Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ડ્રેસિંગ રૂમની અફરાતફરી હાર માટે જવાબદાર : ધોની

ડ્રેસિંગ રૂમની અફરાતફરી હાર માટે જવાબદાર : ધોની

21 December, 2014 04:09 AM IST |

ડ્રેસિંગ રૂમની અફરાતફરી હાર માટે જવાબદાર : ધોની

ડ્રેસિંગ રૂમની અફરાતફરી હાર માટે જવાબદાર : ધોની


dhoni







બાઉન્સી પિચ પર ભારતના બૅટ્સમેનોની નબળાઈ ફરી એક વાર જોવા મળી હતી. બ્રિસ્બેનના ગૅબા મેદાન પર ટૉપ ઑર્ડરના બૅટ્સમેનો નિષ્ફળ જતાં ભારત ઑસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ ચોથા દિવસે ચાર વિકેટથી હારી ગયું હતું. આ જીતની સાથે જ યજમાન ઑસ્ટ્રેલિયાએ ચાર મૅચોની સિરીઝમાં ૨-૦થી લીડ મેળવી લીધી હતી. ચોથા દિવસે ઑસ્ટ્રેલિયાને વિજય અપાવવામાં મિચલ જૉન્સન અને ક્રિસ રૉજર્સે મહત્વની ભૂમિકા ભજવી હતી.

૭૧ રન પર એક વિકેટથી મૅચ શરૂ કરનારું ભારત સેકન્ડ ઇનિંગ્સમાં ૨૨૪ રને ઑલઆઉટ થઈ ગયું હતું. સવારે માત્ર ૧૬ રનમાં જ ચાર વિકેટ ગુમાવી હતી. અંતે તમામ બૅટ્સમેનો ૬૪.૩ ઓવરમાં પૅવિલિયનમાં પાછા ફર્યા હતા. કાંડામાં ઈજા હોવા છતાં ઓપનર શિખર ધવને ૮૧ રન બનાવ્યા હતા. છઠ્ઠી વિકેટ પડ્યા બાદ તે મેદાનમાં ઊતર્યો હતો. ઑસ્ટ્રેલિયાએ ૧૨૮ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં છ વિકેટ ગુમાવી હતી

ભારતની પ્રથમ ઇનિંગ્સના ૪૦૮ રનના જવાબમાં ઑસ્ટ્રેલિયાએ ૫૦૫ રન બનાવીને ૯૭ રનની લીડ મેળવી હતી. ભારત માટે ગઈ કાલના દિવસની શરૂઆત જ ખરાબ રહી હતી. સવારે શિખર ધવન ઈજાગ્રસ્ત થયો હતો જેને કારણે વિરાટ કોહલી (૧ ) અને ચેતેશ્વર પુજારા (૪૩)એ બૅટિંગ કરવા આવવું પડ્યું હતું. કોહલી બાદ મિચલ જૉન્સને (૬૧ રનમાં ૪ વિકેટ) ભારતના ટૉપ ઑર્ડરને આઉટ કર્યું હતું. એ ઉપરાંત જોશ હેઝલવુડ, મિચલ સ્ટાર્ક અને નૅથન લાયને પણ બે-બે વિકેટ લીધી હતી. જો ધવન અને ઉમેશ યાદવ (૩૦) વચ્ચે આઠમી વિકેટ માટે ૬૦ રનની પાર્ટનરશિપ ન થઈ હોત તો ભારત ૧૦૦ રનનો લક્ષ્યાંક પણ આપી શક્યું ન હોત.

ઇશાન્ત શર્માએ ડેવિડ વૉર્નર (૬) અને શેન વૉટ્સન (૦)ને આઉટ કર્યા હતા, પરંતુ ઓપનર ક્રિસ રૉજર્સ (૫૫) અને કૅપ્ટન સ્ટીવ સ્મિથ (૨૮)એ ઇનિંગ્સને સંભાળી હતી. જોકે ત્યાર બાદ વિકેટ ઝડપથી પડી હતી, પરંતુ મિચલ માર્શ (૬)એ વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો. પ્રથમ ઇનિંગ્સમાં શાનદાર સેન્ચુરી કરનાર કૅપ્ટન સ્ટીવ સ્મિથને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.

ડ્રેસિંગ રૂમમાં અફરાતફરી

 હાર બાદ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું હતું કે ‘વિરાટ અને શિખર ધવન પૈકી કોણ પહેલું બૅટિંગ કરવા જશે એ બાબતે કન્ફ્યુઝન હતું. ટીમે આ પરિસ્થિતિને સરખી રીતે હૅન્ડલ ન કરી. પરિણામે ટીમ હારી ગઈ. સવારે નેટ- પ્રૅક્ટિસ દરમ્યાન શિખર ધવનને ઈજા થઈ હતી, પરંતુ અમને નહોતી ખબર કે ઈજા કેટલી ગંભીર છે. શિખરે તેનો અંદાજ અમને આવવા ન દીધો. પરિણામે વિરાટને તૈયાર થવા માટે માત્ર પાંચથી ૬ મિનિટનો જ સમય મળ્યો હતો. આ બધાને પરિણામે સમગ્ર ડ્રેસિંગ રૂમમાં અફરાતફરી મચી ગઈ. વિરાટ યેનકેન પ્રકારે મેદાનમાં પહોંચ્યો અને ૧૧ બૉલમાં ૧ રન બનાવીને આઉટ થઈ ગયો. પહેલું સેશન અમારી હારનું મુખ્ય કારણ બન્યું. ઉપરાંત મિચલ જૉન્સને પણ ઘણી સારી બોલિંગ કરી.’

જૉન્સને બાજી પલટાવી


જીત બાદ ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન સ્ટીવ સ્મિથે ભારતને ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘મિચલ જૉન્સનને ચીડવવાની યોજના ભવિષ્યમાં પણ જો ભારત બનાવશે તો એને મોંઘી પડશે. જૉન્સને પહેલી ઇનિંગ્સમાં ૮૮ રન અને બીજી ઇનિંગ્સમાં વહેલી સવારે ભારતની ફટાફટ ત્રણ વિકેટ લઈને મૅચની બાજી પલટાવી નાખી હતી. પરિણામે ભારત સિરીઝમાં ૨-૦થી પાછળ પડી ગયું હતું. જોશ હેઝલવુડે પણ સારી બોલિંગ કરી હતી. મૅચનો પહેલો દિવસ અમારા માટે ખરાબ રહ્યો હતો.’

પુજારાના ૨૦૦૦ રન પૂરા


બ્રિસ્બેન ટેસ્ટ પહેલાં ચેતેશ્વર પુજારાના કુલ ૧૯૬૬ રન થયા હતા. ગઈ કાલે તેણે ટેસ્ટ-કરીઅરના ૨૦૦૦ રન પૂરા કર્યા હતા. આટલા રન કરનારો તે ભારતનો ૩૪મો ખેલાડી બન્યો છે. પુજારાએ ૨૬ મૅચમાં ૪૭ ઇનિંગ્સ રમતાં ૪૮.૨૬ની ઍવરેજથી ૨૦૦૦ રન પૂરા કર્યા છે. ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ-રન સચિન તેન્ડુલકરના (૧૫,૯૨૧) છે જે એક વલ્ર્ડ રેકૉર્ડ છે.

પ્રૅક્ટિસ માટે મળી ખરાબ પિચ

શિખર ધવન નેટ-પ્રૅક્ટિસ દરમ્યાન ઘાયલ થયા બાદ ભારતે બ્રિસ્બેન ટેસ્ટ દરમ્યાન આપવામાં આવેલી પ્રૅક્ટિસ પિચ વિશે ફરિયાદ કરી હતી. ટીમનું કહેવું હતું કે ‘એને ખરાબ પિચ મળી હતી જેને કારણે બૅટ્સમેનો ઘાયલ થયા હતા. શિખર ધવન ઉપરાંત વિરાટ કોહલી પણ ઘાયલ થયો હતો.’

પિચમાં કોઈ ખરાબી નહીં

ભારતીય ક્રિકેટ બોર્ડે કરેલી પ્રૅક્ટિસ-પિચની ટીકા બાદ બ્રિસ્બેનના ગૅબા મેદાનના ચીફ ક્યુરેટર કેવિન મિચલે કહ્યું હતું કે ‘કોઈ પણ પ્રવાસી ક્રિકેટ ટીમે આવી ફરિયાદ કરી નથી. અમારા ખેલાડીઓ પણ અહીં પ્રૅક્ટિસ કરતા હોય છે.’

ઑસ્ટ્રેલિયાના પ્રવાસ દરમ્યાન ખેલાડીઓને પત્નીને સાથે રાખવાની મંજૂરી આપવામાં આવી

બિપિન દાણી

ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ-મૅચમાં સતત બીજી હાર બાદ ખેલાડીઓનું નસીબ કદાચ સુધરશે એવી આશા રાખી શકીએ, કારણ કે ખેલાડીઓને પોતાની પત્નીઓને સિરીઝમાં સાથે રાખવાની મંજૂરી ભારતીય ક્રિકેટ બોર્ડે આપી છે. ભારતીય ટીમના મૅનેજર અર્શદ અયુબે આ વાતને સમર્થન આપતાં જણાવ્યું છે કે કેટલાક ખેલાડીઓની પત્ની હવે પ્રવાસમાં જોડાશે. ભારતે હજી મેલબર્ન અને સિડનીમાં ટેસ્ટ રમવાની બાકી છે. ગઈ કાલે મળેલી હાર સાથે ભારતને ઑસ્ટ્રેલિયામાં સતત છઠ્ઠો પરાજય મળ્યો છે.

કૅપ્ટન ધોનીની પત્ની સાક્ષી અથવા કોહલીની ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્મા વિશે કોઈ પણ જાતનો ફોડ મૅનેજરે પાડ્યો નથી, પરંતુ ટીમના ખેલાડી કર્ણ શર્માની પત્નીએ તાજેતરમાં જ પાસપોર્ટ માટે અરજી કરી હતી. તે ઑસ્ટ્રેલિયા જવા રવાના થશે એવી જાણકારી તેના પિતા વિનોદ શર્માએ આપી હતી.

બ્રિસ્બેન ટેસ્ટના ચોથા દિવસની રમત શરૂ થયા પહેલાં ખરાબ વિકેટ પર નેટ-પ્રૅક્ટિસ દરમ્યાન શિખર ધવન અને વિરાટ કોહલી અસ્વસ્થ થયા હતા, પરંતુ નબળી પિચ વિશે કોઈ ફરિયાદ મૅચ-રેફરી જેફ ક્રોને કરવામાં નહીં આવે એવી માહિતી ટીમના મૅનેજરે આપી હતી.

શાકાહારી ભોજન ન મળવાથી નારાજ ઇશાન્ત

ભારતીય ટીમ એને આપવામાં આવતા ભોજનને કારણે નારાજ છે. આ વિશે એણે ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના અધિકારીઓને જાણકારી આપી હતી, પરંતુ ફિલિપ હ્યુઝના મોતને કારણે આ વાતને સાર્વજનિક કરી નહોતી. ઇશાન્ત શર્મા અને સુરેશ રૈનાએ શાકાહારી ભોજન બાબતે નારાજગી વ્યક્ત કરી હતી. બ્રિસ્બેન ટેસ્ટના ત્રીજા દિવસે લંચ વખતે ઇશાન્ત શર્મા મેદાનની બહાર ગયો હતો. વળી સ્ટેડિયમમાં ભોજન લઈને અંદર જવાની મનાઈ હોવાથી સ્ટેડિયમની બહાર જ તેણે ભોજન કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

21 December, 2014 04:09 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK