Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



અશ્વિનનો ચમકારો

05 October, 2019 02:58 PM IST | વિશાખાપટ્ટનમ

અશ્વિનનો ચમકારો

રવિચંદ્રન અશ્વિન

રવિચંદ્રન અશ્વિન


ભારત અને સાઉથ આફ્રિકાની પહેલી ટેસ્ટ મૅચના ત્રીજા દિવસે બન્ને ટીમ તરફથી રોમાંચક રમત જોવા મળી હતી. પહેલી ઇનિંગમાં ભારતે પોતાનો દાવ ડિક્લેર કર્યા બાદ સાઉથ આફ્રિકાની ટીમે ગઈ કાલના ત્રીજા દિવસના સમાપન પહેલાં આઠ વિકેટ ગુમાવીને ૩૮૫ રન કરી લીધા હતા. હજી પણ તેઓ ભારતે આપેલા લક્ષ્યથી ૧૧૭ રન પાછળ છે. એક સમયે ૬૩ પર ચાર વિકેટ ગુમાવી દેનારી મહેમાન ટીમને ઓપનર ડીન એલ્ગરની ૧૬૦ રનની અને વિકેટકીપર ક્વિન્ટન ડી કૉકની ૧૧૧ રનની ઇનિંગ્સે ઉગારી લીધા હતા. ફૅફ ડુપ્લેસી પંચાવન રન કરી અશ્વિનનો શિકાર થયો હતો. આ ત્રણેય પ્લેયરો ઉપરાંત અન્ય કોઈ સાઉથ આફ્રિકન પ્લેયર ખાસું પર્ફોર્મ કરી શક્યો નહોતો.

ભારત વતી સૌથી વધારે પાંચ વિકેટ રવિચંદ્રન અશ્વિને લીધી હતી. જોકે આ મૅચમાં સૌથી વધારે ૪૧ ઓવર પણ તેણે જ નાખી હતી અને ૧૨૮ રન આપ્યા હતા. આ ૪૧ ઓવરમાં ૧૧ ઓવર મેઇડન હતી. રવીન્દ્ર જાડેજાએ પોતાની આગવી બોલિંગ-સ્ટાઇલથી પિચ પર જામી ગયેલા એલ્ગરને આઉટ કરવામાં સફળતા મેળવી હતી. જાડેજાને અત્યાર સુધી આ મૅચમાં બે અને ઇશાન્ત શર્માને એક વિકેટ લેવામાં સફળતા મળી છે.



આજે રમાનારી ચોથા દિવસની રમતમાં સાઉથ આફ્રિકન પ્લેયરો પોતાના ખાતામાં વધારે કેટલા રન જોડી શકે છે અને ભારત કેટલી ઝડપથી મહેમાન ટીમ સામે મોટો સ્કોર ઊભો કરી તેમને પૅવિલિયનભેગી કરી શકે છે એ જોવા જેવું રહેશે.


એક સમય હતો જ્યારે મેં મૅચ જોવાનું જ બંધ કરી દીધું હતું : આર. અશ્વિન

રવિચંદ્રન અશ્વિનનું કહેવું છે કે તેની લાઇફમાં એક સમય એવો આવ્યો હતો જેમાં તેણે ક્રિકેટથી અંતર કરી લીધું હતું. ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ઘરઆંગણે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મૅચમાં રવિચંદ્રન અશ્વિને પોતાની બોલિંગ-સ્ટાઇલ ફરી એક વાર પુરવાર કરીને પાંચ વિકેટ ચટકાવી લીધી હતી. છેલ્લા ઘણા સમયથી ટીમમાં સ્થાન મળું-ન મ‍ળું થતાં તે પોતે એક સમયે હતાશ થઈ ગયો હતો અને ક્રિકેટથી દૂર રહેવાના એ સમય દરમ્યાન તેણે ક્રિકેટ જોવાનું પણ બંધ કરી દીધું હતું. પોતાના મનની વાત જણાવતાં અશ્વિને કહ્યું હતું કે ‘છેલ્લાં ૨૩-૨૪ વર્ષથી મારી જિંદગી ક્રિકેટની આસપાસ જ રહી છે અને હું એ જ ઉત્સાહથી આજે પણ રમું છું. એક સમય હતો જ્યારે મેં મૅચ જોવાનું બંધ કરી દીધું હતું. જોકે મને હવે એવું લાગે છે કે મારે મારા પરિવાર અને દોસ્તોને વધારે સમય આપવો જોઈએ અને મારે બીજા રસનાં કામ કરવાં જોઈએ. હું જ્યારે ગેમની બહાર હોઉં છું ત્યારે એ જ મારા માટે શાંતિ અને સુખનો સમય હોય છે. હું રોજ ટીવીમાં મૅચ જોઉં છું અને મને હંમેશાં એવી અનુભૂતિ થાય છે કે હું ત્યાં વધારે સારી રીતે રમી શકું છું.’


ટેસ્ટ ક્રિકેટમાં લગભગ ૩૫૦ જેટલી વિકેટ લઈ ચૂકેલા અશ્વિનને વેસ્ટ ઇન્ડીઝ ટૂરમાં સામેલ કરવામાં નહોતો આવ્યો અને ઘરઆંગણે રમાઈ રહેલી સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેની સાથે થઈ રહેલા આ વર્તાવ પર સુનીલ ગાવસકરે પણ ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

અશ્વિન સાથેના ટીમના વ્યવહારથી ખુશ નથી સુનીલ ગાવસકર

ટીમ ઇન્ડિયાનું સાઉથ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ મૅચમાં પ્રદર્શન ભલે સારું રહ્યું હોય અને એમાં પણ ખાસ કરીને રવિચંદ્રન અશ્વિને લીધેલી પાંચ વિકેટને લીધે તેના નામની ચર્ચા થતી હોય. જોકે એમ છતાં ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્લેયર સુનીલ ગાવસકર અશ્વિન સાથે થઈ રહેલા ટીમ મૅનેજમેન્ટના વ્યવહારથી ખુશ નથી. ગઈ કાલના ત્રીજા દિવસના ખેલના ફર્સ્ટ હાફ બાદ પોતાના મનની વાત કરતાં ગાવસકરે કહ્યું હતું કે ‘અશ્વિનનું સ્થાન ટીમમાં નક્કી હોવું જોઈએ. હકીકત એ છે કે આપણે તેને પોતાની કમ્ફર્ટ લેવલમાં નથી જોઈ રહ્યા જેને લીધે તેને ટીમમાં રહેવા માટે સ્ટ્રગલ કરવી પડી રહી છે.’

વાસ્તવમાં અશ્વિનને કેટલીક વાર ટીમમાં સ્થાન અપાય છે અને કેટલીક વાર નથી આપવામાં આવતું. તેની સાથે થઈ રહેલા આ ઇન-આઉટના વ્યવહારથી ગાવસકર ખફા થયા હતા. આ અંગે વધારે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘તેને પોતાની આસપાસના લોકો પાસેથી કૉન્ફિડન્સ મળે છે પણ જ્યારે એ ન મળે ત્યારે સ્વાભાવિક છે કે પ્લેયરના પર્ફોર્મન્સ પર અસર પડે. વળી તેની સરખામણી પણ અલગ-અલગ વખતે અલગ-અલગ પ્લેયરો સાથે કરવામાં આવે છે જે સારી વાત નથી.’

અશ્વિને આ મૅચમાં ત્રીજા દિવસના ખેલ સુધી પાંચ વિકેટ લઈને સાઉથ આફ્રિકન ટીમના પાયા હલાવી મૂક્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

05 October, 2019 02:58 PM IST | વિશાખાપટ્ટનમ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK