બ્રિટિશરોની બૉક્સિંગ ટીમનો કૅપ્ટન ૯ વર્ષ પહેલાં બહુ જાણીતો કારચોર હતો

Published: 28th July, 2012 05:40 IST

ટૉમ સ્ટૉકર ૨૦૧૨નો વર્લ્ડ નંબર વન બૉક્સર છે: ઑલિમ્પિક્સમાં તે ગોલ્ડ મેડલ જીતવા મક્કમ છે

uk-boxer-car-robber૨૦૦૩ની સાલ સુધી અઠવાડિયાની ઓછામાં ઓછી બે કાર ચોરનાર ટૉમ સ્ટૉકર નામનો યુવાન અત્યારે લંડન ઑલિમ્પિક્સમાં ઇંગ્લૅન્ડની બૉક્સિંગ ટીમનો કૅપ્ટન છે. તે લાઇટ-વેલ્ટરવેઇટ વર્ગમાં વર્લ્ડ નંબર વન ઍમેટર બૉક્સર પણ છે.

ટૉમ અત્યારે ૨૮ વર્ષનો છે. ૨૦૦૦ની સાલમાં ૧૬ વર્ષની ઉંમરે તેણે એક પણ એક્ઝામમાં પાસ ન થવાને કારણે સ્કૂલ છોડી હતી અને ચોરીઓ કરવા લાગ્યો હતો. તે ૨૦૦૩ની સાલ સુધી લિવરપુલ શહેરના નામચીન કારચોરોમાં ગણાતો હતો. તે કારની ચોરી કર્યા બાદ બીજા વિસ્તારમાં એ વેચીને વીકએન્ડમાં કોઈક સ્થળે ફરવા જતો રહેતો હતો. ત્યાં તે ડ્રગ્સનું સેવન કરતો હતો. તે ક્યારેય પોલીસના હાથમાં નહોતો આવ્યો, પરંતુ એ જ વર્ષમાં એક દિવસ રૅન્જ રૉવર કારની ચોરી કર્યા પછી કાર રસ્તા પર છોડીને તેના સાગરીત સાથે એક ખેતરમાંથી નાસી રહ્યો હતો ત્યારે બન્નેને પોલીસે ઝડપી લીધા હતા. બન્નેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને સજા થઈ હતી. આ સજા ભોગવ્યા પછી પણ ટૉમે કારની તફડંચી ચાલુ જ રાખી હતી.

દાદીમાના અવસાન પછી પલટો

જોકે તેનાં દાદીમાના અવસાન બાદ તેનામાં પલટો આવી ગયો હતો. ટૉમે ઇંગ્લૅન્ડના ‘ડેઇલી મેઇલ’ દૈનિકને દાદીમાની વાત કરતા કહ્યું હતું કે ‘મારાં દાદીમાને પૌત્રો અને પૌત્રીઓ મળીને કુલ ૨૧ બાળકો હતા અને એ બધામાં હું તેમને સૌથી વહાલો હતો. જોકે હું ચોરીઓ કરતો એ તેમને જરાય નહોતું ગમતું. તેમનાં અવસાનના દિવસે મારા જીવનમાં પલટો લાવી દીધો હતો. તેમની અંતિમક્રિયા વખતે જ મેં પ્રતિજ્ઞા લીધી હતી કે હવે પછી કોઈ ખરાબ કામ ન કરવું. મેં બીજા જ દિવસથી મારા બે નાના ભાઈઓ સાથે જિમ્નેશ્યમમાં જવાનું શરૂ કરી દીધું હતું. મેં પણ મારા ભાઈઓની જેમ બૉક્સિંગની પ્રૅક્ટિસ શરૂ કરી દીધી હતી.’

૨૦૦૪માં ગર્લફ્રેન્ડ સાથે લગ્ન

ટૉમનું ૧૯૯૪ની સાલથી રૅકલ નામની છોકરી સાથે અફેર હતું અને ૨૦૦૪માં ૨૦ વર્ષની ઉંમરે ટૉમે તેની સાથે લગ્ન કરી લીધા હતા. ટૉમે ‘ડેઇલી મેઇલ’ને કહ્યું હતું કે ‘રૅકલે પુત્રીને જન્મ આપ્યો ત્યાર બાદ મારા જીવનમાં વધુ પરિવર્તન આવી ગયું હતું. આ વર્ષે રૅકલે બીજી દીકરીને જન્મ આપ્યો છે. હવે તો હું મારી પાછલી જિંદગી ભૂલી ચૂક્યો છું.’

ટૉમ ૨૦૧૧માં વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સમાં બૉક્સિંગનો બ્રૉન્ઝ મેડલ અને યુરોપિયન યુનિયન ચૅમ્પિયનશિપ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એ પહેલાં ૨૦૧૦માં દિલ્હીની કૉમનવેલ્થ ગેમ્સમાં પણ તે સુવર્ણચંદ્રક જીત્યો હતો. હવે તે લંડન ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતવા માગે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK