વીરુને ઈડનમાં જમવાની કેમ મજા નથી આવતી?

Published: 4th December, 2012 07:03 IST

તે કહે છે કે ૧૫ વર્ષથી સ્ટેડિયમના માલિકોને ફૂડ વિશે ફરિયાદ કરું છું પણ તેઓ કેટરરને બદલતા જ નથી
કલકત્તા: ઈડન ગાર્ડન્સમાં વષોર્થી ઇન્ટરનૅશનલ મૅચો રમવા આવતા વીરેન્દર સેહવાગ સહિતના ક્રિકેટરો અહીંના ઉતરતા કક્ષાના ફૂડથી નારાજ છે. સેહવાગે રવિવારે કલકત્તામાં ક્રિકેટ-નિષ્ણાત બોરિયા મજુમદારના ‘કુકિંગ ઑન ધ રન’ ટાઇટલવાળા પુસ્તકના લોકાર્પણ પ્રસંગે પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે અમને પ્લેયરોને કલકત્તામાં સારું ફૂડ નથી મળતું. હું ૧૫ વર્ષથી ક્રિકેટ અસોસિએશન ઑફ બેન્ગાલને આ બાબતમાં ફરિયાદ કરું છું અને કેટરર બદલવા કહું છું, પરંતુ તેઓ બદલતા જ નથી.

સેહવાગે ફંક્શનમાં રમૂજ ફેલાવતાં કહ્યું હતું કે હું જો સારું જમ્યો હોઉં તો ૩૦૦ રન ફટકારી શકું એમ છું.

કલકત્તાના આ સમારંભમાં સેહવાગ ઉપરાંત રવિચન્દ્રન અશ્વિન, પ્રજ્ઞાન ઓઝા, અજિંક્ય રહાણે તેમ જ ટેનિસસ્ટાર મહેશ ભૂપતિ પણ ઉપસ્થિત હતા.

ફૂડમાં કોનું શું ફેવરિટ?

વીરેન્દર સેહવાગ : મને ઉત્તર ભારતની વાનગીઓ બેહદ પ્રિય છે અને એ બધામાં બિરયાની મને સૌથી વધુ ભાવે. જોકે મેં પ્રવાસ દરમ્યાન વેજિટેબલ બર્ગરથી ચલાવી લીધું હોય એવું ઘણી વાર બન્યું છે. જૅપનીઝ વાનગીઓ અને થાઈ ફૂડ મને ખૂબ ભાવે છે. મારી ફેવરિટ વાનગીઓમાં મટન ચિકનનો સમાવેશ અચૂક કરવો પડે. લૉર્ડ્સમાં ઘેટાના માંસની વાનગી બહુ ટેસ્ટી હોય છે.

રવિચન્દ્રન અશ્વિન : ભારતના શહેરોના પ્રવાસોમાં કે વિદેશી ટૂર્સમાં વેજિટેરિયન ફૂડ મેળવવામાં ખાસ કોઈ તકલીફ નથી થતી. શાકાહારી વાનગીઓમાં ઘણા વિકલ્પો હોય છે એટલે ક્યાંક કંઈક તો સારું ખાવા મળી જ જાય છે.

પ્રજ્ઞાન ઓઝા :
હું નાનપણથી જૅપનીઝ વાનગીઓ ખાઈને મોટો થયો છું. જોકે હૈદરાબાદી બિરયાની જેવી કોઈ ચીજ નથી.

અશ્વિન-વીરુની રમૂજ

વિદેશી પ્રવાસો દરમ્યાન ખાવામાં કોઈ તકલીફ ન પડે એ માટે ક્રિકેટરો કોઈકને કોઈક જોગવાઈ કરતા હોય છે. ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં તેમ જ દુબઈ-શારજાહ જેવા સ્થળે તેમને કોઈ મિત્રને ત્યાં કે મૂળ ભારતના વતની હોય એવા નાગરિકોને ત્યાં જમવાનું આમંત્રણ મળતું હોય છે. જોકે રવિચન્દ્રન અશ્વિન અને વીરેન્દર સેહવાગે રવિવારના સમારંભમાં હળવી મજાક કરી હતી:

રવિચન્દ્રન અશ્વિન : હું ઑસ્ટ્રેલિયા જાઉં ત્યારે ઇલેકટ્રિક કૂકર લઈ જાઉં છું.

વીરેન્દર સેહવાગ : હું તો ઘણી વાર મારી પત્નીને જ સાથે લઈ જાઉં છું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK