વૉર્નર નામના વાવાઝોડાએ ચેન્નઈને ખેદાનમેદાન કર્યું

Published: 5th October, 2011 18:50 IST

ચેન્નઈ: ડેવિડ વૉર્નરે તો ક્રિસ ગેઇલને પણ ઝાંખો પાડી દીધો હતો. સોમવારે ગેઇલે ૮ સિક્સર અને ૪ ફોર સાથે ૪૬ બૉલમાં ૮૬ રન ફટકારીને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરને સેમી ફાઇનલની આશા અપાવી હતી, પરંતુ ગઈ કાલે ન્યુ સાઉથ વેલ્સ બ્લુઝના મૅન ઑફ ધ મૅચ વૉર્નરે ૮ સિક્સર તથા ૧૧ ફોર સાથે માત્ર ૬૯ બૉલમાં અણનમ ૧૩૫ રન કરીને ટુર્નામેન્ટની એક્ઝિટ પાસે પહોંચેલી ગયા વખતની ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સની ટીમને બહાર ફેંકી દીધી હતી.

 

 

વૉર્નરના અણનમ ૧૩૫ રન ચૅમ્પિયન્સ લીગના ત્રણ વર્ષના ઇતિહાસની માત્ર બીજી સેન્ચુરી તો છે જ, તેનો આ સ્કોર બધા પ્લેયરોમાં હાઇએસ્ટ ઇન્ડિવિજ્યુઅલ સ્કોર બન્યો છે. તેણે કેપ કોબ્રાઝના ઍન્ડ્ર્યુ પુટિકના અણનમ ૧૦૪નો વિક્રમ તોડ્યો છે.

વિક્રમજનક ફટકાબાજીથી ન્યુ સાઉથ વેલ્સને સેમીમાં પહોંચાડ્યા પછી કહ્યું કે આ રાત મારી હતી અને મને કોઈ રોકી શકે એમ નહોતું

વૉર્નરે વિજય અપાવ્યા પછી કહ્યું હતું કે ‘આ તો મારી નાઇટ હતી અને મને ખાતરી હતી કે મને કોઈ નહીં રોકી શકે. મેં સ્વિચ હિટની ઘણી પ્રૅક્ટિસ કરી હતી જે મને કામ લાગી.’

ગ્રુપ ‘એ’માંથી મુંબઈ ઇન્ડિયન્સની સાથે સેમીમાં પહોંચેલી ન્યુ સાઉથ વેલ્સ બ્લુઝની ટીમે બે વિકેટે ૨૦૧ રન કર્યા હતા જેના જવાબમાં ચેન્નઈ ૧૮.૫ ઓવરમાં ખાસ કરીને સ્ટીવ ઑકીફની ત્રણ વિકેટને કારણે ૧૮.૫ ઓવરમાં ૧૫૫ રને ઑલઆઉટ થઈ ગયું હતું. માઇક હસીના ૩૭ રન ટીમમાં હાઇએસ્ટ હતા.
બૅન્ગલોરને થોડો ચાન્સ, પણ કલકત્તાને નથી

આજે ગ્રુપ ‘બી’ની ભારતીય ટીમોમાંથી રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરને સેમીમાં જવાનો થોડો ચાન્સ છે, પરંતુ કલકત્તા નાઇટ રાઇડર્સ ઑલમોસ્ટ આઉટ છે.

મુંબઈ નસીબથી સેમીમાં : વૉરિયર્સ સામે જંગ?

ગઈ કાલે ટ્રિનિદાદ ઍન્ડ ટોબેગો સામે કેપ કોબ્રાઝની હાર થતાં જ મુંબઈ ઇન્ડિયન્સ આપોઆપ સેમી ફાઇનલમાં પહોંચી ગયું હતું. સેમીમાં મુંબઈનો મોટા ભાગે ધ શેવરોલે વૉરિયર્સ સાથે મુકાબલો થશે. જોકે સમરસેટ સૅબર્સ કે સાઉથ ઑસ્ટ્રેલિયા રેડબૅક્સ કે રૉયલ ચેલૅન્જર્સ બૅન્ગલોરમાંથી કોઈ ટીમ મુંબઈ સામે આવે તો નવાઈ નહીં. મુંબઈને અનર્ણિીત મૅચનો એક પૉઇન્ટ કામ લાગી ગયો.

કૂપરે કેપ કોબ્રાઝની બાજી બગાડી

ચૅમ્પિયન્સ લીગમાં ગઈ કાલની પ્રથમ મૅચમાં ટ્રિનિદાદ ઍન્ડ ટોબેગો સામે કેપ કોબ્રાઝની જીત થઈ હોત તો મુંબઈ ઇન્ડિયન્સ સેમી ફાઇનલથી વંચિત રહી ગયું હોત, પરંતુ અત્યંત રસાકસીભરી બની ગયેલી મૅચમાં કેપ કોબ્રાઝની હાર થઈ એટલે મુંબઈને ફાયદો થઈ ગયો હતો અને આપોઆપ સેમીમાં પહોંચી ગયું હતું. મુંબઈને આ ફાયદો ટ્રિનિદાદ ઍન્ડ ટોબેગોના મૅન ઑફ ધ મૅચ કેવૉન કૂપર (૨૫ નૉટઆઉટ, ૧૧ બૉલ, બે સિક્સર, એક ફોર)ને કારણે થયો હતો.

કેપ કોબ્રાઝે ઓવેસ શાહના ૬૩ રન અને ડેન વિલસના ૫૪ રનની મદદથી ૪ વિકેટે માત્ર ૧૩૭ રન કર્યા હતા, જેના જવાબમાં ટ્રિનિદાદે ૧૯.૪ ઓવરમાં ૮ વિકેટે ૧૩૮ રન કરીને દિલધડક વિજય મેળવ્યો હતો. ૧૦૫ રનમાં સાત વિકેટ પડી ત્યારે કેપ કોબ્રાઝની જીત શક્ય જણાતી હતી, પરંતુ બાવીસ વર્ષના કૂપરે ૧૧ બૉલમાં અણનમ પચીસ રન ફટકારીને ટ્રિનિદાદને રોમાંચક વિજય અપાવીને કેપ કોબ્રાઝને આઉટ કરી દીધું હતું. તેણે ડેલ સ્ટેનની ચોથી ઓવરમાં ૧૦ રન ફટકારતાં એ ઓવરમાં કુલ ૧૫ રન બન્યા હતા જે નર્ણિાયક નીવડ્યા હતા. જસ્ટિન કેમ્પે ત્રણ અને ચાર્લ લૅન્ગવેલ્ટે બે વિકેટ લીધી હતી.

ટ્રિનિદાદની જીત થતાં સેમી ફાઇનલની આશા એણે જીવંત રાખી હતી, પરંતુ રાતની મૅચમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે ન્યુ સાઉથ વેલ્સ બ્લુઝની જીત થતાં ટ્રિનિદાદનું પણ પત્તું કપાઈ ગયું હતું અને ગ્રુપ ‘એ’માંથી મુંબઈ ઇન્ડિયન્સ ઉપરાંત ન્યુ સાઉથ વેલ્સ બ્લુઝે સેમીમાં પ્રવેશ કર્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK