વિરાટ ટીમને એકજૂટ રાખે છે, ગેરહાજરીથી પડશે ફરક: જૉન બ્યુકેનન

Published: 19th November, 2020 12:48 IST | Agency | Sydney

તેમને લાગે છે કે કોહલી કૅપ્ટન તરીકે વધુ પરિપક્વ થઈ ગયો છે અને મેદાનમાં અને ડ્રેસિંગ રૂમમાં તેની કમી મહેસૂસ થશે

જૉન બ્યુકેનન
જૉન બ્યુકેનન

ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝ માટે ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પિતા બનવાનો હોવાથી કૅપ્ટન વિરાટ કોહલી પહેલી ટેસ્ટ બાદ ભારત પાછો આવતો રહેવાનો હોવાથી ટીમ પર પડનારી અસર પણ ચર્ચાનો વિષય બની ગયો છે. ઑસ્ટ્રેલિયના હાલના કોચ-કૅપ્ટન ઉપરાંત બીજા અનેક ખેલાડી બાદ કાંગારૂ ટીમના ભૂતપૂર્વ કોચ જૉન બ્યુકેનનને પણ આ અંગે તેમનો મત જણાવ્યો હતો કે વિરાટની ગેરહાજરીથી ભારતીય ટીમના પર્ફોર્મન્સમાં ફરક પડશે. છેલ્લી સિરીઝમાં ભારતે વિરાટની કૅપ્ટન્સીમાં જ ઐતિહાસિક જીત મેળવી હતી.

વિરાટની ગેરહાજરી અંગે બોલતાં બ્યુકેનને કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયન ટીમને એનો ફાયદો જરૂરથી થશે. છેલ્લી ટેસ્ટ સિરીઝમાં કોહલી સૌથી પ્રભાવશાળી ખેલાડીઓમાંથી એક હતો. એ સાચું છે કે ચેતેશ્વર પૂજારા એ સિરીઝમાં સુપરસ્ટાર તરીકે ઊભર્યો હતો, પણ કોહલીની મેદાનમાં હાજરી ભારત માટે મુખ્ય ફૅક્ટર બની રહ્યું હતું. મેદાનમાં અને ડ્રેસિંગ રૂમમાં કોહલીની ગેરહાજરીથી ભારતીય ટીમને ફરક પડશે.’

virat-kohli

બ્યુકેનને વધુમાં કહ્યું હતું કે ‘છેલ્લા થોડાક વર્ષોમાં કોહલી એક પરિપક્વ કૅપ્ટન તરીકે ઊભરી રહ્યો છે અને તે ટીમને એકજૂટ રાખી શકે છે. જોકે મારો કહેવાનો એ મતલબ બિલકુલ નથી કે તેની ગેરહાજરીમાં જે ટીમનો કૅપ્ટન બનશે તે ટીમને એકજૂટ નહીં રાખી શકે.’

છેલ્લી સિરીઝમાં ભારતને ઑસ્ટ્રેલિયાના બે સ્ટાર ખેલાડીઓ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વૉર્નરની ગેરહાજરીનો મોટો ફાયદો મળ્યો હતો. બૉલ ટૅમ્પરિંગને લીધે બન્ને પર એક વર્ષનો પ્રતિબંધ હોવાથી તેઓ એ સિરીઝમાં નહોતા રમ્યા. બ્યુકેનને આ અંગે કહ્યું હતું કે ‘છેલ્લી સિરીઝમાંની ઑસ્ટ્રેલિયાની બૅટિંગ તાકાત અને આ સિરીઝની તાકાત વચ્ચે બહુ મોટો ફરક છે. વૉર્નર અને સ્મિથ જેવા અનુભવીને લીધે આ વખતે વધુ સ્ટ્રોન્ગ છે. માર્ક્સ લબુશેન્ગ સારા ફોર્મમાં છે, પણ વૉર્નર અને સ્મિથને લીધે ઑસ્ટ્રેલિયા વધુ પાવરફુલ બની ગઈ છે.’

ટેસ્ટ માટે ફ્રેશ રાખવા બુમરાહ-શમીને રોટેશનમાં રમાડાશે

ભારત જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીને ટેસ્ટ માટે ફ્રેશ રહે અને પૂરતી પ્રૅક્ટિસ કરી શકે એ માટે વન-ડે અને ટી૨૦ સિરીઝમાં રોટેશનમાં રમાડાશે. અમુક મૅચમાં બુમરાહ રમશે તો અમુક મૅચો શમી. ક્રિકેટ બોર્ડનાં સૂત્રોની માહિતી અનુસાર જો ઇશાંત શર્મા સમયસર ફિટ ન થઈ શક્યો તો હેડ કોચ રવિ શાસ્ત્રી અને બોલિંગ કોચ ભરત અરુણ માટે બુમરાહ અને શમીનો વર્કલોડ મૅનેજમેન્ટ મુખ્ય જવાબદારી રહેશે.

ભારત ૨૭ નવેમ્બરથી ૮ ડિસેમ્બર દરમ્યાન ત્રણ વન-ડે અને ૩ ટી૨૦ રમવાનું છે. આમ ૧૨ દિવસમાં ૬ મૅચ ઉપરાઉપરી બુમરાહ અને શમીને રમાડવાનું જોખમ મૅનેજમેન્ટ નહીં લે. ઉપરાંત ૬થી ૯ ડિસેમ્બર દરમ્યાન ટેસ્ટ માટે પ્રથમ વૉમ-અપ મૅચ પણ રમવાની છે. આથી બુમરાહ અને શમી વન-ડેમાં જોવા મળશે, પણ ટી૨૦માં નહીં મળે.

કૅન રિચર્ડસન ખસી ગયો, ઍન્ડ્ર્યુ ટાયનો સમાવેશ

વન-ડે અને ટી૨૦ સિરીઝમાં ઑસ્ટ્રેલિયન ટીમમાં એક બદલાવ થયો છે. પેસબોલર કેન રિચર્ડસનની જગ્યાએ ઍન્ડ્યુ ટાયનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોરોના મહામારીમાં રિચર્ડસન પત્ની અને એક મહિનાના નાનકડા પુત્ર સાથે સમય વિતાવવા માગતો હોવાથી સિલેક્ટરોને વિનંતી કરી હતી. સિલેક્ટરોએ તેની માગણી માન્ય રાખીને ટાયને મોકો આપ્યો હતો.

રિચર્ડસન આઇપીએલમાંથી પણ સંતાનના જન્મ સમયે પત્ની સાથે રહેવા માગતો હોવાથી ખસી ગયો હતો. બૅન્ગલોરે આખરે તેની જગ્યાએ ઍડમ ઝૅમ્પાને સામેલ કર્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK