ફિલિપ હ્યુઝને લાગણીશીલ શ્રદ્ધાંજલિ

Published: 10th December, 2014 05:07 IST

સાથીખેલાડીના માનમાં બાવડા પર કાળી પટ્ટી બાંધી, પ્રેક્ષકોએ વરુણ ઍરોને નાખેલા પહેલા બાઉન્સર પર પણ તાળીઓ પાડી


ગઈ કાલે ફિલિપ હ્યુઝના મોત બાદ તેના બીજા ઘર સમાન ઍડીલેડમાં ભારત તથા ઑસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ટેસ્ટ-મૅચનો પ્રારંભ થયો હતો. મૅચ શરૂ થતાં પહેલાં ફિલિપ હ્યુઝને તમામ પ્રકારની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી એટલું જ નહીં, મૅચ દરમ્યાન પણ કંઈકેટલાય એવા બનાવો બન્યા જેમાં હાજર રહેલા દર્શકોએ ઉદાસ મન હોવા છતાં જોરદાર તાળી વગાડી હતી. ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં પણ ફિલિપ હ્યુઝના લૉકરને યથાવત્ રાખ્યું હતું. પોતાના બૂટ પર પણ ભ્ણ્ ૬૩ એવું લખાણ લખ્યું હતું.

શ્રદ્ધાંજલિ સાથે મૅચની શરૂઆત

મૅચ શરૂ થતાં પહેલાં હ્યુઝને શ્રદ્ધાંજલિ આપવા માટે ઍડીલેડ ઓવલમાં ખેલાડીઓ, મૅનેજમેન્ટ તથા મૅચના અધિકારીઓ મેદાનમાં ૪૦૮ નંબર લખેલો હતો ત્યાં લાઇનસર ઊભા રહ્યા હતા. મોટા પડદા પર હ્યુઝને શ્રદ્ધાંજલિ આપતો એક વિડિયો પણ દર્શાવવામાં આવ્યો હતો. ખેલાડીઓએ પોતાના બાવડા પર એક કાળી પટ્ટી પણ લગાડેલી હતી જેમાં ૪૦૮ લખેલું હતું આ ઉપરાંત જર્સી પર પણ ૪૦૮ લખેલું હતું. આ સમગ્ર વિધિ દરમ્યાન કૅપ્ટન ક્લાર્ક ફરી પાછો ભાવુક થઈ ગયો હતો.

મૅચની ત્રીજી ઓવરનો પહેલો બૉલ વરુણ ઍરોને બાઉન્સર ફેંક્યો હતો. સામે ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન ડેવિડ વૉર્નરે આ બૉલને નીચે નમીને છોડી દીધો હતો. બૉલ સીધો વિકેટકીપરના હાથમાં ગયો હતો. આ મૅચનો એ પહેલો બાઉન્સર હતો. દર્શકોએ આ બૉલ પર તાળી વગાડી હતી. એનો અર્થ એવો હતો કે પ્રેક્ષકો ઉદાસ જરૂર છે, પણ ક્રિકેટ આગળ વધી રહ્યું છે. કદાચ ફિલિપ હ્યુઝ પણ એમ જ ઇચ્છતો હતો.

વૉર્નર ૬૩ રનના સ્કોર પર પહોંચ્યો હતો ત્યારે તેને બહુ ખરાબ લાગ્યું હતું. આ સ્કોર પર તેને બહુ સારું નહોતું લાગતું. તે જલદીથી આગળ વધવા માગતો હતો. જોકે આ સ્કોર પર પ્રેક્ષકોએ લાંબો સમય સુધી તાળી વગાડી હતી. વૉર્નર થોડો સમય પિચ પર બેસી ગયો હતો. ત્યાર બાદ તેણે આકાશ તરફ બૅટ બતાવતાં હ્યુઝને યાદ કર્યો હતો.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK