Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન ટોની ગ્રેગને કૅન્સર

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન ટોની ગ્રેગને કૅન્સર

21 October, 2012 05:18 AM IST |

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન ટોની ગ્રેગને કૅન્સર

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન ટોની ગ્રેગને કૅન્સર




લંડન : ઇંગ્લૅન્ડના મહાન ક્રિકેટર ટોની ગ્રેગને ફેફસાનું એક પ્રકારનું કૅન્સર છે અને થોડા દિવસમાં તેઓ આ મહારોગ કયા તબક્કામાં છે અને એમાંથી મુક્ત થવા શું કરવું એ જાણવા બાયોપ્સી કરાવશે.

ટોની ગ્રેગ ૭૭ વર્ષના છે. તેઓ પરિવાર સાથે લંડનમાં રહે છે. જોકે વર્ષ દરમ્યાન થોડો સમય સિડની પણ રહેવા જાય છે. આ ભૂતપૂર્વ ઇંગ્લિશ કૅપ્ટનને ગઈ કાલે સાંજે ડૉક્ટર સાથેની વાતચીતમાં પોતાના કૅન્સરની જાણ થઈ હતી. ત્યાર બાદ રાત્રે ટોની ગ્રેગે પોતે સાઉથ આફ્રિકામાં રહેતી તેમની ૯૩ વર્ષની માતાને ફોન કરીને આ બૅડ ન્યુઝ આપ્યા હતા.

૨૦૧૧ના વન-ડેના વર્લ્ડ કપ પછી યુવરાજ સિંહને કૅન્સર હોવાનું નિદાન થયું હતું. શ્રીલંકામાં આ મહિને પૂરા થયેલા T20 વર્લ્ડ કપ બાદ ભૂતપૂર્વ કિવીકૅપ્ટન માર્ટિન ક્રોને અને હવે આ જ વિશ્વકપમાં કૉમેન્ટરી આપનાર ટોની ગ્રેગને આ મહારોગનો હોવાના સમાચારે ક્રિકેટજગતમાં ગમગીની ફેલાવી છે.

તબિયત સૌથી પહેલાં ક્યારે બગડી?

ટોની ગ્રેગને આ વર્ષના મે મહિનામાં બ્રૉન્કાઇટિસની બીમારી થઈ હતી. એ બીમારી પૂરેપૂરી દૂર નહોતી થઈ અને ત્યાર પછી તબિયત વધુ બગડી હતી છતાં તેઓ ઑગસ્ટમાં દુબઈમાં ઑસ્ટ્રેલિયા-પાકિસ્તાનની સિરીઝમાં કૉમેન્ટરી આપવા ગયા હતા. ત્યાર બાદ સપ્ટેમ્બરમાં T20 વર્લ્ડ કપમાં કૉમેન્ટરી આપવા કોલંબોના પ્રવાસે પણ ગયા હતા. આટલી બધી ભાગદોડ વચ્ચે તેણે ૬ ઑક્ટોબરે એટલે વર્લ્ડ કપની શ્રીલંકા-વેસ્ટ ઇન્ડીઝની ફાઇનલના આગલા દિવસે કોલંબોમાં સાથીકૉમેન્ટેટરો અને બીજા મિત્રો સાથે ૬૬મો જન્મદિન ઉજવ્યો હતો.

વર્લ્ડ કપ પૂરો થયા પછી તેઓ લંડન પાછા આવ્યા ત્યારે ડૉક્ટરની સલાહથી કરાવેલી કેટલીક ટેસ્ટમાં તેમના જમણા ફેફસામાં નાનો ઘા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે તેમના એ ફેફસામાંથી પ્રવાહી પણ કાઢવામાં આવ્યું હતું. ડૉક્ટરે તેમના ફેફસામાં પડેલું ચાંદુ કૅન્સરનું હોવાનું તેમને કહ્યું હતું.

બે પત્નીઓથી કુલ ચાર સંતાનો થયાં

ટોની ગ્રેગ લંડનમાં પત્ની વિવિયન અને બે સંતાનો સાથે રહે છે. આ બે સંતાનોમાં ૧૨ વર્ષની પુત્રી બો અને ૧૦ વર્ષના પુત્ર ટૉમ છે. ટૉમ બહુ સારું ક્રિકેટ રમે છે. વિવિયન તેમની બીજી પત્ની છે. તેમને પ્રથમ પત્નીથી પણ બે સંતાનો થયાં હતાં જેમાં ૩૯ વર્ષની પુત્રી સૅમ અને ૩૭ વર્ષના પુત્ર માર્કનો સમાવેશ છે.

ટોની ગ્રેગના નાના ભાઈ ઈયાન ગ્રેગ ૧૯૮૨માં બે ટેસ્ટમૅચ રમ્યા હતા. ઈયાન ગ્રેગ બ્રિસ્બેનમાં રહે છે. ટોની ગ્રેગ ઑસ્ટ્રેલિયાની ચૅનલ નાઇન માટે કૉમેન્ટરી આપે છે. ગયા અઠવાડિયે આ જ ચૅનલના પીટર હાવી નામના અવૉર્ડવિજેતા જર્નલિસ્ટને કૅન્સર હોવાના સમાચાર બહાર આવ્યા હતા.

મારા જીવનનો આ ઑર એક સંઘર્ષ : ગ્રેગ

ટોની ગ્રેગે ગઈ કાલે ‘સન્ડે ટેલિગ્રાફ’ દૈનિકની વેબસાઇટને આપેલા ટૂંકા ઇન્ટરવ્યુમાં ઘણા હૃદયસ્પર્શી વિધાનો કર્યા હતા:

મેં જીવનમાં ઘણા સંઘર્ષોનો સામનો કર્યો છે અને આ ઑર એક મુસીબતનો સામનો કરવાનો વખત આવી પડ્યો છે.

(રમૂજમાં) હું અને મારી પત્ની વિવિયન હવે બૉક્સિંગના ગ્લવ્ઝ પહેરી લઈશું અને મારા કૅન્સરને જબરદસ્ત લડત આપીને એને હરાવીને જ રહીશું.

હવે મને સારું થાય ત્યાં સુધી કૉમેન્ટરી આપવાનો તો પ્રશ્ન જ નથી, હું બધો સમય મારા પરિવારને આપીશ.

પાંચ વર્ષની કરીઅરમાં બન્યા લેજન્ડ : બૅટિંગ ઉપરાંત બોલિંગમાં પણ બળિયા

ખરું નામ : ઍન્થની વિલિયમ ગ્રેગ

કયા નામે જાણીતા : ટોની ગ્રેગ

જન્મ : ૬ ઑક્ટોબર ૧૯૪૬, ક્વીન્સટાઉન (સાઉથ આફ્રિકા)

બૅટિંગ સ્ટાઇલ : રાઇટી

બોલિંગ સ્ટાઇલ : રાઇટ-આર્મ મિડિયમ પેસ, રાઇટ-આર્મ ઑફ સ્પિનર

ટેસ્ટકરીઅર (૧૯૭૨થી ૧૯૭૭)

મૅચ : ૫૮, રન : ૩૫૯૯, સેન્ચુરી : ૮, હાઇએસ્ટ : ૧૪૮, બૅટિંગઍવરેજ : ૪૦.૪૩, વિકેટ : ૧૪૧, ઇનિંગ્સમાં બેસ્ટ બોલિંગ : ૮૬ રનમાં ૮ વિકેટ (વેસ્ટ ઇન્ડીઝ સામે), બોલિંગઍવરેજ : ૩૨.૨૦

વન-ડે કરીઅર (૧૯૭૨થી ૧૯૭૭)

મૅચ : ૨૨, રન : ૨૬૯, હાઇએસ્ટ : ૪૮, બૅટિંગઍવરેજ : ૧૬.૮૧, વિકેટ : ૧૯, મૅચમાં બેસ્ટ બોલિંગ : ૪૫ રનમાં ૪ વિકેટ (ન્યુ ઝીલૅન્ડ સામે), બોલિંગઍવરેજ : ૩૨.૫૭

કૅન્સરનો શિકાર થઈ ચૂકેલા ક્રિકેટરો : યુવી મહારોગમાંથી મુક્ત, પણ માર્ટિન ક્રોનું અનિશ્ચિત

માર્ટિન ક્રો (ન્યુ ઝીલૅન્ડ) : ન્યુ ઝીલૅન્ડના ગ્રેટેસ્ટ બૅટ્સમૅન તરીકે જાણીતા માર્ટિન ક્રો થોડા દિવસ પહેલાં લીમ્ફૉમા પ્રકારના કૅન્સરની ઝપટમાં આવ્યા છે. ૫૦ વર્ષના આ ભૂતપૂર્વ ખેલાડીનો આ મહારોગ હજી પ્રાથમિક તબક્કામાં છે અને પોતે એમાંથી હેમખેમ બહાર આવી જશે એવો પૉઝિટિવ અભિગમ તેમણે રાખ્યો છે. ૧૯૮૨થી ૧૯૯૫ સુધી ચાલેલી વ્યસ્ત કરીઅર દરમ્યાન પોતે જે ખૂબ ભાગદોડ કરી અને તાવ તથા ફૂટ-પૉઇઝનિંગ જેવી નાની-મોટી બીમારીઓનો ભોગ બન્યા એ બાબતોને તેમણે કૅન્સરની બીમારી માટે કારણરૂપ ગણાવી છે.

યુવરાજ સિંહ (ભારત) : ૨૦૧૧ વર્લ્ડ કપના આ ૩૦ વર્ષની ઉંમરના સુપરસ્ટારને બે ફેફસા વચ્ચેના ભાગમાં કૅન્સર હોવાનું નિદાન વિશ્વકપના થોડા મહિનાઓ બાદ થયું હતું. તેણે અમેરિકામાં કેમોથેરપી કરાવી હતી. પોતાને બહુ જલદી સારું થઈ જશે એવું શરૂઆતથી તે માની રહ્યો હતો અને તેની ધારણા સાચી પડી છે. તે પાછો રમવા આવી ગયો છે. તેનું કમબૅક કૅન્સરપીડિતો માટે પ્રેરણારૂપ બન્યું છે.

જ્યૉફ બૉયકૉટ (ઇંગ્લૅન્ડ) : ઇંગ્લિશ બૅટ્સમેનોના ૭૧ વર્ષની ઉંમરના આ લેજન્ડની કરીઅર ૧૯૬૪માં શરૂ થઈને ૧૯૮૨માં પૂરી થઈ હતી. ૨૦૦૨ની સાલમાં તેમને ગળામાં કૅન્સર હોવાની જાણ થઈ હતી. તેમને દાઢી કરતી વખતે ગળાની બાજુના એક ભાગમાં ગાંઠ જોવા મળી હતી. તેઓ તરત ડૉક્ટરને મળ્યાં હતા જેમણે એ ગાંઠ કૅન્સરની હોવાનું અને એવી એક નહીં પણ બે ગાંઠ હોવાનું ડૉક્ટરે નિદાન કર્યું હતું. મહિનાઓ સુધી કેમોથેરપી ચાલી હતી અને છેવટે તેમણે કૅન્સર સામે જીત મેળવી હતી.

સાયમન ઓડોનેલ (ઑસ્ટ્રેલિયા) : આ ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ૪૯ વર્ષના છે. તેમની કરીઅર ૧૯૮૫માં જ અટકી ગઈ હતી, પરંતુ ૧૯૮૭માં ભારતમાં આયોજિત વર્લ્ડ કપ દરમ્યાન કલકત્તાની ફાઇનલના આગલા દિવસે ઑસ્ટ્રેલિયામાં ડૉક્ટરે તેમને નૉન-હૉજકીન લીમ્ફૉમા પ્રકારનું કૅન્સર હોવાનું કહ્યું હતું. તેમને પાંસળીમાં બે ગાંઠ થઈ હતી. કેમોથેરપીના કેટલાક સેશનની મદદથી તેમની એ ગાંઠ દૂર થઈ હતી. તેઓ આ મહારોગ સામે જીત્યા હતા, પરંતુ ફરી ક્યારેય રમી નહોતા શક્યા.

ડેવ કૅલહન (સાઉથ આફ્રિકા) : ૪૭ વર્ષની ઉંમરના આ ભૂતપૂર્વ ઑલરાઉન્ડરને ૧૯૯૧માં વૃષણનું કૅન્સર થયું હતું. જોકે રેડિયોથેરપી અને કેમોથેરપીથી તેઓ એ મહારોગમાંથી મુક્ત થયા હતા અને ૧૯૯૨માં તેમની ઇન્ટરનૅશનલ કરીઅર શરૂ થઈ હતી. જોકે ૨૦૦૦ની સાલ સુધીમાં તેઓ માત્ર ૨૯ વન-ડે રમ્યા હતા.

જયપ્રકાશ યાદવ (ભારત) : ૨૦૦૨થી ૨૦૦૫ દરમ્યાન ૧૨ વન-ડે રમી ચૂકેલા ૩૮ વર્ષના આ ઑલરાઉન્ડરને ૨૦૦૦ની સાલમાં હૃદયની નજીક કૅન્સરની ગાંઠ થઈ હતી. કેમોથેરપીના ત્રણ સેશનથી તેને સારું થઈ ગયું હતું અને નવેમ્બર ૨૦૦૨માં જમશેદપુરમાં તે વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ વન-ડે રમ્યો હતો.

મૅથ્યુ વેડ (ઑસ્ટ્રેલિયા) : આ વર્ષની શરૂઆતથી માંડીને અત્યાર સુધીમાં ત્રણ ટેસ્ટ, પચીસ વન-ડે અને પંદર T20 ઇન્ટરનૅશનલ રમી ચૂકેલા ૨૪ વર્ષના આ વિકેટકીપર-બૅટ્સમૅનને ૨૦૦૪માં વૃષણનું કૅન્સર થયું હતું. ત્યારે તે ૧૬ વર્ષનો હતો. જોકે એ રોગ ત્યારે શરૂઆતના તબક્કામાં હતો એટલે કેમોથેરપીથી તેને જલદી સારું થઈ ગયું હતું.

માઇકલ ક્લાર્ક (ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ અને વન-ડે ટીમના આ કૅપ્ટને ૨૦૦૪ની સાલમાં બૅન્ગલોરમાં ભારત સામેની ટેસ્ટમાં આક્રમક સેન્ચુરી (૧૫૧ રન) સાથે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ધમાકેદાર એન્ટ્રી કરી ત્યાર બાદ ૨૦૦૫ની સાલમાં તેને ચામડીનું કૅન્સર થયું હતું. તેને નાક પર કૅન્સરની ગાંઠ થઈ હતી જે ઑપરેશનથી દૂર કરી નાખવામાં આવી હતી અને ત્યાર પછી તેને કોઈ તકલીફ નથી થઈ.

કેરી પૅકરને કારણે કરીઅરનો આવ્યો વહેલો અંત

ટોની ગ્રેગ ૧૯૭૭માં કેરી પૅકર દ્વારા આયોજિત ઑસ્ટ્રેલિયાની બિનસત્તાવાર વર્લ્ડ સિરીઝ ક્રિકેટમાં રમ્યા હતા અને એના પગલે તેમની ઇન્ટરનૅશનલ કરીઅરનો ત્યારે જ અંત આવી ગયો હતો

વર્લ્ડ સિરીઝ ક્રિકેટની રચનામાં ટોની ગ્રેગની મહત્વની ભૂમિકા હતી જેના કારણે તેઓ ઑસ્ટ્રેલિયામાં ઘણા ફેમસ થઈ ગયા હતા. ત્યાર બાદ તેઓ ૩૩ વર્ષ સિડનીમાં રહ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2012 05:18 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK