વસીમ જાફરએ કોમવાદી વલણના આરોપ અંગે ચોખવટ કરતાં સાથી ક્રિકેટરોએ કહ્યું આમ

Published: 12th February, 2021 15:10 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

જૂન 2020માં જાફરને ઉત્તરાખંડના હેડ કોચ તરીકે નિમવામાં આવ્યો હતો. ઉત્તરાખંડ ક્રિકેટ એસોસિએશન સાથે તેનો એક વર્ષનો કોન્ટ્રાક્ટ હતો. તાજેતરની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઉત્તરાખંડે માત્ર પાંચ જ મેચ જીતી હતી.

વસિમ જાફર. તસવીર- બિપિન કોકાટે
વસિમ જાફર. તસવીર- બિપિન કોકાટે

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર વસીમ જાફર પર પોતે મુસ્લિમ તરફી હોવાના આક્ષેપો થયા છે. આ આક્ષેપોનો વસીમે જડબાતોડ જવાબ આપ્યો છે. ગણતરીના દિવસો પહેલાં વસીમ જાફરે ઉત્તરાખંડ ટીમના હેડ કૉચ તરીકે રાજીનામું આપ્યું. આ રાજીનામું આવ્યા પછી તેની પર આક્ષેપો કરાયા કે તે ટીમમાં મુસ્લિમ ખેલાડીઓની તરફેણ કરતા, પ્રેક્ટિસ વખતે મૌલવીઓને બોલાવતા વગેરે. વસીમ જાફરને ટેકો આપતાં સ્પિન લેજન્ડ અનિલ કુંબલેથી માંડીને ઇરફાન પઠાણે ટ્વીટ કર્યાં છે.

જાણો શું હતો મુદ્દો?

વસીમે રાજીનામું આપ્યું તેની પાછળના કારણોમાં ટીમ સિલેક્શન કરવામાં થતી દખલગીરી મુખ્ય હતી. ઉત્તરાખંડ ક્રિકેટ એસોસિએશને તેમનું રાજીનામું સ્વીકાર્યું અને પછી તેમની પર આક્ષેપો મૂકાયા. ઉત્તરાખંડ ક્રિકેટ ટીમની પસંદગીની પ્રક્રિયા 20 ફેબ્રુઆરી પહેલાં થવાની હતી. વસીમે રાજીનામું આપ્યું અને તેમાં લખ્યુ કે, હું તાત્કાલીક અસરથી ઉત્તરાખંડ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ પદેથી રાજીનામુ આપુ છું. રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓની ક્ષમતા ખૂબ છે પણ હું તેમને માટે દુઃખી છું. હું તેને ઘણું શીખવાડવા માગતો હતો પરંતુ ખેલાડીઓની પસંદગી માટે પસંદગીકર્તા અને સચિવોના હસ્તક્ષેપને કારણે તેમને તક નથી મળી રહી. ઉત્તરાખંડ ક્રિકેટ ટીમના માનદ સચિવ જો કામનો માહોલ આ રીતે કરવા માગતા હોય તો મારે ટીમના કોચ રહેવાનો કોઇ પ્રશ્ન નથી રહેતો.”

આ તરફ જાફરના રાજીનામા અંગે ક્રિકેટ એસોસિએશન ઑફ ઉત્તરાખંડના સચિવ માહિમ વર્માએ કહ્યું કે, “તેની વાતો પાયો વિહોણી છે, તેમને કોચ તરીકે જે પણ જોઇએ તે બધી સવલતો અપાઇ જ છે, વળી કેમ્પની મંજૂરી પણ મળી હતી. તેમને  એ પણ છૂટ હતી કે તે પોતાની પસંદગીના ખેલાડી, ટ્રેનર અને બૉલિંગ કોચ પણ લાવે પણ તેમનો પણ હસ્તક્ષેપ હતો. તે કોચ હતા ત્યારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ટીમના પ્રદર્શનથી એસોસિએશન ખુશ નહોતું અને જ્યારે તેમને અલગ ખેલાડીઓ પસંદ કરવાનું કહેવાયું ત્યારે જાફર એની સાથે પણ સંમત ન થયા અને તે પોતાની પસંદના જ ખેલાડીઓને આગળ કરવા મક્કમ હતા. જાફરનો આ એપ્રોચ પણ ખોટો છે કારણકે તેઓ સિલેક્ટર્સને તેમનું કામ નહોતા કરવા દેતા.”

જ્યારે વસીમ જાફરે આપી ચોખવટ

આ બધાની વચ્ચે જાફર કોમવાદી વલણથી કામગીરી કરે છે તેવો આરોપ મૂકાયો અને જાફરે ચોખવટ આપતાં કહ્યું કે, “મને એ વાતનું દુઃખ છે કે મારે કોમવાદના આક્ષેપોની ચોખવટ આપવી પડે છે. જો હું મારા મનનું કર્યા કરતો હોત તો મેં મારા પદ પરથી રાજીનામું ન આપ્યું હોત મને સસ્પેન્ડ જ કરી દીધો હોત. એક વ્યક્તિ જે 15-20 વર્ષથી આ ક્ષેત્રમાં છે તેણે સાવ આવું સાંભળવું પડે છે, આ પાયા વિહોણા આક્ષેપ બીજા મુદ્દાઓ છુપાવવા માટે મુકાયા છે. હું કોમવાદી હોત તો હું નમાજના સમય પ્રમાણે પ્રેક્ટિસનો સમય પણ બદલી નાખત પણ મેં એમ ન કર્યું. દહેરાદૂન કેમ્પમાં મૌલાના આવ્યા હતા કારણકે ઇકબાલ અબ્દુલ્લા જુમ્માની નમાઝ પઢવા માગતા હતા અને તેમણે ટીમ મેનજરની અને મારી પરવાનગી પણ માગી હતી, તે એક જ દિવસ અમે ભેગા નમાજ પઢી હતી બાકી બધા અલગ અલગ નમાજ પઢતા હતા.”

સાથી ક્રિકેટરોએ શું કહ્યું...

અનિલ કુંબલેએ ટ્વીટમાં કહ્યું કે વસીમ તેં જે કર્યું એ બરાબર જ કર્યું. એ ખેલાડીઓનું બદનસીબ છે કે તેઓ તારી મેન્ટોરશીપ મિસ કરશે.

ઇરફાન પઠાણે પણ જાફરને ટેકો આપતા ટ્વીટ કર્યું કે આ કમનસીબી છે કે તારે આવી ચોખવટ કરવી પડી.

પૂર્વ ક્રિકેટર અને બંગાળના સનિયર ખેલાડી મનોજ તિવારીએ પણ જાફરને ટેકો આપ્યો અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંગ રાવતને આ મુદ્દાની નોંધ લેવા અપીલ કરી.

 મુંબઇને પૂર્વ બેટ્સમેન શિશિર હટગંડી જાફરને આ મામલે ડિફેન્સિવ ન થવાની સલાહ આપી અને કહ્યું કે, “ઓપનિંગ બેટ્સમેન હોવું જ તારો ધર્મ રહ્યો છે અને તારે તારી જાતનો બચાવ આ રીતે કરવાની જરૂર નથી. શાંત રહે અને ઓફસ્ટમ્પની બહાર હોય તેવી બધી ચીજોને શોલ્ડર આર્મ્સ કર. મારે એ કહેવાની જરૂર નથી કારણકે તું જાણે જ છે કે તું ક્યાં ઑફ સ્ટમ્પ હતો.”

જૂન 2020માં જાફરને ઉત્તરાખંડના હેડ કોચ તરીકે નિમવામાં આવ્યો હતો. ઉત્તરાખંડ ક્રિકેટ એસોસિએશન સાથે તેનો એક વર્ષનો કોન્ટ્રાક્ટ હતો. તાજેતરની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઉત્તરાખંડે માત્ર પાંચ જ મેચ જીતી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK