતા જોયો હતો. એકદમ ફેન્ટાસ્ટિક અનુભવ રહ્યો હતો.’

rohit-sharma

મૅચના અંતમાં તેઓ ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કૅપ્ટન રોહિત શર્માને મળ્યા હતા. તેમના પર ચારુલતા પટેલે પ્રેમનો વરસાદ વરસાવ્યો હતો. આ મુલાકાત વિશે ચારુલતા પટેલે કહ્યું હતું કે ‘મેં કોહલીને આશીર્વાદ આપ્યાં હતાં અને તેને વર્લ્ડ કપ જીતવા માટે કહ્યું હતું. તેમની સફળતા માટે હું હંમેશાં પ્રાર્થના કરીશ એમ પણ મેં તેમને કહ્યું હતું. રોહિતે પગે પડીને મારા આશીર્વાદ લીધા હતા. રોહિતે મને કહ્યું હતું કે તેણે બિગ સ્ક્રીન પર તેને અને ઇન્ડિયન ટીમને ચિયર કરતા જોયા હતા.’

ચારુલતાના ઉત્સાહને જોઈને વિરાટ કોહલીએ તેમને સેમી ફાઇનલ્સ અને ફાઇનલની ટિકિટ તેના તરફથી ગિફ્ટ કરવાનું વચન આપ્યું હતું. ઇન્ડિયા ફાઇનલમાં ન જાય તો પણ કોહલી તેમને આ ટિકિટ ગિફ્ટ કરશે. ૧૯૮૩ના વર્લ્ડ કપની જીત બાદ ક્રિકેટ તેમના જીવનનો એક ભાગ બની ગયું છે. આ વિશે જણાવતાં ચારુલતા પટેલે કહ્યું હતું કે ‘મને ક્રિકેટ ખૂબ જ પસંદ છે. લોકો મને હંમેશાં ક્રિકેટર્સના ફોટો અને ક્લિપ સેન્ડ કરતા રહે છે. કેટલાક લોકોએ મને ઇન્ડિયાની ટોપી પણ મોકલી છે. આ વર્લ્ડ કપ માટે મેં ખાસ સ્કાય સ્પોર્ટ્‍સ ટીવીનું સબસ્ક્રિપ્શન લીધુ છે. હું ક્રિકેટની ક્રેઝી ફૅન છું. મને ભોજન ન મળે તો વાંધો નહીં, પરંતુ મને ક્રિકેટ વગર નહીં ચાલે.’

ચારુલતા પટેલના બે દીકરાઓ લંડનની સુરેય લીગમાં ક્રિકેટ રમે છે. ક્રિકેટ વિશે વધુ જણાવતાં ચારુલતા પટેલે કહ્યું હતું કે ‘ઇન્ડિયન ટીમ જ્યારે પણ ઇંગ્લૅન્ડમાં આવે છે ત્યારે તેમને એક વાર તો હું જોવા જાઉં જ છું. તેમને રમતા જોઈને મને એવું લાગે છે કે મારાં બાળકો રમી રહ્યાં છે. મારો જન્મ ઇન્ડિયામાં નથી થયો, પરંતુ મારા પેરન્ટ્સ ઇન્ડિયન છે એટલે ઇન્ડિયા પણ મારો જ દેશ છે.’

આ પણ વાંચો : World Cup 2019 માં પહેલીવાર રમનાર જોફ્રા આર્ચરે રચ્યો ઇતિહાસ, તોડ્યો બોથમનો રેકોર્ડ

ચારુલતા પટેલની ગ્રૅન્ડ ડૉટર અંજલી તેમને વર્લ્ડ કપની મૅચ જોવા માટે લાવી હતી. અંજલીએ કહ્યું હતું કે ‘તેમના માટે વ્હીલચૅર વાળી ટિકિટ ઉપલબ્ધ નહોતી, પરંતુ એમ છતાં મેં આ ટિકિટ ખરીદી હતી. તેઓ અમારા લિવિંગ રૂમમાં બેસીને ઇન્ડિયાને ખૂબ જ ઉત્સાહથી ચિયર કરી રહ્યાં હતાં એથી તેમને હું વર્લ્ડ કપની આ મૅચનો અનુભવ કરાવવા માટે લાવી હતી. જોકે અમે નસીબદાર છીએ કે અમને વ્હીલચૅર ફેસિલિટીનો ઉપયોગ કરવા મળ્યો.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK