ધોની પૅવિલિયન તરફ જવા લાગ્યો ત્યારે ઍરોનને ખબર પડી કે પોતે છેલ્લી વિકેટ લઈ લીધી છે

Published: 24th October, 2011 20:21 IST

ગઈ કાલે ભારતને ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં ૪-૦થી સરસાઈ મેળવવામાં બોલરો તરફથી સૌથી મોટું યોગદાન આપનાર નવા ફાસ્ટ બોલર વરુણ ઍરોને ગઈ કાલે ત્રણેય ઇંગ્લિશ ટેઇલ-એન્ડરોની વિકેટ લઈને ઇંગ્લૅન્ડની પૂંછડી કાપી નાખી હતી. જોકે પોતે એ પૂંછડીનો છેલ્લો ભાગ પણ કાપી લીધો એની ખુદ ઍરોેનને તરત ખબર નહોતી પડી.રવિચન્દ્રન અશ્વિને ત્રણ વિકેટ ૩૮ રનમાં લીધી હતી, પરંતુ ઍરોને ૨૪ રનમાં ત્રણ શિકાર કર્યા હતા.

ઍરોને આગલી બે ઓવરમાં બે વિકેટ લીધા પછી પોતાની સાતમી અને ઇંગ્લૅન્ડની ૪૭મી ઓવરના પહેલા બૉલમાં ટિમ બ્રેસ્નન (૪૫ રન, ૪૫ બૉલ, ૬ ફોર)ને ક્લીન બોલ્ડ કર્યો હતો. જોકે બ્રેસ્નનના સ્ટમ્પ્સ પરથી બેલ નીકળી ગઈ એની ઍરોનને ખબર જ નહોતી પડી. થોડી ક્ષણો પછી તેણે કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પૅવિલિયન તરફ જવાની શરૂઆત કરતો જોયો ત્યારે તેને પોતે છેલ્લી વિકેટ પણ લઈ લીધી છે એની ખબર પડી હતી અને તેના ચહેરા પર મોટું હાસ્ય જોવા મળ્યું હતું.

બે સ્પેલમાં ઘણો મોટો તફાવત

ગઈ કાલે સતતપણે કલાકે ૧૩૫થી ૧૪૭ કિલોમીટર વચ્ચેની ઝડપે બૉલ ફેંકનાર ઍરોનની બોલિંગના બે સ્પેલ આ પ્રમાણે હતા : પહેલાં ૩-૦-૧૪-૦ અને પછી ૩.૧-૧-૧૦-૩.

ત્રણ ઓવરમાં લીધી ત્રણ વિકેટ

સ્કૉટ બૉર્થવિક : ઇનિંગ્સની ૪૩મી ઓવરમાં ઍરોનનો ઑફ સ્ટમ્પ પર પડેલો પ્રથમ બૉલ નીચો રહી ગયો હતો જેમાં બીજી જ વન-ડે રમેલો આ લેફ્ટી બૅટ્સમૅન બૅક ફૂટ પર જ રહી ગયો હતો અને તેનું સ્ટમ્પ નીકળી ગયું હતું.

સ્ટુઅર્ટ મીકર : ૪૫મી ઓવરમાં ઍરોનનો પાંચમો બૉલ લેટ સ્વિંગ હતો જેમાં ઇંગ્લૅન્ડના આ ફાસ્ટ બોલરનું લેગ સ્ટમ્પ ઊખડી ગયું હતું.

ટિમ બ્રેસ્નન : ૪૭મી ઓવરમાં ઍરોનનો પ્રથમ બૉલ લેગ અને મિડલ પર પડ્યા પછી અંદર આવ્યો હતો અને ૪૫ બૉલમાં ૪૫ રન બનાવનાર આ બૅટ્સમૅનના ઑફ સ્ટમ્પ પરથી બેલ ઊડી ગઈ હતી.

વરુણ ઍરોન કોણ છે?

મૂળ ઝારખંડનો અને જમશેદપુરમાં જન્મેલો વરુણ ઍરોન શનિવારે બાવીસ વર્ષનો થશે. જોકે તેણે ગઈ કાલે ત્રણ વિકેટ લઈને બર્થ-ડે વહેલો મનાવી લીધો હતો.

ઍરોનના પપ્પાનું નામ રેમન્ડ છે. ઍરોને થોડા દિવસ પહેલાં ગુજરાત સામેની વિજય હઝારે ટ્રોફીની એક મૅચમાં કલાકે ૧૫૩ કિલોમીટરની ઝડપે બૉલ ફેંકીને ક્રિકેટનિષ્ણાતોને વિચારતા કરી દીધા હતા. તે ભારતનો ફાસ્ટેસ્ટ બોલર મનાય છે. તે મોટા ભાગે સતત ૧૪૦ કિલોમીટરની સ્પીડે બૉલ ફેંકે છે.

ઍન્ડી રોબર્ટ્સને પોતાનો હીરો માનતો ઍરોન ૨૦૧૦ની આઇપીએલમાં કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમમાં હતો અને ત્યારે તેને રમવા નહોતું મળ્યું, પરંતુ આ વર્ષે તે દિલ્હી ડેરડેવિલ્સ વતી રમ્યો હતો.

ઍરોને ૧૨ ફસ્ર્ટ ક્લાસ મૅચોમાં ૪૧.૫૦ની બોલિંગ ઍવરેજે માત્ર ૨૬ વિકેટ લીધી છે.

તેને ઇંગ્લૅન્ડની ટૂરમાં ઈજાગ્રસ્ત ઇશાન્ત શર્માને બદલે ટીમમાં સ્થાન મળ્યું હતું, પરંતુ નહોતું રમવા મળ્યું. આ વખતે તેને ઇન્જર્ડ પેસબોલર ઉમેશ યાદવની જગ્યાએ રમવાનો મોકો મળ્યો છે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK