આજની મેચમાં ટૉસ હોગા બૉસ : કોહલી

Published: 17th October, 2011 18:37 IST

દિલ્હી: દિલ્હીના ફિરોજશા કોટલા મેદાનમાં આજે ભારત અને ઇંગ્લૅન્ડના જંગની બીજી વન-ડે (નીઓ ક્રિકેટ પર બપોરે ૨.૩૦) રમાશે. ગુરુવારે હૈદરાબાદની પહેલી મૅચમાં ૧૨૬ રનથી જોરદાર વિજય મેળવીને ટીમ ઇન્ડિયાએ ફરી તેમનો ચૅમ્પિયન કૉન્ફિડન્ટ પાછો મેળવી લીધો છે.

બીજી તર પહેલી મૅચમાં કરેલી ભૂલોમાંથી બોધપાઠ લઈને વળતો ઘા કરવા ઇંગ્લૅન્ડના માસ્ટર કોચ ઍન્ડી ફ્લાવરે સ્ટ્રૅટેજી ઘડી કાઢી હશે એમાં કોઈ બેમત નથી. આમ મુકાબલો બરાબરનો જામશે.

કોહલી આજે હોમગ્રાઉન્ડ પર જબરદસ્ત પર્ફોર્મ કરવાના મૂડમાં : ભેજવાળા વાતાવરણને કારણે પ્રથમ ફીલ્ડિંગ કરનાર ટીમને વધુ ફાયદો થવાની શક્યતા

દિલ્હીવાસી વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર ઘરઆંગણે તાકાત બતાવવાના મૂડમાં છે. વિરાટ કોહલી માને છે કે ટીમ ઇન્ડિયા અહીંની પરિસ્થિતિનો લાભ ઉઠાવવા સારી સ્થિતિમાં છે, પણ ભેજ મહત્વનું ફૅક્ટર બની રહેશે.

ટૉસ જીતનાર બની શકે છે બૉસ

વિરાટ કોહલી કહે છે કે ‘દિલ્હીની આબોહવા અને લો અને સ્લો પિચનો ટીમ ઇન્ડિયા ઇંગ્લૅન્ડ કરતાં સારો લાભ ઉઠાવી શકે એમ છે, પણ ભેજના ફૅક્ટરને નજરઅંદાજ ન કરવું જોઈએ. ટૉસ જીતનાર કૅપ્ટન વિચાર કર્યા વગર પહેલાં ફીલ્ડિંગ જ પસંદ કરશે, કારણ કે બીજી ઇનિંગ્સ વખતે ભેજને લીધે બોલરોને બૉલ પર િગ્રપ મેળવવાનું મુશ્કેલ બની જશે.’

હૈદરાબાદની જીત ઉત્સાહવર્ધક

કોહલીએ કહ્યું હતું કે ‘ઇંગ્લૅન્ડની નામોશીભરી સિરીઝ પછી ઘરઆંગણે હૈદરાબાદની પહેલી જ મૅચમાં ટીમ ઇન્ડિયાએ મેળવેલી ૧૨૬ રનની મોટી જીતે ટીમનો ઉત્સાહ વધારી દીધો છે. આટલી મોટી જીતે ખેલાડીઓના કૉન્ફિડન્સ-લેવલમાં ખૂબ જ વધારો કર્યો છે. અમે એ જ કૉન્ફિડન્સ સાથે આજની મૅચમાં ઊતરવાના છીએ.’

યુવાનો માટે આ સિરીઝ મહત્વની

કોહલીએ કહ્યું હતું કે ‘આ સિરીઝ કેટલાક યુવાન ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વની છે. ટીમમાં તેમનું સ્થાન મજબૂત કરવાનો તેમને ગોલ્ડન ચાન્સ છે. ટીમમાં કેટલાક નવા ખેલાડીઓ છે અને ઇંગ્લૅન્ડ જેવી મજબૂત ટીમ સામેનો સારો પર્ફોર્મન્સ તેમના કૉન્ફિડન્સ-લેવલમાં વધારો કરશે અને ભવિષ્યમાં જ્યારે પણ તેમને ટીમ વતી રમવાનો ચાન્સ મળશે ત્યારે તેમને આ કૉન્ફિડન્સનો ફાયદો થશે.’

ફીલ્ડિંગમાં વધારે મહેનત કરીએ છીએ

કોહલીએ કહ્યું હતું કે ‘ખેલાડીઓ હવે ફીલ્ડિંગ સુધારવા માટે વધુ કલાકો સુધી પસીનો પાડી રહ્યા છે. અમે સ્ટ્રૉન્ગ ફીલ્ડિંગ યુનિટ બનવા માટે કોશિશ કરી રહ્યા છીએ. જોકે હજી મંઝિલ ઘણી દૂર છે.’

નવા નિયમોએ કન્ફ્યુઝ કર્યા

વિરાટે કહ્યું હતું કે ‘વન-ડેના નવા નિયમો એ સારું ચેન્જ છે અને ભવિષ્યમાં કદાચ એ વધારે રસપ્રદ અને એક્સાઇટિંગ બની શકે એમ છે, પણ પહેલી મૅચમાં અમે બહુ કન્ફ્યુઝ હતા. બન્ને સાઇડથી અલગ-અલગ બૉલ વપરાવાનો હોવાથી ઓવર પછી બૉલ અમ્પાયરને આપવાનો હોય છે, પણ અમે એ ભૂલી જતા હતા. જોકે રન-આઉટનો નિયમ પણ હજી અસ્પષ્ટ છે.’

ધોનીના ૧૦,૦૦૦ રન

હૈદરાબાદમાં રમાયેલી પહેલી વન-ડેમાં કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વન-ડેનો ૧૦૦મો કૅચ પકડનાર વિશ્વનો પ્રથમ વિકેટકીપર-કૅપ્ટન બન્યો હતો. જોકે એ ઉપરાંત તેણે તેની અણનમ ૮૭ રનની ઇનિંગ્સ દરમ્યાન ૧૪મો રન લીધો ત્યારે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં તેણે ૧૦,૦૦૦ રન પૂરા કરી લીધા હતા. ધોનીએ ૨૮૦ મૅચમાં ૪૩.૭૯ની ઍવરેજ સાથે ૧૦,૦૭૩ રન બનાવ્યા છે, જેમાં ૧૧ સેન્ચુરી અને ૬૫ હાફ સેન્ચુરીનો સમાવેશ છે. ધોનીએ ટેસ્ટમાં ૩૨૪૨, વન-ડેમાં ૬૩૭૨ અને T20માં ૪૫૯ રન બનાવ્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK