સ્પૉટ-ફિક્સિંગ કૌભાંડની ટાઇમલાઇન

Published: 2nd November, 2011 19:32 IST

૨૮ ઑગસ્ટ ૨૦૧૦ : એ વર્ષની ૨૯ ઑગસ્ટે લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડની એક ઇનિંગ્સ અને ૨૨૫ રનથી થયેલી જીત સાથે પૂરી થયેલી છેલ્લી ટેસ્ટમૅચના આગલા દિવસે પાકિસ્તાનના કૅપ્ટન સલમાન બટ તેમ જ ફાસ્ટ બોલરો મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિરે મૅચ-ફિક્સર મઝહર માજિદના કહેવા મુજબ સ્પૉટ-ફિક્સિંગ કર્યું હોવાનો ઘટસ્ફોટ ઇંગ્લૅન્ડના ‘ન્યુઝ ઑફ ધ વર્લ્ડ’ અખબારના એક રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો.

 

 

આસિફ અને આમિરે કૅપ્ટન બટના કહેવા પ્રમાણે જાણી જોઈને ત્રણ નો બૉલ ફેંક્યા હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. આ આક્ષેપને પગલે પોલીસે લંડનની હોટેલમાં બટ, આસિફ અને આમિરની રૂમો પર દરોડો પાડ્યો હતો જેમાં તેમની પાસેથી ‘ન્યુઝ ઑફ ધ વર્લ્ડ’ના સ્ટિંગ-ઑપરેશનમાં રિપોર્ટરે બુકી માજિદને ચૂકવેલી રોકડ રકમ મળી આવી હતી.

૨ સપ્ટેમ્બર ૨૦૧૦ : આઇસીસી (ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ)એ બટ, આસિફ અને આમિર ત્રણેયને સસ્પેન્ડ કર્યા હતા.

૩ સપ્ટેમ્બર ૨૦૧૦ : પોલીસે બટ, આસિફ અને આમિરની કલાકો સુધી પૂછપરછ કરી હતી.

૫ ફેબ્રુઆરી ૨૦૧૧ : આઇસીસીએ બટના રમવા પર દસ વર્ષનો, આસિફ પર સાત વર્ષનો અને આમિર પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો.

૨૬ ફેબ્રુઆરી ૨૦૧૧ : બટ અને આમિરે સ્વિટ્ઝરલેન્ડની કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફૉર સ્પોર્ટમાં પોતાના પરના પ્રતિબંધો સામે અપીલ નોંધાવી હતી.

૧ માર્ચ ૨૦૧૧ : આસિફે પણ કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફૉર સ્પોર્ટમાં પોતાના પરના બૅન સામે અપીલ નોંધાવી હતી. જોકે ઇંગ્લૅન્ડમાં તેમની વિરુદ્ધની ફોજદારી ગુના સંબંધિત પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી.

લંડનની કોર્ટની સુનાવણીમાં ૨૦ દિવસમાં આવ્યો ફેંસલો

૪ ઑક્ટોબર ૨૦૧૧ના લંડનની કોર્ટમાં

સ્પૉટ-ફિક્સિંગ કેસની સુનાવણી શરૂ થઈ હતી. સલમાન બટ અને મોહમ્મદ આસિફ કોર્ટમાં સવારે વહેલા આવી ગયા હતા. કોર્ટ દ્વારા ૧૨ મેમ્બરોના સમાવેશવાળા જ્યુરી (પંચ)ની નિયુક્તિ થઈ હતી. જ્યુરીના ૧૨ મેમ્બરોમાં શ્વેત અને અશ્વેત જાતિના મેમ્બરોનો સમાવેશ હતો. ૧૨માંથી છ પુરુષો હતા અને છ મહિલાઓ હતી.

જ્યુરીના મેમ્બરો સમક્ષ આક્ષેપ હેઠળના પાકિસ્તાની પ્લેયરો તેમ જ બુકી મઝહર માજિદ વચ્ચેની તેમ જ માજિદ તથા સ્ટિંગ-ઑપરેશન કરનાર ‘ન્યુઝ ઑફ ધ વર્લ્ડ’ સાપ્તાહિકના રિપોર્ટર વચ્ચેની ફોન પરની વાતચીતના તેમ જ એસએમએસના પુરાવા રજૂ થયા હતા.

લંડનની હોટેલમાં બટની રૂમમાંથી પોલીસને ૨૮ ઑગસ્ટ ૨૦૧૦ના દિવસે થોકબંધ રાખવામાં આવેલા રોકડા ૧૪,૦૦૩ પાઉન્ડ (અંદાજે ૧૨ લાખ રૂપિયા) તેમ જ બીજા કેટલાક કવરોમાં વિવિધ દેશોના ચલણોમાં ભરીને રાખવામાં આવેલી ૧૫,૯૯૯ પાઉન્ડ (૧૩ લાખ રૂપિયા)ની કિંમતની રોકડ રકમ મળી હતી. એ તમામ રોકડ રકમની વિગતો જ્યુરીને જણાવવામાં આવી હતી. ફિક્સર માજિદના ૩૦ જેટલા બૅન્ક અકાઉન્ટ્સ હોવાનું કોર્ટને જાણવા મળ્યું હતું.

માજિદ મઝહરના ભાઈ અઝહરની પણ ફિક્સિંગમાં સંડોવણી હોવાનું કોર્ટને જાણવા મળ્યું હતું.

૨૭ ઑક્ટોબરે લંડનની કોર્ટના ન્યાયાધિશે ૧૨ મેમ્બરોવાળા જ્યુરી (પંચ)ને ફેંસલા પર આવવા કહ્યું હતું. પાંચ દિવસ સુધી તેઓ પાકિસ્તાની પ્લેયરો વિરુદ્ધના પુરાવા પૂરતા હોવા વિશે અને તેમની કસૂરવાર ગણવા કે નહીં એ વિશે સર્વાનુમતે નિર્ણય નહોતા લઈ શક્યા. સોમવારે ન્યાયમૂર્તિએ જ્યુરીને ૧૨માંથી ઓછામાં ઓછા ૧૦ મેમ્બરોનો જેના પર એકમત હોય એવો ચુકાદો આપવા કહ્યું હતું. આમિર થોડા દિવસ પહેલાં જ પોતાનો ગુનો કબૂલી ચૂક્યો હતો એટલે ગઈ કાલે બટ અને આસિફ પર જ્યુરીએ ફેંસલો આપ્યો હતો. બટને ફિક્સિંગની રકમ સ્વીકારવા બદલ અને પોતાના ફાસ્ટ બોલરો પાસે નો બૉલ ફેંકાવવાના કાવતરાંમાં મુખ્ય ભૂમિકા ભજવવા બદલ કસૂરવાર ઠરાવવામાં આવ્યો હતો. આસિફને આ કાવતરાંમાં રોલ ભજવવા બદલ ગુનેગાર ઠરાવવામાં આવ્યો હતો. આમ, ૪ ઑક્ટોબરે શરૂ થયેલી સુનાવણી કોર્ટમાં કામકાજના ગઈ કાલના ૨૦મા દિવસને અંતે પૂરી થઈ ગઈ હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK